ગુજરાતી દર્શકો ઉપદેશાત્મક નહીં પણ મનોરંજનની સાથોસાથ સામાજિક સંદેશ આપતી ફિલ્મો વધુ પસંદ કરે છે
સમાજ પર ફિલ્મોની ઘેરી અસર પડતી હોય છે એ વાત તો સર્વવિદિત છે. જો ફિલ્મમાં પોઝિટિવિટી દર્શાવવામાં આવી હોય તો સમાજમાં પણ સકારાત્મક અસર પડતી હોય છે. અને એટલા માટે જ દર્શકોએ પણ આ જૉનરમાં આવતી ફિલ્મોને હંમેશા આવકારી છે. આવી જ એક ફિલ્મ છે ‘હૉમ શાંતિ’. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લૉર પર જઈ રહી છે.
સામાન્ય રીતે દર્શકો મનોરંજન મેળવવા ફિલ્મો જોતા હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આપણા દર્શક રાજ્જા… ખાસ કરીને માતૃભાષા પ્રેમી ગુજરાતી દર્શકો ઉપદેશાત્મક નહીં પણ મનોરંજનની સાથોસાથ સામાજિક સંદેશ આપતી ફિલ્મો વધુ પસંદ કરે છે. બસ, આ જ વાતને ધ્યાનમાં રાખી વરસોથી અર્થસભર ગુજરાતી નાટકો અને ફિલ્મો આપનાર નિર્માતા-અભિનેતા એવા દક્ષિણ ગુજરાતના કિલ્લા પારડીના શરદ દેસાઈ (ઑરો કૂલ ફિલ્મ્સ)ને હૉમ શાંતિ લઈને આવી રહ્યા છે. ફિલ્મના નિર્માણમાં તેમને સાથ મળ્યો છે કોર્પોરેટ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર યુવા અને પ્રતિભાશાળી પારુલ પટેલનો.
ફિલ્મ અંગે જણાવતા અવૉર્ડ વિનિંગ લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી કહે છે કે, હૉમ શાંતિ દરેક પરિવારની વાત છે. પોતાના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળવાની સાથે એની પસંદગીના ક્ષેત્રમાં કરિયર બનાવી શકે એ માટે જીવન ખર્ચી નાખનાર માતા-પિતા તેમના દીકરા-દીકરી માટે યોગ્ય જીવનસાથી મળે એની પણ કાળજી રાખવામાં કોઈ કસર ન છોડતા નથી. આવા માતા-પિતા જ્યારે આ દુનિયાથી રજા લઈ ઇશ્વરના ઘરે શિફ્ટ થવાના હોય એ પહેલાં જ જે ઘર વસાવવા તનતોડ મહેનત કરી હોય, ઘરમાં સદાય ખુશીનું વાતાવરણ રહે એ માટે પોતાના તમામ સપનાંઓનો હસતા મોઢે ભોગ આપ્યો હોય એવા આપણા પેરેન્ટ્સ તેમના જીવનના સંધ્યાકાળે કોઈ પણ કારણસર દુખી થઈ દેહ ત્યાગવો પડે એવી પરિસ્થિતિને શા માટે નિવારી ન શકાય?
કોઈના ગયા પછી તેમના આત્માને પરમ શાંતિ મળે એ માટે ૐ શાંતિની પ્રાર્થના કરતા હોઇએ છે. પરંતુ ધરતી પરના ભગવાન… માતા-પિતા આપણી સાથે, આપણી વચ્ચે રહેતા હોય ત્યારે જ આપણે ‘હૉમ શાંતિ’નું પણ શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ તો મૃત્યુલોકમાં પણ સ્વર્ગલોકનો આનંદ પામી શકાય છે.

ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રીઓ મૌના શાહ અને હીના ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત આરતી ઠક્કર, પૂર્ણિમા દેસાઈ, હર્ષા રાવલ, અસ્મિતા પંચાલ, સંધ્યા જોશી, શૈલેષ શાહ અને અને વિશેષ ભૂમિકામાં મનોજ રાવ તથા શરદ દેસાઈ જેવા ખમતીધર કલાકારો પણ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

મનોજ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, ફિલ્મ માટે પંકજ ભટ્ટે મારા ધારવા કરતા પણ સુંદર અને સૂરિલાં ગીતો તૈયાર કર્યા છે. ગીત સાંભળીને મને થયું કે આ ગીતને ન્યાય મળે એવું એનું ફિલ્માંકન થવું જોઇએ. નૃત્ય દિગ્દર્શક ભલે નવો હોય પણ મારા વિઝનને પરદા પર દર્શાવી શકે એવી ટેલેન્ટ એનામાં હોવી જોઇએ. અને મારી મુલાકાત બૉલિવુડના યુવા અને પ્રતિભાશાળી કૉરિયોગ્રાફર પ્રતિક દોશી સાથે થઈ. પ્રતિકે ગીતોને જે ટ્રીટમેન્ટ આપી છે એ જોઈ દર્શકો આફરીન થઈ જશે. મને આનંદ એ વાતનો છે કે પ્રતિક દોશી અમારી ફિલ્મ હૉમ શાંતિથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે.
મનોજ નથવાણી લિખિત-દિગ્દર્શિત હૉમ શાંતિ ટૂંક સમયમાં ફ્લૉર પર જઈ રહેલી ફિલ્મ આ દિવાળીએ તમામ દર્શકોનું ભરપુર મનોરંજન કરવા આવી રહી છે.