ધ કેરળ સ્ટોરીની જબ્બર સફળતા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્માની ત્રિપુટીની સત્ય ઘટના પર આધારિત આગામી ફિલ્મ બસ્તર : ધ નક્સલ સ્ટોરીનું મુહૂર્ત આજે વિધિવત્ પૂજા સાથે કરવામાં આવ્યું હતું. મુહૂર્ત બાદ તુરંત ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુહૂર્તની પૂજાવિધિમાં વિપુલ શાહ, સનશાઈન પિક્ચર્સના આશિન એ. શાહ, દિગ્દર્શક સુદિપ્તો સેન અને અદા શર્મા સામેલ થયા હતા.
મુહૂર્ત બાદ પહેલો શૉટ આપવા અદા શર્મા મિલિટરી પેન્ટ, કાળા કલરનું કમાન્ડો ટી-શર્ટ અને કમાન્ડોની જેમ માથે કપડું બાંધીને આવી હતી.
ચારેક મહિના પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેના પર લખ્યું હતું, છુપાયેલું સત્ય જે દેશમાં હોબાળો મચાવી દેશે. આજે જોકે ફિલ્મની વાર્તા વિશે નિર્માતા કે દિગ્દર્શકે કોઈ ફોડ પાડ્યો નહોતો. જોકે ફિલ્મના કેન્દ્રમાં 25 મે, 2013માં નક્સલવાદીઓએ પરિવર્તન યાત્રા સભા કરીને આવી રહેલા કોંગ્રેસીઓ પર ઝીરમ ઘાટીમાં કરેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના પર આધારિત હોઈ શકે છે. નક્સલીઓના ગોળીબારમાં તત્કાલીન કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નંદકુમાર પટેલ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન વિદ્યાચરણ શુક્લ સહિત 30થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે ત્યારે ભારે ઉહાપોહ મચ્યો હતો.
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત બસ્તર : ધ નક્સલ સ્ટોરીના દિગ્દર્શક છે સુદિપ્તો સેન. ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લાસ્ટ મોન્ક મીડિયાના સહયોગમાં બની રહેલી ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રિલીઝ થશે.
આ અગાઉ વિપુલ અમૃતલાલ શાહ અને સુદિપ્તો સેનની ધર્મ પરિવર્તન પર આધારિત ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ દેશ-દુનિયામાં ધૂમ મચાવી હતી. ફિલ્મે 265 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.