શ્યામ બેનેગલ દિગ્દર્શિત બાયોપિક ‘મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશન’માં શેખ હસીનાની ભૂમિકા ભજવનાર બાંગ્લાદેશની અભિનેત્રી નુસરત ફારિયાની ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હોવાનો સ્થાનિક મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો. મળતા અહેવાલ મુજબ, સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા હત્યાના પ્રયાસના કેસમાં કથિત સંડોવણી બદલ નુસરતની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં થયેલા બળવા દરમિયાન રાજધાનીના વાટારા વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસ કરવા બદલ નુસરત સહિત 17 કલાકારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વાટારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુજાન હકના જણાવ્યા મુજબ આજે (રવિવારે) બપોરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇમિગ્રેશન પોલીસે આપેલી જાણકારીના આધારે અમારી ટીમ એરપોર્ટ પહોંચી હતી. તેમના કહેવા મુજબ, થોડા દિવસ પહેલા, સ્થાનિક કોર્ટે તેની સામે હત્યાના પ્રયાસના કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ કેસ અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે.
સ્થાનિક ન્યૂઝ આઉટલેટ પ્રથમ આલોની વેબસાઇટે આપેલા અહેવાલમાં જણાવાયું હતું કે, અભિનેત્રી આજે સવારે થાઈલૅન્ડ જવા એરપોર્ટ પહોંચી ત્યારે ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. નુસરતે સુપરહિટ ફિલ્મ આશિકી (૨૦૧૫) ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે અંકુશ હઝરા સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ હીરો 420 (2016), બાદશાહ – ધ ડૉન (2016), પ્રેમી ઓ પ્રેમી (2017) અને બૉસ 2: બેક ટુ રૂલ (2017) જેવી અનેક હિટ ફિલ્મો કરી.
2023માં રિલીઝ થયેલી મુજીબ: ધ મેકિંગ ઓફ અ નેશનમાં શેખ હસીનાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બાંગ્લાદેશના સ્થાપક અને બંગબંધુ તરીકે જાણીતા પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની જીવની પર આધારિત હતી. બાંગ્લાદેશ અને ભારતના સહ-નિર્માણવાળી આ ફિલ્મના દિગ્દર્શક શ્યામ બેનેગલ હતા. ફિલ્મમાં બંગબંધુની ભૂમિકા આરિફિન શુવોએ ભજવી હતી.