યુવા વયે અવસાન પામેલા બૉલિવુડના કલાકાર

સિદ્ધાર્થ શુક્લાનું માત્ર ચાલીસ વરસની વયે ટેલિ-બૉલિવુડના કલાકાર  ગુરુવારે અવસાન થતાં ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો. આજે જ્યારે એની અંતિમ યાત્રા નીકળી રહી છે ત્યારે બૉલિવુડના અનેક સિતારા જેઓ જીવનની અડધી સદી વટાવ્યા પહેલાં જ આ ફાની દુનિયા છોડી ગયા છે તેમને ફિલ્મી ઍક્શન શ્રદ્ધા સુમન અર્પણ કરે છે.

દિવ્યા ભારતી

એના સમયની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક એવી દિવ્યા ભારતી વીસીમાં પણ પ્રવેશી નહોતી અને એનું આકસ્મિક મૃત્યુ થયું. હકીકતમાં એના મૃત્યુનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. 1990માં તેલુગુ ફિલ્મથી મનોરંજનની દુનિયામાં ડગ માંડનાર દિવ્યાએ બૉલિવુડમાં એન્ટ્રી કરી અને જોતજોતામાં ટોચની અભિનેત્રી બની ગઈ. એપ્રિલ 1993માં એના પાંચમા માળ પર આવેલા ઘરની બાલકનીમાંથી પડીને અવસાન થયું એ અગાઉ માત્ર ત્રણ વરસના સમયગાળામાં વીસ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ રેકોર્ડ હજુ સુધી અકબંધ છે.

સ્મિતા પાટિલ

સામાન્ય દેખાવની પણ અસામાન્ય પ્રતિભા ધરાવતી સ્મિતા પાટિલે ન્યુઝ રીડર તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ શરૂઆતમાં ઑફબીટ (સમાનાંતર) ફિલ્મો કર્યા બાદ બૉલિવુડ મસાલા ફિલ્મોમાં ચમકેલી અભિનેત્રીએ દરેક ફિલ્મમાં એની અભિનય ક્ષમતાનો પરચો આપ્યો છે. બે વાર નેશનલ અવૉર્ડ અભિનેત્રીને પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી. સ્મિતા પાટિલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા. એની પહેલી પ્રસુતિ દરમિયાન પ્રસવ સંબંધી તકલીફને કારણે 31 વર્ષની વયે અવસાન થયું.

ગુરુ દત્ત

અભિનેતા-દિગ્દર્શક-નિર્માતાએ અનેક ક્લાસિક ફિલ્મો આપી છે. જીવનની છેલ્લી ઘડી સુધી કલાને સમર્પિત રહેલા જિનિયસનું માત્ર 39 વરસની વયે 1964માં નિધન થયું. સાહબ બીબી ઔર ગુલામ, પ્યાસા, કાગઝ કે ફૂલ જેવી ફિલ્મોના સર્જક ગુરુ દત્તને વિશ્વના 250 કરતા વધુ ઇન્ટરનેશનલ ફિલ્મ ક્રિટિક્સ અને ડિરેક્ટર્સે દત્તને ગ્રેટેસ્ટ ડિરેક્ટર્સ ઑફ ઓલ ટાઇમની યાદીમાં 73મું સ્થાન આપ્યુ છે. તો પ્યાસા ફિલ્મને ટાઇમ મેગેઝિને ઑલ ટાઇમ 100 ગ્રેટેસ્ટ મૂવીઝમાં સામેલ કરી છે. જ્યારે સાઇટ એન્ડ સાઉન્ડ મેગેઝિનની ગ્રેટેસ્ટ ફિલ્મ્સ ઑફ ઓલ ટાઇમમાં પ્યાસા અને કાગઝ કે ફૂલને સ્થાન અપાયું છે. પરંતુ આ પ્રતિભાશાળી સર્જકનું ઊંઘની વધુ પડતી ગોળીઓ લેવાના કારણે અવસાન થયું.

મીના કુમારી

ભારતીય સિનેમાની ટ્રેજેડી ક્વીન તરીકે વિખ્યાત અભિનેત્રી મીના કુમારીનું જીવન પણ અનેક વિટંબણાઓથી ભરેલું હતું. 1972માં અભિનેત્રીનું લિવર સોરાયસીસને કારણે અવસાન થયું ત્યારે એની વય માત્ર 39 વર્ષની હતી. પતિ કમાલ અમરોહીથી અલગ થયા બાદ અભિનેત્રીને દારૂની આદત પડી જેને કારણે થયેલી લિવરની બિમારી એ એનો જીવ લીધો. મીના કુમારી માત્ર અભિનેત્રી જ નહોતી પણ ઉર્દુ કવિયત્રી અને ગાયિકા પણ હતી. મીના કુમારીનું જીવન કોઈ ફિલ્મની કથા કરતા ઓછું નાટકીય નહોતું. સ્વબળે ટોચના સ્થાને પહોંચેલી અભિનેત્રી જીવનભર પ્રેમ માટે તરસતી રહી.

મધુબાલા

બૉલિવુડની વીનસ ગણાતી અભિનેત્રી મધુબાલાએ બાળ કલાકાર તરીકે એની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં જન્મેલી મુમતાઝ જહાં બેગમ દેહલવી (મધુબાલા)એ માત્ર એની સુંદરતાને કારણે નહીં પણ સાહજિક અભિનયને કારણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ હતું. મધુબાલા પહેલી ભારતીય અભિનેત્રી હતી જેણે હૉલિવુડનું ધ્યાન ખેંચ્યું હતું. હૉલિવુડના દિગ્દર્શક ફ્રેન્ક કાપ્રા મધુબાલાને લેવા માગતા હતા પરંતુ પિતાએ ઑફર નકારી દીધી. જોકે મધુબાલાની લાંબા અરસાથી ચાલી આવતી હૃદય અને ફેફસાની બિમારીને કારણે માત્ર 36 વરસની ઉંમરે નિધન થયું.

ઇરફાન ખાન

બૉલિવુડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક ઇરફાન ખાને માત્ર બૉલિવુડ જ નહીં, હટલિવુડ પણ ગજવ્યું હતું. દરેક ફિલ્મમાં તેમના અભિનય દ્વારા અમીટ છાપ છોડી જનાર ઇરફાન ખાન દુર્લભ કહી શકાય એવી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યુમર બિમારી થઈ હતી. વિદ્શમાં મહિનાઓ સુધી સારવાર લીધા બાદ સાજા થઈ ભારત આવ્યા. ફિલ્મ પણ કરી. પણ, કોલન ઇન્ફેક્શનને કારણે 53 વરસની વયે અવસાન થયું.

શ્રીદેવી

ભારતીય ફિલ્મ ઉદ્યોગની સાથે દેશ-વિદેશના કરોડો ચાહકોને ત્યારે જબરો આઘાત લાગ્યો જ્યારે શ્રીદેવી દુબઈની એક હોટેલના બાથટબમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામી હોવાના સમાચાર આવ્યા. કલાકાર તરીકેની પાંચ દાયકાની કરિયરમાં શ્રીદેવીએ અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી. જિતેન્દ્ર સાથેની ધમાલ ફિલ્મો હોય કે સદમા જેવી ઑફબીટ સિનેમા કે ચાલબાઝ અને મિસ્ટર ઇન્ડિયા જેવી કૉમેડી ફિલ્મ, દરેકમાં શ્રીદેવીનું એક નવું રૂપ જોવા મળ્યુ છે.

જિયા ખાન

બૉલિવુડમાં ધૂમકેતુની જેમ આવીને જતી રહેલી અભિનેત્રી જિયાએ 25 વરસની વયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી ત્યારે અનેકને આઘાતનો આંચકો લાગ્યો હતો. 2007માં અમિતાભ બચ્ચનની હીરોઇન તરીકે બૉલિવુડમાં એન્ટ્રી કરનાર જિયા ખાને 2013માં આત્મહત્યા કરી એ પહેલાં માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. જિયાએ એની સુસાઇડ નોટમાં એના તત્કાલીન પ્રેમી સૂરજ પંચોલીના નામનો ઉલ્લેખ કર્યો હોવાથી અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અકાળે થયેલા અવસાનને કારણે જિયાનું નામ બૉલિવુડના એવા કલાકારોની યાદીમાં સામેલ થયું જેઓ નાની વયે મૃત્યુ પામ્યા હોય.

સંજીવ કુમાર

બૉલિવુડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક, નેશનલ અવૉર્ડ વિજેતા સંજીવ કુમાર એવા અભિનેતામાંના એક છે જેમનું મૃત્યુ યુવાવસ્થામાં થયું હોય. સંજીવ કુમારે તેમની ફિલ્મી કરિયર દરમિયાન લગભગ તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. જે હીરોઇનના પ્રેમીની ભૂમિકા ભજવી હોય એના પિતાનું પાત્ર પણ એટલી જ સાહજિકતાથી ભજવ્યું છે. બૉલિવુડમાં આટલી વૈવિધ્યસભર ભૂમિકા ભજવનાર કલાકાર ભાગ્યેજ જોવા મળ્યો છે. 25 વરસ સુધી  ફિલ્મોના માધ્યમથી દર્શકોનું મનોરંજન કરનાર ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું 48મા વરસે હૃદય રોગના ભારે હુમલાને કારણે અવસાન થયું હતું.

સુશાંત સિંહ રાજપુત

એક યુવા અને પ્રતિભાશાળી અભિનેતા, વિવાદાસ્પદ સેલિબ્રિટી આત્મહત્યાઓમાંની એક, સુશાંત સિંહ રાજપુતના અકાળે થયેલા અવસાન અનેક પ્રશ્નો છોડી ગયું છે. એના સમયના સૌથી બહેતરીન અને સૌથી લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું 34 વરસની ઉંમરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. એના રહસ્યમય મૃત્યુને કારણે બટલિવુડમાં ભાઈ-ભતિજાવાદ અંગે ભારે આક્રોશ ફેલાયો હતો. આજે પણ ઘણા લોકોનું માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમે સુશાંતનો ભોગ લીધો છે.

તરૂણી સચદેવ

અનેક ઍડ ફિલ્મોમાં કામ કરી પોતાની આગવી ઓળખ બનાવનાર તરૂણી સચદેવ રસના ગર્લ તરીકે વધુ ખ્યાત છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ પાથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર તરૂણીએ ટૂંકા ગાળામાં ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી. પરંતુ અફસોસજનક વાત એ છે કે તરૂણી એના 14મા જન્મદિને જ નેપાળ ખાતે થયેલા વિમાની અકસ્માતમાં અવસાન પામી.

અમજદ ખાન

1975માં આવેલી ક્લાસિક ફિલ્મ શોલેમાં ગબ્બર સિંહની ભૂમિકા ભજવી અજરામર બની ગયેલા અમજદ ખાને એની ત્રણ દાયકાની કરિયર દરમિયાન સવાસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. માત્ર ખૂંખાર વિલન જ નહીં, કૉમેડી પાત્રોમાં પણ અમીટ છાપ છોડનાર અભિનેતા બૉલિવુડનો જાણીતો ચહેરો બની ગયો. 1976માં થયેલા અકસ્માત બાદ અપાયેલી ભારે દવાના કારણે અમજદ ખાનનું 1992માં 51 વરસની ઉંમરે હૃદયરોગના ભારે હુમલાને કારણે અવસાન થયું હતું.

લક્ષ્મીકાંત બેર્ડે

મરાઠી ફિલ્મોથી શરૂઆત કર્યા બાદ બૉલિવુડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર લક્ષ્મીકાંત બેર્ડે પણ યુવા વયે અવસાન પામ્યા. મૈંને પ્યાર કિયામાં સલમાન ખાન સાથે દેખાયેલા લક્ષ્મીકાંત બેર્ડેની કૉમેડી એની વિશિષ્ટ પ્રકારની ડાયલોગ ડિલિવરીને કારણે ઓર મજેદાર બની જતી. બે દાયકાની કરિયરમાં અનેક મરાઠી હિન્દી ફિલ્મો કરનાર લક્ષ્મીકાંતનું 50 વરસની ઉંમરે કિડનીની બિમારીને કારણે અવસાન થયું.

ગીતા બાલી

સાહજિક અભિનય દ્વારા લોકોના દિલ જીતી લેનાર અભિનેત્રી ગીતા બાલીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક દાયકાની કરિયર દરમિયાન બૉલિવુડના લગભગ તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચુકેલી અભિનેત્રીએ સિત્તેર જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જોકે 35 વરસની ઉંમરે શીતળાની બિમારીને કારણે આ પ્રતિભાશાળી અભિનેત્રીનું અવસાન થયું હતું.

જતીન કાણકિયા

અનેક ગુજરાતી-હિન્દી નાટકો, સિરિયલ અને ફિલ્મોના હાસ્યકલાકાર જતીન કાણકિયાએ હમ સાથ સાથ હૈ અને ખૂબસૂરત જેવી હિટ ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ બનાવી. જોકે જતીનને ટેલિવિઝન શોને કારણે વધુ પ્રસિદ્ધિ મેળવનાર અભિનેતાનું પેન્ક્રિઆટિક કેન્સરને કારણે 46 વરસની ઉંમરે અવસાન થયું.

વિનોદ મેહરા

બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં એન્ટ્રી કરનાર વિનોદ મેહરાનું પણ યુવાવસ્થામાં અવસાન થયું. ફિલ્મ ઉદ્યોગના હેન્ડસમ અભિનેતાઓમાંના એક વિનોદ મેહરા અને રેખાના કથિત લગ્ને ભારે ચકચાર જગાવી હતી. લગભગ બે દાયકા સુધી ફિલ્મોમાં કામ કરનાર વિનોદ મેહરાનું હૃદય રોગના ભારે હુમલાને કારણે માત્ર 45 વરસની વયે અવસાન થયું.

આરતી અગ્રવાલ

સોળ વરસની વયે અભિનેત્રી બનેલી ટીવીની આ ખ્યાતનામ કલાકારે પાગલપન ફિલ્મથી બૉલિવુડની ઇનિંગની શરૂઆત કરી. આરતી અગ્રવાલે અનેક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ 2005માં અગત સંબંધો અને ધંધાકીય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ એ બચી ગઈ. પરંતુ 2015માં  લિપોસક્શન સર્જરી બાદ હૃદયરોગનો હુમલો આવતા એનું 31 વરસની વયે નિધન થયું.

વાજિદ ખાન

બૉલિવુડના ટોચના મ્યુઝિક ડિરેક્ટર સાજિદ વાજિદની જોડીના વાજદ ખાનને કોરોના બાદ આવેલા હાર્ટ અટેકને પગલે 47 વરસની ઉંમરે અવસાન થયું. સલમાન ખાનના માનીતા સંગીતકારના અનેક ગીતો સુપરહિટ થયા હતાં.

ઇન્દ્ર કુમાર

હીરો તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરના ઇન્દ્ર કુમારે અનેક ફિલ્મોમાં કેરેક્ટર રોલ કર્યા. બે દાયકાથી વધુ ચાલેલી કરિયરમાં ઇન્દર કુમારે ઘણા ઉતારચઢાવ જોવાની સાથે અનેક વિવાદોમાં પણ સંકળાયેલો રહ્યો. 2017માં હાર્ટ ઍટેકને કારણે ઇન્દ્ર કુમારનું નિધન થયું ત્યારે એની ઉંમર માત્ર 43 વર્ષની હતી.

શફી ઇનામદાર

શફી ઇનામદાર, એક એવો અભિનેતા જે જેટલી સહજતાથી કૉમેડી કરી શકતો એટલી જ આસાનીથી વિલનગીરી પણ કરવાની ક્ષમતા ધરાવતો હતો. ફિલ્મોની સાથે ટીવી સિરિયલોમાં પણ ટોચના અભિનેતાનું સ્થાન મેળવનાર શફીનું 1996માં અવસાન થયું ત્યારે તેઓ માત્ર પચાસ વર્ષના હતા.

Exit mobile version