આલિયાના દાદા એટલે કે મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ
મૂળ બ્રિટિશ રાજ સમયના કાઠિયાવાડ પ્રોવિન્સના પોરબંદરના
કાઠિયાવાડી નારીની ખૂબીઓ તો ઝવેરચંદ મેઘાણીએ તેમના સાહિત્યમાં વર્ણવી જ છે. આજે પણ અનેક કાઠિયાવાડી મહિલા તેમની કુશળતા અને નીડરતાથી દેશ-દુનિયામાં ડંકો બજાવી રહી છે. કાઠિયાવાડી નારીઓનો અત્રે ઉલ્લેખ કરવાનું કારણ છે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી.
ગુરુવારે સંજય લીલા ભણશાળીની બહુચર્ચિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ આલિયાના અભિનયના ચારેકોર વખાણ થવા લાગ્યા. ટ્રેલરમાં ત્રાસ સહન કરતી ગૂંગી ગુડિયાથી લઈ વાઘણ જેવી ગંગુબાઈ સુધીનું પરિવર્તન ગજબના અભિનય અને ડાયલોગ ડિલિવરીથી આલિયાએ બખૂબી ભજવી જાણ્યું. અને એનું કારણ આલિયાનું કાઠિયાવાડી કનેક્શન હોઈ શકે છે. હવે તમને થશે કે આલિયાને અને કાઠિયાવાડને શું સંબંધ? ચાલો એ પણ જાણીએ.
આલિયાના દાદા એટલે કે મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ મૂળ બ્રિટિશ રાજ સમયના કાઠિયાવાડ પ્રોવિન્સના પોરબંદરના. નાગર બ્રાહ્મણ એવા નાનાભાઈનો ઉછેર અને ભણતર પોરબંદરમાં જ થયો હતો.
ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત શિરીન (એકદમ ડાબે) અને નાનાભાઈ ભટ્ટ (જમણે)
આજની પેઢીને આલિયાના દાદા અને મહેશ ભટ્ટના પિતા વિશે ખાસ જાણકારી નહીં હોય. નાનાભાઈ ભટ્ટ ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક-લેખક હતા. નાનાભાઈને નાનપણથી જ ફિલ્મોમાં રૂચિ હતી. તેમના મોટાભાઈ બળવંત ભટ્ટ મુંબઈની જાણીતી નિર્માણ સંસ્થા પ્રકાશ પિક્ચર્સમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કામ કરતા હોવાથી તેમના સહાયક તરકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. દરમિયાન નાનાભાઈએ બટુક ભટ્ટના નામે વાર્તા અને સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે બે-ત્રણ ફિલ્મો કરી. દિગ્દર્શનનો અનુભવ લીધા બાદ તેઓ હોમી વાડિયાની ટીમમાં સામેલ થયા અને સ્વતંત્ર દિગ્દર્શક તરીકે હંટરવાલી કી બેટીથી કરિયરની શરૂઆત કરી. ત્યાં થોડી ફિલ્મોનું દિગ્દર્શન કર્યા બાદ ભટ્ટે બસંત પિક્ચર્સ છોડી 1946માં તેમની પોતાની નિર્માણ સંસ્થા દીપક પિક્ચર્સ નામે શરૂ કરી.
હેમલતા નાનાભાઈ ભટ્ટ અને શિરીન
નિર્માતા-દિગ્દર્શક તરીકે તેમણે ગુજરાતી અને હિન્દીમાં અનેક ફિલ્મો બનાવી. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો મિસ્ટર એક્સ ઇન બૉમ્બે, ઝિમ્બો કમ્સ ટુ ટાઉન, લા કિલા અને નિરુપા રૉય-અશોક કુમાર અભિનીત બ્લૉકબસ્ટર કંગન સહિત સોથી વધુ ફેન્ટસી અને પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવી હતી. નાનાભાઈ ભટ્ટની પહેલી ફિલ્મ મુકાબલા ભારતીય ફિલ્મ જગતની ડબલ રોલવાળીપહેલી ફિલ્મ હતી. જેમાં ફિયરલેસ નાદિયાએ જોડિયા બહેનો, જેમાં એક સારી અને બીજી ગેંગસ્ટર હોય છે એની ભૂમિકા ભજવી હતી. આ સુપરહિટ થીમ પર પાછળથી ઘણી ફિલ્મો બની છે.
તેમની કરિયરના અંતમાં એટલે કે એંસીના દાયકાની શરૂઆતમાં બે ગુજરાતી ફિલ્મો ગજરા મારુ અને જયાપાર્વતી વ્રત બનાવી હતી. તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ભટ્ટ ફૅમિલીના પિતામહ તરીકે પણ ઓળખાય છે.
તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે બે લગ્ન કર્યા હતા. હેમલતા બાદ ગુજરાતી અભિનેત્રી શિરીન મોહમ્મદ અલીને પરણ્યા હતા. હેમલતા થકી બે બાળકો, જેમાં રોબિન ભટ્ટ આશિકી, બાઝીગર જેવી ફિલ્મોના લેખક તરીકે પ્રખ્યાત છે. જ્યારે શિરીન થકી સાત સંતોનો થયાં. જેમાં મહેશ ભટ્ટ અને મકેશ ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નામો છે.
મહેશ ભટ્ટે પણ પિતા નાનાભાઈ ભટ્ટની જેમ બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન કિરણ (લૉરેન બ્રાઇટ) સાથે કર્યા જેમના થકી પૂજા ભટ્ટ અને રાહુલનો જન્મ થયો. જ્યારે અભિનેત્રી સોની રાઝદાન સાથેના બીજા લગ્ન થકી શાહીન અને આલિયાના પિતા બન્યા.
સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કરી જાણે-અજાણ્યે આલિયા તેમના મૂળ કાઠિયાવાડ સુધી પહોંચી છે.