Table of Contents
બિહાર સરકારમાં તાજેતરમાં સ્થાન પામેલા પર્યટન પ્રધાન નિતિશ મિશ્રાએ તેમની મુંબઈની મુલાકાત દરમાન ઇનિડિન મોશન પિક્ચર પ્રોડ્યુસર અસોસિયેશન (ઇમ્પા)ના આમંત્રણને માન આપી ઇમ્પાની અંધેરી સ્થિત ઑફિસમાં નિર્માતાઓને મળ્યા હતા.
ઇમ્પાના સભ્યો સાથેની વાતચીત દરમિયાન નિતિશ મિશ્રાએ જણાવ્યું કે, બિહાર એની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, વારસો તથા તમામ ધર્મોના પવિત્ર સ્થળનું કેન્દ્ર રહ્યું છે. ધાર્મિક સમન્વય માટે બિહાર માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અમે બિહારના પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ માટે ફિલ્મ નિર્માતાઓને આમંત્રણ આપીએ છીએ. બિહાર એના આતિથ્ય અને સત્કાર માટે વિખ્યાત છે જે અમે પર્યટન વિભાગના કાર્યક્રમો, યોજનાઓ અને નીતિઓમાં લાવીશું.
બિહાર ફાઉન્ડેશનના આમંત્રણને માન આપી મુંબઈ આવેલા બિહારના પર્યટન પ્રધાન નિતિશ મિશ્રાએ ઇમ્પાના સભ્યોને જણાવ્યું કે, બિહારમાં પર્યટન માટેના વિખ્યાત સ્થળો આવેલા છે જ્યાં અનેક લોકેશન પર ફિલ્મના શૂટિંગ થઈ શકે છે. પર્યટન સ્થળો વિકસિત કરી રોજગારી પેદા કરવાની સાથે પર્યટન સ્થળોના વિકાસની સાથે પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહેશે.
બિહારના પર્યટન પ્રધાન નિતિશ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, બિહારમાં શૂટિંગ કરનાર હિન્દી ફિલ્મોના નિર્માતાઓને 25 ટકા સુધી તો પ્રાદેશિક ભાષાની ફિલ્મોને 50 ટકા સુધી સબસિડી આપવામાં આવશે. પર્યટન પ્રધાને કહ્યું કે આ અંગે અમે ખાસ પૉલિસીની જાહેરાત ટૂંક સમયમાં કરશું.
આ અવસરે ઇમ્પાના પ્રમુખ અભય સિન્હા, ઉપ પ્રમુખ સુષમા શિરોમણી અને સુરેન્દ્ર (ટીનુ) વર્મા, ખજાનચી બાબુભાઈ થીબા, જનરલ સેક્રેટરી કુક્કુ કોહલી સહિત અન્ય પદાધિકારીઓ અને ફિલ્મ નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇમ્પાના પ્રમુખ અભય સિન્હાએ નિર્માતાઓને બિહારમાં સુવિધાઓ આપવા માટે બિહાર સરકાર અને પર્યટન વિભાગના પ્રધાન નિતિશ મિશ્રાનો આભાર માન્યો હતો.