પ્રેમ ત્યારે ગાઢ બને છે જ્યારે એકબીજાના આંતરમનને જાણી શકે. જ્યારે કોઈ પ્રેમમાં પડે અને તેઓ એકબીજાના દિલમાં સમાઈ જાય ત્યારે પ્રેમની ખરી અનુભૂતિ થાય છે. આ વાતને નિર્માતા દીપેન્દ્ર કુમાર શર્માએ તેમના વિડિયો આલ્બમ દિલ મેં ઉતરને લગે હોમાં અત્યંત ભાવવાહી શૈલીથી દર્શાવી છે.
દિલ મેં ઉતરને લગે હો આલ્બમથી ગાયિકા-અભિનેત્રી સોના મેઘી મનોરંજન જગતમાં પદાર્પણ કરી રહી છે. હકીકતમાં એમબીએ થયેલી અને ફાર્મા કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાં અધિકારી તરીકે કાર્યરત સોનાનો સૂરીલો કંઠ ઇશ્વરની દેન છે. સોના કહે છે કે નાનપણથી જ મને ગાયકીનો શોખ. મૂળ આસામની સોના એના વતનમાં એક બૅન્ડમાં મુખ્ય ગાયિકા હતી. સંગીતની એણે કોઈ વિધિવત તાલિમ લીધી નથી. મુંબઈમાં પણ હું ખાનગી કાર્યક્રમોમાં પર્ફોર્મ કરતી. પાર્શ્વ ગાયિકા બનવાનું મારું સપનું છે. આલ્બમની ઑફર મને આવી અને મેં ગીતના શબ્દો સાંભળ્યા ત્યારે લાગ્યું કે આ ગીત માટે મારો અવાજ એકદમ બંધબેસતો છે. ગીત સાંભળીને તમે પણ કહેશો મારી ધારણા એકદમ સાચી હતી.
ગાયિકા બનવા આવ્યા અને અભિનેત્રી કેવી રીતે બની ગયા? પ્રશ્નના જવાબમાં સોના કહે છે કે હું તો માત્ર ગીત જ ગાવાની હતી. પરંતુ નિર્માતા અને દિગ્દર્શકના આગ્રહને કારણે અભિનય માટે પણ રાજી થઈ. જોકે એક સ્પષ્ટતા કરી લઉં કે આજે પણ મારો ધ્યેય ગાયિકા બનવાનો જ છે અભિનેત્રી નહીં. આલ્બમમાં મારો હીરો છે વિશાલ પાંડે.
આલ્બમના નિર્માતા દીપેન્દ્રએ બૉલિવુડમાં એમની કરિયર ફૅશન ડિઝાઇનર તરીકે કરી હતી. તો ટીવી સિરિયલ કૉમેડી બચાઓ (2016)થી પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી. ત્યાર બાદ યશરાજ પ્રોડક્શનની પૃથ્વીરાજ ચૌહાણ, ઍક્શન થ્રિલર સિરીઝ સ્પેશિલ ઑપ્સ 1.5 સહિત અનેક ફિલ્મોના કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યા. મૂળ જયપુરના ફૅશન ડિઝાઇનરે શ્રીદેવી, સાન્યા મલ્હોત્રા, પ્રિયાંક શર્મા, હિમાંશ કોહલી ઉપરાંત અક્ષય કુમાર, સોનુ સૂદ અને સંજય દત્તની ફિલ્મોના પણ કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યા.
જોકે દીપેન્દ્રને નાનપણથી જ બૉલિવુડનું આકર્ષણ હતું. ફૅશન ડિઝાઇનરથી કરિયરની શરૂઆત કર્યા બાદ દીપેન્દ્રએ નિર્માણ ક્ષેત્રે જંપલાવ્યું અને તેમના પ્રોડક્શન હાઉસ ડીકેએસ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ શરૂ કર્યું અને આજે સંપૂર્ણ ધ્યાન એના પર કેન્દ્રિત કર્યું છે. હાલ તેઓ મ્યુઝિક આલ્બમ બનાવી રહ્યા છે. જોકે ભવિષ્યમાં સિરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મોનું પણ નિર્માણ કરવા માગે છે.