રાજેશ માપુસ્કરના દિગ્દર્શનમાં બનેલી વેબ સિરીઝ રુદ્ર મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત છે જેમાં અજય દેવગણે એસીપી રુદ્ર વીર સિંહનું પાત્ર ભજવ્યું છે. રાશિ ખન્ના રુદ્રની મિત્ર આલિયાના કેરેક્ટરમાં છે તો ઇશા દેઓલ પત્નીની ભૂમિકામાં છે પણ તેમના સંબંધોમાં ખટાશ છે.
અભિનેતા તરીકે અજય દેવગણની ડેબ્યુ વેબ સિરીઝ રુદ્ર ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સિરીઝમાં અજય ફરી એકવાર કૉપ લૂકમાં નજરે પડે છે. જોકે આ વખતે એને થોડો અલગ લૂક અપાયો છે જે ટ્રેલરમાં જોઈ શકાય છે. ઇન્ટેન્સ મ્યુઝિક, ડાર્ક બ્રેકગ્રાઉન્ડ, સસ્પેન્સ અને ખૂનખરાબાથી ભરપુર આ રોમાંચક વેબ સિરીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રુદ્રમાં અજય, રાશિ, ઈશા ઉપરાંત અતુલ કુલકર્ણી, અશ્વિની કાલેકર, આશિષ વિદ્યાર્થી, સત્યદીપ મિશ્રા, તરુણ ગહલોત પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ડિઝની હૉટસ્ટાર પર હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. બીબીસી સ્ટુડિયોઝ ઇન્ડિયાના સહયોગમાં અપ્લૉઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત રુદ્ર એક હાઈ-ઑક્ટેન ક્રાઇમ થ્રિલરનો વાયદો કરે છે.