અભિનેતા દક્ષિણની ભાષામાં ફિલ્મની રીમેક બનાવશે
જેની આતુરતપૂર્વક રાહ જોવાઇ રહી છે એ પરેશ રાવલની ગુજરાતી ફિલ્મ ડિયર ફાધર રિલીઝ માટે તૈયાર છે.
પરેશ રાવલના જ ગુજરાતી નાટક પરથી બનેલી ફિલ્મ દ્વારા દાયકાઓ બાદ પરેશ રાવલ ફરી ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યા હોવાથી ફિલ્મ શરૂ થઈ ત્યારથી ચર્ચામાં રહી છે. હવે પ્રકાશ રાજે ફિલ્મના રીમેકના હક લેતા ફરી સમાચારમાં ચમકી રહી છે.
જાણવા મળ્યા મુજબ સાઉથ ઉપરાંત બોલીવુડમાં પણ નામના મેળવનાર અભિનેતાને ડિયર ફાધરની વાર્તા ઘણી પસંદ પડી. ખાસ કરીને એના ઈમોશનલ કનેકશનથી ઘણો પ્રભાવિત થયો. અને એટલા માટે જ ફિલ્મના હક તુરંત ખરીદવાનું નક્કી કર્યું. આ માટે એ સતત પરેશ રાવલ અને ફિલ્મના નિર્માતા રતન જૈન સાથે સંપર્કમાં રહ્યો હતો.
પરેશ રાવલની વાત કરીએ તો તેઓ 40 વર્ષ બાદ માતૃભાષાની ફિલ્મમાં ફરી આવી રહ્યા છે. હા, 1982માં આવેલી ફિલ્મ “નસીબની બલિહારી” માં અભિનય કર્યા પછી, પરેશ રાવલ હવે 2022માં ફિલ્મ ‘ડિયર ફાધર’ સાથે ગુજરાતી સિનેમામાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ પરેશ રાવલના જ રહસ્યમય નાટક ‘ડિયર ફાધર’નું ફિલ્મી વર્ઝન છે.
ગુજરાતી સિનેમામાં તેમના પુનરાગમન અંગે અભિનેતા પરેશ રાવલે જણાવ્યું કે, “ડિયર ફાધર, નાટક મારા હૃદયની ખૂબજ નજીક છે. વર્ષોથી હું ઈચ્છતો હતો કે આ નાટક પર ફિલ્મ બને. મેં ઘણાં નાટક કર્યા છે અને કરી રહ્યો છું. હું ઇચ્છતો હતો કે આ નાટકની વાર્તા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું એના પરથી બનનારી ફિલ્મનો ભાગ બનવા માંગતો હતો. હું ખૂબ જ ખુશ છું કે મને આ ફિલ્મ દ્વારા 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કમબેક કરવાનો મોકો મળ્યો.”
ફિલ્મમાં પરેશ રાવલની સાથે ચેતન ધાનાણી અને અભિનેત્રી માનસી પારેખ લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા આ ત્રણ મુખ્ય પાત્રો પર આધારિત છે. જ્યાં એક વૃદ્ધ પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે રોજિંદા જીવનમાં થતા મતભેદો અને ગેરસમજણની સ્ટોરી છે. જેમાં પિતાનું પાત્ર ભજવી રહેલા પરેશનો અચાનક અકસ્માત થાય છે અને જ્યારે પોલીસ તેમના પુત્ર-પુત્રવધૂના ઘરે તપાસ કરવા પહોંચે છે, ત્યારે ઓફિસરની જોઈ બંને સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઓફિસરમાં શક્તિઓ તેમના પિતા જેવી જ છે અને તેમનો દેખાવ પણ પિતા જેવો જ છે. તેને અને ત્યાંથી ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે અને ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે.
ફિલ્મનું નિર્દેશન ઉમંગ વ્યાસે કર્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. નાટકના લેખક હતા સ્વ.ઉત્તમ ગડા. આ ફિલ્મ 4 માર્ચ 2022ના થિયેટરમાં રિલીઝ થશે.