વડોદરા સ્થિત વિખ્યાત સિગ્મા ગ્રુપ ઑફ સ્કૂલ્સ ઍન્ડ કૉલેજીસ સંલગ્ન સિગ્મા કૉલેજ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ દ્વારા લાયન્સ ક્લબ ઑફ બરોડા હની અને શાઇનિંગ સ્ટાર પર્ફોર્મિંગ આર્ટ્સના સહયોગમાં શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્વ અને ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત સ્પર્ધા માટે આયોજકોએ સફાઈ અભિયાન પર ચાર મિનિટની ફિલ્મ બનાવવાનો ટાર્ગેટ સ્પર્ધકોને આપ્યો હતો. અંતિમ તારીખ સુધીમાં દેશભરમાંથી અઢાર એન્ટ્રીઓ આવી હતી. એમાંથી પ્રથમ રાઉન્ડ માટે પસંદ કરાયેલી અઢાર ફિલ્મોનું સ્ક્રીનિંગ 17 જાન્યુઆરીએ આયોજિત પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યું હતું. જેમાંથી અગિયાર ફિલ્મો પસંદ કરવામાં આવી હતી.
હવે 29 જાન્યુઆરીએ અગિયાર ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મોને વિજેતા જાહેર કરવામાં આવશે. આ ત્રણ વિજેતા ફિલ્મોના સર્જકને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામમાં રોકડ અને ટ્રોફી એનાયત કરાશે. પ્રથમ ઇનામના વિજેતાને ગોયલ સાયન્ટિફિક ગ્લાસ વર્ક્સ લિમિટેડ વતિ 11 હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે. જ્યારે દ્વિતીય વિજેતાને પીડીજી લાયન રમેશભાઈ પ્રજાપતિ તરફથી પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. તો તૃતીય વિજેતાને શૌર્ય ઘરઘંટીના પ્રફુલ મિસ્ત્રી તરફથી ત્રણ હજાર રૂપિયા અપાશે.
છેલ્લા બાર વરસથી અભિનયની તાલિમ આપી રહેલા શાઇનિંગ સ્ટાર પર્ફોર્મિંગ આર્ટ્સના હિતેશ શાહની પરિકલ્પનાના આધારે સિગ્મા કૉલેજ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશનને સફળ બનાવવામાં મનીષા ચૌહાણ, લાયન્સ ક્લબ ઑફ હનીનાં પ્રેસિડન્ટ ડૉ. પૂર્વી મોદીએ ભારે જહેમત ઉઠાવી હતી.
જ્યારે કૉલેજનાં પ્રિન્સિપલ મિત્તલ મકરંદ શુક્લ અને તેમની ટીમ શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશન માટેનો કાર્યક્રમ ઘડવાની સાથે એના આયોજનનું ભગીરથ કાર્ય દિવસ-રાત જોયા વગર કરી રહી છે. તો હજારો વિદ્યાર્થીઓની કરિયરની સાથે તેમના જીવનનાં ઘડતરની જવાબદારી સુપેરે નિભાવી રહેલા સિગ્મા ગ્રુપ ઑફ સ્કૂલ્સ ઍન્ડ કૉલેજીસના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડૉ. હર્ષ શાહના માર્ગદર્શન હેઠળ નવોદિત પ્રતિભાઓને તેમની કળા દર્શાવવાનો મોકો આપતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધાનો આખરી રાઉન્ડ 29 જાન્યુઆરી, 2022ના બપોરે બે વાગ્યે સિગ્મા કૉલેજ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ, નવજીવન કેમ્પસ-પોલો ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરાયેલી ફિલ્મોનું સ્ક્રીનિંગ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાશે. તમામ સ્પર્ધકોમાંથી ત્રણ વિજેતાઓને ઇનામ એનાયત કરવાની સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.