મિસ્ટર ઇન્ડિયામાં કેલેન્ડરની ભજવલી ભૂમિકાને કારણે દર્શકોના દિલમાં વસેલા અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે રાત્રે દોઢ વાગ્યે દિલ્હી ખાતે નિધન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. તેઓ ફૅમિલી ફંક્શનમાં હાજરી આપવા દિલ્હી આવ્યા હતા. સતીશને રાત્રે અતિશય બેચેની લાગતા તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આજે તેમનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ પાર્થિવ શરીરને ઍરટેક્સી દ્વારા મુંબઈ લવાશે અને વર્સોવા સ્મશાન ભૂમિ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સૌથી આઘાતજનક બાબત એ છે કે તેઓ મૃત્યુ પામ્યા એના એક દિવસ પહેલા એકદમ સાજાનરવા હતા અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતા. સાતમી માર્ચે તો તેઓ શબાના આઝમી, જાવેદ અખ્તર, તન્વી આઝમી અને બાબા આઝમી વારા આયોજિત હોળીની પાર્ટી માટે તેમના જુહૂ સ્થિત ઘરે હોળી રમવા પણ ગયા હતા. એટલું જ નહીં તેમણે જાવેદ અખ્તર, મહિમા ચૌધરી, રિચા ચઢ્ઢા, અલી ફઝલ સાથેના હોળીના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર અપલૉડ કર્યા હતા.
અનુપમ ખેરે આપ્યા સતીશ કૌશિકના નિધનના સમાચાર
સતીશ કૌશિકના અવસાનના સમાચાર આજે સવારે તેમના તેમના અંગત મિત્ર એવા અનુપમ ખેરે આપી હતી. અનુપમે ટ્વીટ કરીને જણાવ્યું કે સતીશ કૌશિકનું નિધન થયું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું, મને જાણ છે કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ આ વાત હું મારા હયાતિમાં મારા જિગરી દોસ્ત સતીશ કૌશિક માટે લખીશ એવું મેં ક્યારેય સપનામાં ય વિચાર્યું નહોતું. પિસ્તાલીસ વરસની દોસ્તી પર આમ અચાનક પૂર્ણવિરામ!! Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ.
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
બૉલિવુડની વિખ્યાત ફ્રેન્ડ ત્રિપુટી… અનુપમ ખેર, સતીશ કૌશિક અને અનિલ કપૂર
સતીશ કૌશિક એક એવા કલાકાર હતા જેમણે તેમના અભિનય અને કૉમેડી દ્વારા દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમની ડાયલોગ ડિલિવરી અને ટાઇમિંગ ગજબની હતી. અભિનયની સાથે તેમણે રૂપ કી રાની ચોરોં કા રાજા જેવી ફિલ્મોનું દિગ્દર્શક તરીકે પણ કર્યું હતું.
સતીશ કૌશિકે અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ મિસ્ટર ઇન્ડિયામાં ભજવેલા કેલેન્ડરના પાત્રએ પુષ્કળ લોકપ્રિયતા અપાવી. ઉપરાંત દીવાના મસ્તાનામાં ભજવેલું પપ્પુ પેજરનું પાત્ર પણ ઘણું ગાજ્યું હતું. એ સિવાય જાને ભી દો યારો (જેના સંવાદ પણ લખ્યા હતા), કાગઝ, સ્વર્ગ, જમાઈરાજા, સાજન ચલે સસુરાલ, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
હરિયાણામાં જન્મ્યા અને દિલ્હીમાં અભ્યાસ કર્યો
13 એપ્રિલ, 1956ના હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીશ કૌશિકે દિવ્હીની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ કિરોડીમલ કૉલજથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ દિલ્હીની જ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં એડમિશન લીધું. એનએસડીમાં જ સતીશ અને અનુપમ ખેરની મિત્રતા થઈ હતી. 1983માં તેઓ મુંબઈ આવ્યા એ પહેલા ઘણા નાટકો પણ ભજવ્યા હતા. સતીશ કૌશિક જેટલા સારા અભિનેતા હતા એટલા જ સારા પટકથા-સંવાદ લેખક, દિગ્દર્શક પણ હતા. તેમણે અનુપમ ખેર સાથે કરોલ બાગ પ્રોડક્શન નામે નિર્માણ સંસ્થા શરૂ કરી અને તેરી સંગ નામની ફિલ્મ પણ બનાવી હતી.
સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મ ફેર પુરસ્કાર પણ મળ્યો હતો.
સતીશ કૌશિકે અંગત જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો
સતીશ કૌશિક જિંદાદિલ વ્યક્તિ હતા. યારોના યાર તરીકે જાણીતા સતીશ કૌશિકે તેમની કરિયરમાં ભલે સફળ રહ્યા હોય પણ અંગત જીવનમાં તેમણે અનેક દુખોનો સામનો કરવો પડ્યો. 1985માં શશિ કૌશિક સાથે લગ્ન કર્યાં. પુત્ર શાનુનો જન્મ થયો. પરિવાર મોજથી રહેતું હતું ત્યાં દુખનો પહાડ તૂટ્યો. તેમના બે વરસના પુત્રનું આકસ્મિક નિધન થયું. પુત્રના અવસાનને કારણે અભિનેતા પડી ભાંગ્યા. જોકે અભિનેતાએ 56મા વરસે ફરી પિતા બનવાનું નક્કી કર્યું અને 2012માં સરોગસી દ્વારા પુત્રને જન્મ આપ્યો. સતીશ કૌશિકના જીવનમાં સુખના દિવસો પાછા આવ્યા ત્યાં તેમનું અણધાર્યું નિધન થયું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
સતીશ કૌશિકના અવસાનના સમાચાર આવ્યા બાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે, અભિનેતા, દિગ્દર્શક અને લેખક સતીશ કૌશિકજીના નિધનના સમાચાર જાણી ઘણો દુખી છું. ભારતીય સિનેમામાં તેમના યોગદાનને હંમેશ યાદ રખાશે. તેમના પરિવાર અને પ્રશંસકોને મારી સંવેદના. ઓમ શાંતિ.
ઉપરાંત કંગના રનૌત, અભિષેક બચ્ચન, વિવેક રંજન અગ્નિહોત્રી, સુનીલ શેટ્ટી, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, નવાઝુદ્દીન સિદ્દિકી, સની દેઓલ, રણદીપ હુડ્ડા, મધુર ભંડારકર, રિતેશ દેશમુખ અને મનોજ જોશી સહિત અનેક કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.