અભિનેતાના અવસાનના પચીસ વરસ બાદ પુસ્તક લખવાની શરૂઆત કરી
૬ નવેમ્બર ૧૯૮૫ના અવસાન પામેલા સંજીવ કુમારની જીવની પર તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે. મેહમુદની આત્મકથાને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થઈ ફિલ્મ પત્રકરમાંથી લેખક બનેલા હનીફ ઝવેરીએ હવે સંજીવ કુમારની આત્મકથા લખી છે. પુસ્તકનું નામ છે ‘એન એકટર્સ એક્ટર’. પુસ્તક પેંગ્વિન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક લખવા હનીફને પુષ્કળ જહેમત ઉઠાવવી પડી હતી. કારણ, તેમણે અભિનેતાના મૃત્યુના ૨૫ વરસ બાદ લખવાની શરૂઆત કરી. સંજીવની નાની-મોટી તમામ પ્રકારની જાણકારી મેળવવા તેમણે અભિનેતાના નજદીકના અને દૂરના સંબંધીઓને મળવું પડ્યું હતું.

પુસ્તકમાં એવી અનેક મજેદાર વાતો છે જે અભિનેતા જીવિત હતા ત્યાં સુધી બહાર આવી નહોતી. ઘણાને ખબર છે કે દેવી ફિલ્મના સેટ પર નૂતને સંજીવ કુમારને લાફો માર્યો હતો. પરંતુ ઘણા ઓછાને જાણ હશે કે થપ્પડ ઘટનાના આગલે દિવસે સેટ પર શું બન્યું હતું. સરિકા ત્યારે બાળ કલાકાર હતી અને દેવીમાં કામ કરી રહી હતી. સરિકાએ આગલે દિવસે થયેલા નાટકનો ખુલાસો હનીફ સમક્ષ કર્યો હતો.
આ અને આવા અનેક પ્રસંગો પુસ્તકને રોચક બનાવે છે. હકીકતમાં સંજીવ કુમારના ચાહકો માટે જ નહીં, ફિલ્મના શોખીનો માટે પણ વસાવવા યોગ્ય છે.