અનુપમ ખેરે જણાવ્યું બૉલિવુડની ફિલ્મો ફ્લૉપ થવાના કારણો

આજકાલ હું મેઇનસ્ટ્રીમ બૉલિવુડનો હિસ્સો રહ્યો નથી

બૉલિવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર તેમની સ્પષ્ટ વાતોને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. આજકાલ અનુપમ ખેર કાર્તિકેય-2 ફિલ્મો અંગેની તેમની કમેન્ટને કારણે ચર્ચામાં છે. આ તેલુગુ ફિલ્મ બૉક્સ ઑફિસ પર તબલાતોડ કમાણી કરી રહી છે. આને પગલે અનુપમે બૉલિવુડની ફિલ્મો કેમ ફ્લૉપ થઈ રહી છે એના કારણો જણાવ્યા હતા.

એક મુલાકાતમાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે, ફિલ્મો દર્શકો માટે બનાવવામાં આવે છે અને જે ક્ષણે આપણું ધ્યાન એના પરથી હટ્યું કે સમજી લો આપણે ખાઈમાં ધકેલાઈ રહ્યા છીએ. તમે કન્ઝ્યુમર માટે ફિલ્મો બનાવો છો. પણ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે કન્ઝ્યુમરને એવું ઠસાવવાના પ્રયાસ કરો છો કે અમે શ્રેષ્ઠ ફિલ્મ બનાવીને તમારા પર ઉપકાર કરી રહ્યા છીએ. તમે શ્રેષ્ઠ ફિલ્મ જોઈ રહ્યા છો. ટીમ વર્કથી ઘણું મેળવી શકાય છે અને હું એ તેલુગુ, તમિલ ફિલ્મો કરીને શીખ્યો છું, હવે એક મલયાલમ ફિલ્મ કરવાનો છું.

અનુપમે વધુમાં કહ્યું કે, દક્ષિણ ભારતીય ઇન્ડસ્ટ્રીને જાણ છે કે ઑડિયન્સ શું જોવા માગે છે. મેં આ અંગે વિચાર્યું છે. જોકે બંનેમાં કોઈ અંતર જોતો નથી. પણ તેમની ફિલ્મો હૉલિવુડની કૉપી કરવાના પ્રયાસો કરતી નથી. લોકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવવામાં આવે છે. તેઓ વાર્તા કહે છે અને આપણે સ્ટાર્સ વેચી રહ્યા છીએ.

કાર્તિકેય-2ની સફળતા અંગે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, મેરી તો નીકલ પડી… ધ કાશ્મીર ફાઇલ્સ બાદ મારી ફિલ્મ કાર્તિકેય-2 પણ બ્લૉકબસ્ટર થઈ ગઈ. બધાઈ હો… અભિષેક, નિખિલ, અનુપમ અને સમગ્ર ટીમને આ ફિલ્મની સફળતા માટે અભિનંદન. હકીકતમાં કંઈ પણ બની શકે છે.

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે, આજના દોરમાં હું મેઇનસ્ટ્રીમ બૉલિવુડનો હિસ્સો નથી. હું કોઈ મોટા બેનરની ફિલ્મ નથી કરી રહ્યો, કારણ મને ઑફર આવતી જ નથી. પરંતુ હું આ પ્રકારની ફિલ્મો પર કોઈ આક્ષેપ કરવા માગતો નથી. તેઓ મને કાસ્ટ નથી કરી રહ્યા તો મને એક નવો રસ્તો સાંપડ્યો છે. મેં તમિલ ફિલ્મ કનેક્ટ કરી છે. સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઈ કરી છે, એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છું.

Exit mobile version