આજે રિલીઝ થનારી બે ગુજરાતી ફિલ્મોની ટક્કર ઘણી રસપ્રદ બને એવી શક્યતા છે. કારણ, એક બાજુ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલા વીરાંગનાની વાત છે, તો બીજી બાજુ સંયુક્ત કુટુંબનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
આજે રિલીઝ થયેલી આ બંને ફિલ્મો છે ‘નાયિકાદેવી’ અને ‘કહેવતલાલ પરિવાર’.
નાયિકાદેવી પાટણનાં મહારાણી છે અને પતિની કપટ પૂર્વક થયેલી હત્યા બાદ શાસનની ધૂરા સંભાળે છે. પાટણ પર હુમલો કરનાર મોહમ્મદ ઘોરી જેવા ક્રૂર શાસકને હરાવી પાટણનાં સોલંકી રાજનો ડંકો વગાડે છે.
જ્યારે કહેવતલાલ પરિવાર એક એવા સંયુક્ત કુટુંબની વાત છે જેમાં પરિવારના તમામ સભ્યોના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ફિલ્મ પૂર્ણતયા ફેમિલી ડ્રામા છે જેમાં કૉમેડીના તડકા સાથે સંબંધોની પરિભાષા દર્શાવાઈ છે.
નાયિકાદેવી અનેક હિન્દી ફિલ્મોનું નિર્માણ કરી ચુકેલા ઉમેશ શર્માની પહેલી ગુજરાતી ફિલ્મ છે. તો ગુજરાતીની સુપરડુપર હિટ ફિલ્મ ચાલ જીવી લઇએ આપનાર કોકોનટ ફિલ્મ્સના નિર્માતા રશ્મિન મજિઠિયા અને લેખક-દિગ્દર્શક વિપુલ મહેતાની ફિલ્મ છે કહેવતલાલ પરિવાર.
લખલૂટ ખર્ચે બનેલી અલગ અલગ જૉનરની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ છે ત્યારે એ જોવું રસપ્રદ બની રહેશે કે કઈ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવે છે.
બંને ફિલ્મો સફળતાના નવા રેકૉર્ડ બનાવે એવી શુભેચ્છાઓ.