મુંબઈમાં ચીલઝડપનું ટ્રેલર લૉન્ચ કરાયું

ગુજરાતી નાટક ચીલઝડપ પરથી બનેલી ફિલ્મ જોવા દર્શકો બેબાકળા બન્યા છે ત્યારે ફિલ્મના સર્જકોએ એનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. મુંબઈના અંધેરીમાં આવેલી ભવ્ય રાહેજા ક્લબ ખાતે આયોજિત રંગારંગ કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.

મુંબઈમાં ગુજરાતી ફિલ્મોની ઇવેન્ટ ભાગ્યે જ થતી હોય છે. પરંતુ ફિલ્મના નિર્માતા રાજુ રાયસિંઘાનિયાએ લક્ઝુરિયસ રાહેજા ક્લબમાં ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ટ્રેલર લૉન્ચિંગ ફંક્શનમાં ફિલ્મના કલાકારો દર્શન જરિવાલા, સુશાંત સિંહ, સોનિયા શાહ જિમિત ત્રિવેદી ઉપરાંત ફિલ્મના નિર્માતા રાજુ રાયસિંઘાનિયા, દિગ્દર્શક ધર્મેશ મહેતા તથા બૉલિવુડના ચિતા યજ્ઞેશ શેટ્ટી, અરૂણ બક્ષી, ઉર્વશી સોલંકી, સુનીલ પાલ સહિત અનેક કલાકાર-કસબીઓ ઉપિસ્થત રહ્યા હતા.

ઉપિસ્થત મહેમાનો ફિલ્મની ભવ્યતા, એની વિશાળ રેન્જ અને ધમાકેદાર ઍક્શન સીન જોઈ બૉલિવુડના કલાકાર કસબીઓને આશ્ચર્ય થયું હતું કે ગુજરાતીમાં પણ આટલી ભવ્ય ફિલ્મ બની રહી છે!

ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે દાવો કર્યો હતો કે ગુજરાતી ફિલ્મોમાં એક નવો ચીલો ચાતરવા અમે થ્રિલર કૉમેડી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. અમને ઘણા લોકોએ વાર્યા કે તમે હાથે કરીને પગ પર કુહાડો મારી રહ્યા છો. પરંતુ અમે જે કરવાનું નક્કી કર્યું હતું એમાં પાછીપાની કરવાનો સવાલ જ ખડો થતો નહોતો. અમારા શિડ્યુલ મુજબ અમે ફિલ્મ પૂરી કરી અને એ પણ કોઈ પણ પ્રકારના બાંધછોડ કર્યા વિના. નિર્માતા રાજુભાઈએ પણ અમને જે કોઈ ચીજ જોઇતી હોય એ અમને કોઈ પણ જાતના ખચકાટ વિના આપ્યું હતું. જીટીપીએલ દ્વારા પ્રસ્તુત અને વિઝન મૂવી મેકર્સની ફિલ્મના મુખ્ય કલાકારો છે દર્શન જરિવાલા, સુશાંત સિંહ, સોનિયા શાહ અને જિમિત ત્રિવેદી. ફિલ્મનું સંગીત પિયુષ કનોજિયાનું છે. ફિલ્મ બનાવવા નિર્માતા-દિગ્દર્શકે કોઈ કસર છોડી નથી એમ કલાકાર-કસબીઓના નામોની યાદી જોઇને લાગી રહ્યું છે. ફિલ્મના ડીઓપી છે મરાઠી ફિલ્મના દિગ્ગજ કેમેરામેન રાહુલ જાધવ, એડિટર છે સંજય લીલા ભણશાળી કેમ્પના સિનિયર એડિટર રાજેશ પાંડે.

મૂળ ગુજરાતી નાટક ચીલઝડપ પરથી એજ નામે ફિલ્મ બનાવવાનું બીડું નિર્માતા રાજુ રાયસિંઘાનિયાએ ઉઠાવ્યું છે. મજાની વાત એ છે કે ગુજરાતી ફિલ્મમાં ભાગ્યેજ આઇટમ સોંગ જાવા મળતું હોય છે. ચીલઝડપમાં પણ એક આઇટમ નંબર છે જેને વિશ્વપ્રસિદ્ધ પોપ સિંગર ઉષા ઉથુપે ગાયું છે.

ચીલઝડપ અંગે દર્શકોમાં ખાસ્સી ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Exit mobile version