Table of Contents
મુંબઈના આરે વિસ્તારમાં મેટ્રો માટે વૃક્ષો કાપવાનું કામ શરૂ થઈ ગયું છે. હાઇકોર્ટે બધી અરજીઓ ફગાવી દઈ વૃક્ષો કાપવાની પરવાનગી આપ્યા બાદ તુરંત શુક્રવારે વૃક્ષો કાપવાનું કામ શરૂ કરી દીધું. આને પગલે પ્રદર્શનકારીઓ પ્રશાસન વિરૂદ્ધ રસ્તા પર ઉતરી પડ્યા હતા. પોલીસે દેખાવો કરી રહેલાઓને અટકમાં લીધા બાદ કોર્ટના આદેશને પગલે ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
આરેમાં વૃક્ષ કાપવાના વિરોધમાં અમુક બૉલિવુડ સેલિબ્રિટીઝ પણ જોડાઈ છે. એક બાજુ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કાપવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તો બીજી બાજુ શ્રદ્ધા કપૂર અને ફિલ્મ સર્જક કરણ જોહરે એની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. શ્રદ્ધા કપૂર તો આરેના વૃક્ષો બચાવવા માટે પ્રદર્શન કરતી રહી છે. હવે એમાં કરણ જોહરનો ઉમેરો થયો છે.
ફિલ્મી સેલિબ્રિટી ફરી આરેના વૃક્ષો બચાવવા મેદાનમાં આવ્યા તો લોકો એમના પર તૂટી પડ્યા હતા. ટ્વીટર યુઝરોએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મી સ્ટાર્સે ફિલ્મ સિટીના નામે આરેની જમીન પર કબજો કરી લીધો છે. હકીકતમાં આ વિવાદ કરણ જોહરની ટ્વીટને કારણે શરૂ થયો હતો. મામલાએ તૂલ પકડતા વરૂણ ધવને પણ જંપલાવ્યું હતું. એણે પણ એક ટ્વીટરિયાને જવાબ આપ્યો હતો.
કરણ જોહરે વૃક્ષોને કાપવાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે આ તો નરસંહાર છે. આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારેય પ્રકૃતિ પહેલા હોઈ ન શકે. આપણે અટકવું જાઇએ. સેવ આરે.
કરણ જોહરની ટ્વીટ બાદ ટ્વીટરિયાઓએ પણ એમાં જંપલાવ્યું. ટ્વીટર પર હૅશટૅગશટડાઉન ફિલ્મસિટી ટ્રેન્ડ કરી રહ્યું છે. લેખક આશિષ ચાંદોરકરે આરે કાર ડેપોના પ્રસ્તાવિત ૨૦ એક્સ પર ફિલ્મ સિટીસ્થિત છે. આ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની બોર્ડર પર છે. મુંબઈમાં હરિયાળી વધી શકે છે જો ફિલ્મ સિટીને તોડી ત્યાં વૃક્ષ ઉગાડવામાં આવે.
તો અન્ય એક ટ્વીટરિયાએ લખ્યું હતું, ફિલ્મ સિટીમાં બનતા સેટ પ્લાસ્ટર ઑફ પેરિસ, સ્ટાયરોફોમ, લાકડા અને પ્લાયવુડના હોય છે. લાઇટ, એસી અને ડિજિટલ ઉપકરણોને પાવર પહોંચાડવા જનરેટર ચાલે છે જેમાં અનેક લીટર ડીઝલ બાળવામાં આવે છે. આ બધું એન્ટરટેઇન્મેન્ટના નામે થઈ રહ્યું છે.