31 જાન્યુઆરીએ રજૂ થઈ દિગ્દર્શક ફૈસલ હાશ્મીની ફિલ્મ ફાટી ને?નું એક લાગણીસભર ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું. હિતુ કનોડિયા પર ફિલ્માવાયેલું અને દીપક વેણુગોપાલે સ્ર્વરબદ્ધ કરેલું ગીત સંતાનથી વિખૂટા પડેલા પિતાની વ્યથાને વાચા આપે છે.
ફિલ્મ હૉરર કૉમેડી જૉનરની હોવા છતાં એમાં આવા ભાવવાહી ગીતને સ્થાન કેવી રીતે મળ્યું હશે એવું ઘણાના મનમાં થતું હશે. જોકે ફિલ્મના ટ્રેલરને જેમણે ધ્યાનથી જોયું હશે તેમને ખ્યાલ આવી ગયો હશે કે ફિલ્મમાં હિતુની દીકરીને લઈ ન જવાની વિનવણી છતાં મોના થીબા પુત્રીને લઈને જતી રહે છે. કદાચ આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી પંખીડા ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હશે.
દીકરીથી જુદા પડવાની ઘડીએ હૈયાના ઊંડાણથી આવતા પિતાની લાગણીઓને ગીતકાર અનિલ ચાવડાએ ખૂબ જ સુંદર રીતે શબ્દો દ્વારા વર્ણવી છે. તો જાવેદ અલીની ગાયકીએ ગીતને હૈયા સોંસરવું નીકળી જાય એટલું ભાવવાહી બનાવ્યું છે.
હૉરર કૉમેડી જૉનરની ફિલ્મ લઈને ફૈઝલ હાશ્મી આવી રહ્યા છે. ફિલ્મના મહત્ત્વના હિસ્સાનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતની વીસ મિનિટ ગુજરાતી અને અંગ્રેજી કલાકારોનું ફ્યુઝન જોવા મળશે. ત્યાર બાદ વાર્તાના કેન્દ્રમાં ગુજરાતી કલાકારો જોવા મળશે.
ફિલ્મમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા ખાસ મિત્રો છે અને બંને મેલબોર્ન પોલીસ નોકરી કરે છે. હકીકતમાં આ નોકરી તેમને લાગવગથી મળી છે બાકી બંનેમાં પોલીસ બનવાની લાયકાત ધરાવતા નથી. જોકે તેમની લાગવગ એવી છે કે કોઈ તેમને કાઢી શકતું નથી. તેમની નોકરીના ચક્કરની સાથોસાથ એક ભૂત સાથે તેમનો પનારો પડે છે.