ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ નિર્માણની દૃષ્ટિએ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વરસથી વરસે એંસીથી સો જેટલી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ફિલ્મની સફળતા-નિષ્ફળતાની વાત બાજુએ રાખી તો પણ એક વાત નોંધવી રહી કે સર્જકો વૈવિધ્યસભર કથાનક પર આધારિત ફિલ્મો બનાવવાનું સાહસ કરી રહ્યા છે. આવી જ એક ધમાકેદાર ફિલ્મ વિક્ટર-303 જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
તાજેતરમાં વિક્ટર 303નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું જેમાં વિક્ટરનો ધમાકેદાર ઍક્શન લૂક જોવા મળ્યો હતો.
તાજેતરમાં ફિલ્મની ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં વિક્ટરની મર્દાનગીને વર્ણવતા જણાવ્યું હતું, મહાદેવ… મહાદેવ. સિંહના ખોરડે ગલુડિયા ન જન્મે. એ સાથે લખ્યું હતું કે, વિશાલ વડા વાલા દ્વારા પ્રસ્તુત ફિલ્મ બહાદુરી, કુટુંબ પ્રત્યેની માયા અને પ્રેમની અનોખી વાત રજૂ કરે છે જે તમને હંમેશ યાદ રહેશે.
વિક્ટર 303ની વાર્તાના કેન્દ્રમાં છે અનાથાશ્રમમાં ઉછરેલો વિક્ટર. માળિયા મિયાણાના અનાથાશ્રમમાં ઉછરેલા વિક્ટરને પ્રેમમાં મળેલા દગાનો બદલો પ્રેમિકાના લગ્ન ટાણે લે છે. આવેશમાં આવી લગ્નની રાતે લીધેલાં પગલાંને કારણે શરૂ થાય છે એક લોહિયાળ જંગ. એ સાથે માળિયા મિયાણા પર રાજ કરતા મીઠાના કોન્ટ્રાક્ટરની દુશ્મની પણ વહોરી લે છે. પ્રેમિકાના દગાથી શરૂ થયેલો ઘટનાક્રમ હત્યા, હિંસા, પ્રેમ અને ન્યાય માટેની લડત સુધી પહોંચે છે અને એને અંજામ આપે છે વિક્ટર. દટાયેલા ભૂતકાળની સાથે ફરજ-જવાબદારીની વાતને દર્શાવતી ક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ છે વિક્ટર 303
સ્વપ્નિલ મહેતા લિખિત-દિગ્દર્શિત અને રેખા માંગરોલિયા, કોમલ, વિશાલ વડા વાલા અને હેત્વી શાહ દ્વારા નિર્મિત વિક્ટર 303માં વિક્ટરનું પાત્ર ભજવ્યું છે જગજીતસિંહ વાઢેરે. ઉપરાંત અંજલી બારોટ, ચેતન ધાનાણી, અભિનય બેન્કર, મયુર સોનેજી, કિશન ગઢવી, નક્ષરાજ, અલિશા પ્રજાપતિ, જાન્હવી ચૌહાણ, ઉત્સવ નાઈક અને બિમલ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો