દુનિયાના સૌથી મોટા મ્યુઝિક લેબલમાંના એક અને બૉલિવુડની બિગ બજેટ ફિલ્મોના નિર્માણથી લઈ મોટા પાયે સિંગલ વિડિયો બનાવનાર કંપની ટી-સિરીઝની મુંબઈસ્થિત ઑફિસને મહાનગરપાલિકાએ સીલ કરી દીધી છે. શનિવારે ટી-સિરીઝ બિલ્ડિંગમાં જ રહેતા ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એકને કોરોના પોઝિટિવ આવતા ટી-સિરીઝના અંધેરીસ્થિત બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી.
આ વાતને ટી-સિરીઝના પ્રવક્તાએ પણ પુષ્ટી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે લૉકડાઉનને કારણે આ બિલ્ડિંગમાં કોઈ કામ થતું નહોતું. પરંતુ એ બિલ્ડિંગમાં સુરક્ષાકર્મીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેતા ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા નિયમ મુજબ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું. ઉપરાંત એ કર્મચારી સાથે રહેતા અન્ય ત્રણ-ચાર કર્મચારીઓને પણ ક્વૉરન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. ટી-સિરીઝનું જે બિલ્ડિંગ સીલ કરાયું છે એ સાત વરસ જૂનું છે. તાજેતરમાં કંપનીએ જૂના બિલ્ડિંગથી દોઢસો-બસો ફૂટના અંતરે નવું 15 માળનું બિલ્ડિંગ (ટી-સિરીઝ બિઝનેસ પાર્ક) બનાવ્યું છે. માર્ચના અંતમાં ઑફિસ નવા મકાનમાં શિફ્ટ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે શિફ્ટિંગ થઈ શક્યું નહોતું.