લંકેશના નામે વિશ્વભરમાં જાણીતા, નાટકો બાદ ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં કામ કરનાર અરવિંદ ત્રિવેદીનું આજે વૃદ્ધાવસ્થાના કારણે 83મા વરસે નિધન થયું છે. મૂળ ગુજરાતના સાબરકાંઠાના કુકડિયા ગામના સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ તેમની અભિનય પ્રતિભાના જોરે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી.
અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવતા મોટાભાઇ ભાલચંદ્રભાઈ સાથે મુંબઈમાં રહ્યા. ૧૯૫૯માં S.S.C. પાસ થયા. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા બાદ ભારતીય વિદ્યાભવનના થિયેટરમાં મેનેજર તરીકે જોડાયા. ૧૯૭૬ સુધી અરવિંદભાઈએ નોકરી ચાલુ રાખી. ત્યારબાદ નાટ્યપ્રવૃત્તિ તરફના ઝુકાવને કારણે નોકરી છોડી દીધી. નાના હતા ત્યારે ‘રામલીલા’ જોતા અભિનય પ્રત્યે આકર્ષાયા હતા. શાળા અને ત્યાર બાદ ભવન્સ કૉલેજમાં આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લેવા મળ્યો. ‘મૃચ્છકટિક’ નામનું નાટક કર્યું. ત્યારબાદ ‘શાહજહાં’ નાટકમાં ઔરંગઝેબની ભૂમિકા ભજવી શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ જીત્યા. શ્રેષ્ઠ દિગ્દર્શકનો અવૉર્ડ અને શ્રેષ્ઠ નાટકનો અવૉર્ડ પણ તેમના આ નાટકને મળ્યા.
ગુજરાતીની પહેલી રંગીન ફિલ્મ ‘લીલુડી ધરતીમાં કામ કર્યા બાદ આવેલી ‘જેસલ તોરલ’ ફિલ્મે અરવિંદ ત્રિવેદીની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ ગોલ્ડન એરા શરૂ થયો. જેસલ તોરલ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી અનિવાર્ય બની ગયા. અરવિંદ ત્રિવેદીએ અઢીસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો તો 75 કરતા વધુ નાટકો, દસેક સિરિયલમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. તેમણે રેડિયો પર પણ અનેક નાટકો કર્યા હતા.
જોકે અરવિંદ ત્રિવેદીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી રામાનંદ સાગરની દૂરદર્શન પર પ્રસારિત થયેલી સિરિયલ રામાયણે. સિરિયલમાં તેમણે રાવણની ભૂમિકા ભજવી અને લંકેશ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. રાવણ તરીકે અરવિંદ ત્રિવેદીનો અભિનય એટલો પ્રભાવશાળી હતો કે આજે પણ દર્શકો તેમને લંકેશના નામે જ ઓળખે છે. એટલું જ નહીં, લંકેશ તેમનું ઉપનામ બની ગયું. હકીકતમાં અરવિંદ ત્રિવેદી પોતે શિવજીના મહાભક્ત હતા. શૂટિંગ માટે આઉટડૉર ગયા હોય તો પણ તેઓ નિયમીત પૂજાપાઠ કરતા આ લખનારે જોયા છે.
અરવિંદ ત્રિવેદીએ પરાયા ધન, જંગલ મેં મંગલ, આજ કી તાજા ખબર અને ત્રિમૂર્તિ જેવી હિન્દી ફિલ્મો અને વિક્રમ ઔર બેતાલ અને વિશ્વામિત્ર જેવી સિરિયલો પણ કરી હતી.
અભિનય ક્ષેત્ર ઉપરાંત સાંસદ તરીકે પણ તેમણે સાબરકાંઠા મત વિસ્તારમાં અનેક જનસેવાના કાર્યો કર્યા જેને કારણે આજે પણ ત્યાંના રહેવાસીઓ તેમને યાદ કરી રહ્યા છે. તેમણે સેન્સર બૅર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
લંકેશની ભૂમિકા અરવિંદ ત્રિવેદીને કેવી રીતે મળી?
‘રામાયણ’ના લંકેશનું કેરેક્ટર સૌથી પહેલું ફાઇનલ થયું હતું એનો ફોડ સિરિયલના રાઇટર-ડિરેક્ટર પ્રેમ સાગરે કર્યો હતો. પ્રેમ સાગરે ચેનલના શો દરમિયાન કહ્યું હતું કે અરવિંદ ત્રિવેદી જ રાવણ બનશે એવું મારા મારા પિતા રામાનંદ સાગરે સૌથી પહેલાં નક્કી કરી લીધું હતું અને તેમને ફોન પર જાણ પણ કરી દીધી હતી.’ બન્યું એવું કે સાગર ફેમિલી તો માત્ર ઉપેન્દ્ર ત્રિવેદીને જ ઓળખતું.
એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરનારા રામાનંદ સાગરે એ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લીડ હીરો તરીકે લીધા ત્યારે ભાઈને મળવા અરવિંદ ત્રિવેદી ફિલ્મના સેટ પર આવ્યા અને એ પછી તેમને અને રામાનંદ સાગર સાથે દોસ્તી થઈ ગઈ. આ દોસ્તીને લીધે જ અરવિંદ ત્રિવેદીને પહેલી હિન્દી ફિલ્મ હમ તેરે આશિક હૈ મળી. હેમા માલિની એ ફિલ્મની લીડ એક્ટ્રેસ. પ્રેમ સાગરે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. સેટ પર અરવિંદ ત્રિવેદી જે રીતે શિવસ્તુતિ કરતા એ જોઈને સમાનદ સાગર પ્રભાવિત થયા હતાં, એ સાથે અરવિંદભાઈની પર્સનાલિટીથી પણ તેઓ જબરદસ્ત ઇમ્પ્રેસ. એ પછી વાત આવી ‘રામાયણ’ની ત્યારે રામાનંદ સાગરે પહેલે જ ઝાટકે કહી દીધું કે લંકેશ કૌન બનેગા યે તય હૈ.
રામાયણના શૂટિંગ પહેલા અરવિંદ ત્રિવેદી શ્રી રામની માફી કેમ માગતા?
‘રામાયણ સિરિયલમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીને તેમના અભિનય દરમ્યાન ભગવાન શ્રી રામને ‘વનવાસી, તૃચ્છ માનવ વનમેં ભટકને વાલા ભિખારી’ જેવા અપશબ્દો કહેવા પડતા હતા. જેથી તેમના મનમાં ભારે દુઃખ થતું હતું પરંતુ રાવણનું પાત્ર જ એવું હતું એટલે માટે તેઓ પાપમાં પડતા હતા. જેથી શૂટિંગ માટે જતાં પહેલાં ભગવાન શ્રી રામને મનોમન વિનંતી કરીને કહેતા હતા તેઓ જે કઈ કરે છે, તે તેમનું કર્મ છે. અભિનય અને પેટ કાજે ભગવાને અપશબ્દો કહેવા પડે છે માટે મને માફ કરજો.’
પૂરક માહિતી : રંગકર્મી