આ રવિવારે નવી દિલહી સ્થિત એમ. એલ. ભારતીય ઑડિટોરિયમ ખાતે અરાવલી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યુ છે. દેશ-વિદેશમાંથી આવેલી એન્ટ્રીમાંથી તમામ વિભાગોમાંથી જ્યુરી દ્વારા પસંદ કરાયેલી અઢાર ફિલ્મો દર્શાવવામાં આવશે.
આ અવસરે ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર ડૉ. અવનીશ રાજવંશીએ જણાવ્યું કે, આ વરસે નવી દિલ્હી ખાતે ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યુ છે એનો ઘણો આનંદ છે. કારણ, કોરોના દરમિયાન અમે સમગ્ર કાર્યક્રમનું આયોજન ઑનલાઇન કર્યું હતું. આ વરસે પણ દેશ-વિદેશના અનેક નિર્માતાઓની એન્ટ્રી આવી હતી જેમાંથી અમારી જ્યુરી દ્વારા ખાસ પસંદ કરાયેલી અઢાર ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત મહાનુભાવોને દર્શાવવામાં આવશે. ત્યાર બાદ અવૉર્ડ સમારંભ યોજાશે અને વિજેતાઓને નવાજવામાં આવશે.
અરાવલી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનાં દેશ-વિદેશના જયુરી સભ્યો
એ સાથે ડૉ. રાજવંશીએ જણાવ્યું કે અરાવલી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી પૅનલમાં હૉલિવુડ, હૉલેન્ડ, યુકે, જર્મની, બૉલિવુડ સહિત ભાગ લેનાર અન્ય દેશોની ફિલ્મી હસ્તિઓ સામેલ છે. આ વરસે ડૉક્યુમેન્ટ્રી, શોર્ટ ફિલ્મ, મ્યુઝિક વિડિયો, વેબ સિરીઝ અને એનિમેશન ફિલ્મો જેવી કેટેરી રાખવામાં આવી હતી.
અરાવલી ફિલ્મ ફેસ્ટિવલના નામકરણ અંગે ડૉ. અવનીશ રાજવંશીએ જણાવ્યું કે, આપણી સૌથી જૂની અરાવલી રેન્જ ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતમાળા છે જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગભગ 692 કિલોમીટર જેટલી લાંબી છે. આ પર્વતમાળા દિલ્હી પાસેથી શરૂ થઈ દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનથી પસાર થઈ ગુજરાતમાં પૂરી થાય છે. 2020માં ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી જેનું આયોજન અલ્વર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે બીજો ફેસ્ટિવલ દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો.