ટુરિઝમ બોર્ડે જણાવ્યું હતું કે પોલિસી ટુંક સમયમાં જાહેર કરાશે.
દેશના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા સહિત અનેક રાજ્યો તેમને ત્યાં ફિલ્મનું શૂટિંગ કરનારા નિર્માતાને સબસિડી રૂપે આર્થિક સહાય આપતા હોય છે. આ દિશામાં હવે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને ગુણવત્તાના ધોરણે સબસિડી અપાય છે, પણ અન્ય ભાષાની ફિલ્મોને સબસિડીની સુવિધા અપાતી નહોતી.
આ અંગે નક્કર પોલિસી તૈયાર કરી શકાય એ માટે સોમવારે એક બેઠક યોજાઇ હતી. ગાંધીનગર ખાતે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફિલ્મ અને ટેલિવિઝનના નિર્માતાઓ સાથે સિનેમા ટુરિઝમ પોલિસી તૈયાર કરવા એક બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાત રાજ્ય માટે સિનેમા ટુરિઝમ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઉપસ્થિત નિર્માતાઓ પાસે પ્રોડક્શન કોસ્ટ પર કેટલું પ્રોત્સાહન આપી શકાય અને કરમાં કેટલી રાહત આપી શકાય એ અંગે સૂચનો માગ્યા હતા.
ગુજરાત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી જે. ડી. મજીઠીયા, જીઓનાં શોભા સંત, ધર્મા પ્રડક્શનના પાર્થ ધોળકિયા, એન્ડમોલશાઈનના પાર્થ શાહ, ભાનુશાલી સ્ટુડિયોમાં વિનોદ ભાનુશાલી, નીલા ટેલિફિલ્મ્સના આસિત મોદી, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના સીઈઓ નિતિન તેજ આહુજા, વંદન શાહ, બોલિવૂડ હબના અત્રિસ – ગ્રિષ્મા, વૈશલ શાહ IFPTCના સુરેશ અમીને હાજરી આપી હતી. જ્યારે ગુજરાત ટુરિઝમ બોર્ડ વતિ મેનેજિંગ ડિરેકટર જૈનું દીવાન અને સેક્રેટરી હરીશ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગ બાદ ટુરિઝમ બોર્ડે જણાવ્યું હતું કે પોલિસી ટુંક સમયમાં જાહેર કરાશે.