સામાન્યપણે ફિલ્મોની ચર્ચા બૉલિવુડમાં કે પછી ફિલ્મોના રસિયાઓ વચ્ચે વધુ થતી હોય છે. પરંતુ નિર્માતા-દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આજકાલ પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે માત્ર ચર્ચાનો જ વિષય નથી બની પણ એકબીજા પર આક્ષેપ કરવાનું માધ્યમ પણ બની છે. કાશ્મીર ફાઇલ્સ અંગે કૉંગ્રેસ સૌથી વધુ આક્રમક બનવાની સાથે બધો દોષ આરએસએસની વિચારસરણીને માનતા તત્કાલીન કાશ્મીરના રાજ્યપાલ જગમોહન પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદીય દળની બેઠકમાં ફિલ્મ અંગે આપેલું નિવેદન અંગે વિરોધ પક્ષો ખાસ કરીને કૉંગ્રેસ આક્રમક બને એવી શક્યતા છે. વડા પ્રધાને સંસદીય દળની બેઠકમાં જણાવ્યું હતું કે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાને પણ ધ કાશ્મીર ફાઇલ્સ જોયા બાદ એના સર્જકો દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, નિર્માતા અભિષેક અગરવાલ અને અભિનેત્રી પલ્લવી જોશીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે ફિલ્મના વખાણ કરવાની સાથે કાશ્મીરી પંડિતો વિશે પણ વાત કરી હતી.
એ તો સર્વવિદિત છે કે છેલ્લા ત્રીસ વરસથી કાશ્મીરી પંડિતો તેમના હક માટે લડત ચલાવી રહ્યા હોવા છતાં હજુ સુધી ન્યાય નથી મળ્યો. એટલું જ નહીં, ત્રણ દાયકા અગાઉ કાશ્મીરમાં શું બન્યું હતું એ વાતથી તો દેશને અંધારામાં રાખવાની સાથે બધો વાંક કાશ્મીરી પંડિતોનો જ હોવાનો કુપ્રચાર ચલાવવામાં આવ્યો. બૉલિવુડમાં પણ આ મુદ્દે અનેક ફિલ્મો બની છે પણ એમાં કાશ્મીરી પંડિતોના મુદ્દાને ગૌણ બનાવી દેવાયો. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બે વરસ પહેલા રિલીઝ થયેલી વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ શિકારા. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મની ભારે ટીકા થઈ હતી અને એણે માત્ર 8.15 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.
જ્યારે 11 માર્ચે રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં કાશ્મીરમાં વસતા પાંચ લાખ હિન્દુ પંડિતોને જડમૂળથી ઉખેડી નાખનાર પરિબળોની સાથે એ માટે જવાબદાર પરિબળો પણ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
ફિલ્મ લોકો સુધી ન પહોંચે એ માટે થયા પ્રયાસો
વિવેક અગ્નિહોત્રીએ જેમ તાશ્કંદ ફાઇલ્સમાં લાલ બહાદુર શાસ્ત્રીના શંકાસ્પદ મૃત્યુ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમ ધ કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર વિશે વાત કરી હોવાથી ફિલ્મ રિલીઝ ન થાય એ માટે સેક્યુલરો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થશે તો દેશમાં વૈમનસ્ય ફેલાશે જેવી દલીલ સાથે ફિલ્મની રિલીઝ અટકાવવા સેક્યુલર લૉબી કોર્ટ સુધી પહોંચી. એનડીટીવી જેવી ચૅનલે તો ફિલ્મ વિરુદ્ધ ખાસ અભિયાન શરૂ કર્યું હતું. ફિલ્મ રિલીઝના મહિનાઓ પહેલાં એનડીટીવીએ કાશ્મીર ફાઇલ્સ અંગે એક પેજ બનાવી લખ્યું હતું, વિવેક અગ્નિહોત્રીની પ્રોપેગેન્ડા ફિલ્મ.
આઈએમડીબીએ આપેલા રેટિંગને અનૈતિક ગણાવતા વિવેક અગ્નિહોત્રી
ઇન્ટરનેટ મૂવી ડેટાબેસ એટલે કે આઈએમડીબી, જેમાં ફિલ્મ, ટીવી સિરિયલ, સ્ટ્રીમિંગ કન્ટેન્ટની સાથે ફિલ્મ કલાકારો, પ્રોડક્શન ક્રુ અને તેમના વિશેની જાણકારી આપવામાં આવે છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના રેટિંગની ગણતરી માટે એની સિસ્ટમ બદલી નાખી. વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનના રેટિંગ પેજ પર લખ્યું હતું, અમારા રેટિંગ તંત્રએ આ શીર્ષક પર અસામાન્ય મતદાનની ગતિવિધિ થઈ હોવાનું નોંધ્યું છે. અમારી રેટિંગ પ્રણાલીની વિશ્વસનીયતા જાળવી રાખવા વૈકલ્પિક વેટિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. અસામાન્ય મતદાન ગતિવિધિને કારણે આઈએમડીબીના રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે હકીકત એ છે કે ફિલ્મનું કલેક્શન દિવસે દિવસે વધી રહ્યુ છે.
મધ્ય પ્રદેશ પોલીસને ધ કાશ્મીર ફાઇલ્સ જોવા મળી રજા
પક્ષના કાર્યકરો માટે શો બુક કર્યો
જામનગર મહાનગરના મહામંત્રી મેરામણભાઈ ભાટુએ પક્ષના જામનગર અને દેવભૂમિ દ્વારકાના 400 કાર્યકરો એક સાથે ફિલ્મ જોઈ શકે એ માટે મેહુલ સિનેમેક્સ ખાતે આખો શો બુક કર્યો હતો.
આઠ રાજ્યોમાં ધ કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી
અનેક પરિબળો ફિલ્મ દર્શકો સુધી ન પહોંચે એ માટે અનેક પ્રયાસો થયા હોવા છતાં 630 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી જે હવે બે હજાર થિયેટચરમાં દર્શાવી રહી છે. અને આ સકારાત્મક પરિવર્તન આવ્યું છે ફિલ્મના માઉથ ટુ માઉથ પબ્લિસિટીને કારણ. એટલું જ નહીં, ફિલ્મ વધુમાં વધુ લોકો માણી શકે એ માટે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાએ ધ કાશ્મીર ફાઇલ્સને કરમુક્ત જાહેર કરી છે.