એક સંસ્કારી વહુની ઇમેજ ધરાવતી દીપિકા સિંહ એની ટેલિવિઝન કરિયર બાદ હવે ટીટુ અંબાણી ફિલ્મથી બૉલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં દીપિકાસાથે મુખ્ય ભૂમિકામાં છે તુષાર પાંડે.
ફિલ્મના પોસ્ટરમાં મુખ્ય કલાકાર દીપિકા સિંહ અને તુષાર પાંડેને વર-વધૂના વેશમાં જોવા મળે છે. તો બીજી બાજુ રઘુવીર યાદવ છે.
દીપિકા એની પહેલી ફિલ્મ ટીટુ અંબાણીમાં દીપિકા મૌસમીનું પાત્ર ભજવી રહી છે જે આજના જમાનાની યુવતી છે જે જિંદગી પોતાની શરતે જીવે છે. એના પ્રેમી ટીટુને એટલો પ્રેમ કરે છે કે એને લાગે છે ટીટુ અને એ એકબીજા માટે જ બન્યા છે. પરંતુ મુસીબત ત્યારે ઊભી થાય છે જ્યારે ટીટુના નિર્ણયને કારણે તેમના પ્રેમભર્યા સંબંધો પર જોખમ ઝળુંબવા લાગે છે.
ફિલ્મના દિગ્દર્શક રોહિત રાજ ગોયલ કહે છે કે,અમે આધુનિક સમાજ આજે છોકરા-છોકરી વચ્ચે સમાનતાની તો વાત કરે છે પણ વ્યવહારિક રીતે એનો અમલ થતો નથી. શું લગ્ન બાદ છોકરી એના મા-બાપની જવાબદારી નિભાવી શકે છે? લગ્ન બાદ છોકરીઓના જીવનમાં ઘણા ફેરફારો આવે છે. ટીટુ અંબાણી ફિલ્મમાં આ વાત દર્શકોને જોવા મળશે. એ સાથે સફળતા માટે શોર્ટકટ લેવા જતા શું મળે છે એ પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે.
ફિલ્મમાં દીપિકા સિંહ સાથે આશ્રમ વેબ સિરીઝથી ખ્યાતિ મેળવનાર તુષાર પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત ફિલ્મમાં રઘુવીર યાદવ, સપના સૈંડ, વીરેન્દ્ર સક્સેના, સમતાસાગર અને બૃજેન્દ્ર કાલા નજરે પડશે.
સબલ પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્મિત ટીટુ અંબાણીના દિગ્દર્શક છે રોહિત રાજ ગોયલ, નિર્માતા છે મહેન્દ્ર વિજયદાન દેથા અને દિનેશ કુમાર. ફિલ્મનું શૂટિંગ ઉદેપુરના વિવિધલોકેશન પર કરવામાં આવ્યુ છે. ફિલ્મ 8 જુલાઈ, 2022ના રિલીઝ થશે.