Table of Contents
નીરવ કલાલ અને આરઝુ લિમ્બચિયા જેવા કસાયેલા કલાકારનો રોમાન્સ દર્શકોને પ્રેમથી ભીંજવી દેશે
શુક્રવાર તારીખ 4 ઓક્ટોબર, 2024ના રોમાન્સની સાથે શ્રીમાન શ્રીમતિ નામનું હાસ્યનું વાવાઝોડું ગુજરાતના થિયેટરોમાં ત્રાટકી રહ્યું છે. નીરવ કલાલ અને આરઝુ લિમ્બચિયા જેવાં કસાયેલા કલાકારનો રોમાન્સ દર્શકોને પ્રેમથી ભીંજવી દેશે તો કૉમેડીનો તડકો ઑડિયન્સને મોજ કરાવી દેશે. ફિલ્મ ભલે રોમાન્ટિક કૉમેડી હોય પણ સમાજને, એમાંય આજની યુવા પેઢીને એક ખાસ સંદેશ પણ આપી જશે.
કરમસદના હરિ દર્શન બંગલો અને આણંદના જય જલિયાન રિસોર્ટ ખાતે ફિલ્માવાયેલી, નિર્માતા દર્શન માવાણી તેજલ રાજ્યગુરુ સુરેશભાઈ માંડાણીની ફિલ્મ શ્રીમાન શ્રીમતિના કેન્દ્રમાં છે શીતલ અને આકાશ છે. શીતલ વિદેશથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લઈ ભારત પાછી આવે છે. એ માને છે કે છોકરીઓ કોઈ વાતે કમ નથી અને એ પુરુષો કરતા ચડિયાતી હોય છે. ભારત આવેલી અને બિઝનેસમાં કાઠું કાઢનાર શીતલ લગ્નના બંધનમાં બંધાવા માગતી નથી. મનીષ દીકરીને લગ્ન કરવા માટે સમજાવવાની કોશિશ કરે છે પણ શીતલ ટસની મસ થતી નથી. ત્યારે થાકી હારીને મનીષ હૃદયરોગના હુમલાનું નાટક કરે છે. શીતલ લગ્ન માટે રાજી તો થાય છે પણ આકરી શરતો મુકે છે.
શીતલ કહે છે કે એ જેની સાથે લગ્ન કરશે એ ઘરજમાઈ બનીને રહેશે. એટલું જ નહીં, એણે ઘરના તમામ કામોની સાથે ઑફિસના કામો પણ કરવા પડશે. આવી તો અનેક શરતો શીતલ પિતા સમક્ષ મુકે છે. જોકે શીતલને પ્રેમ કરતો આકાશ એની બધી શરતો માનવા તૈયાર છે.
દરમિયાન શીતલની ઑફિસમાં કામ કરતો રાજન શીતલને દગો આપવાની સાથે ચોરી પણ કરતો હોય છે. આ વાતની જાણ આકાશને થાય છે. ચોરી કરતા રાજન પકડાય છે ત્યારે એ શીતલનું અપહરણ કરે છે.
શીતલને એકતરફી પ્રેમ કરતો રાજન એને પામવામાં સફળ થાય છે? શીતલ સાંસારિક જીવનનો મર્મ સમજે છે? આકાશ સાથે એ દાંપત્ય જીવન માણવા તૈયાર થાય છે? જેવા અનેક પ્રશ્નોનો જવાબ છે શ્રીમાન શ્રીમતિ.
સૌમ્ય પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત, લેમ્પ પોસ્ટ પ્રોડક્શનની ફિલ્મ શ્રીમાન શ્રીમતિના લેખક-દિગ્દર્શક છે નિલેશ મહેતા, પટકથા-સંવાદ અશોક ઉપાધ્યાયના છે તો નિર્માતાઓ છે દર્શન માવાણી, તેજલ રાજ્યગુરુ અને સુરેશભાઈ માંડાણી. જ્યારે કલાકારો છે નીરવ કલાલ, આરઝુ લિમ્બાચિયા, રાજીવ પંચાલ, દર્શન માવાણી, નિકુંજ, નિત્યા, એન. કે. રાવલ, કૌશિકા ગોસ્વામી અને મંજુલા.