દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીમાં જેઓ જીવના જોખમે દેશવાસીઓની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે એવા પોલીસના જવાનોને જેટલી સલામી આપીએ એટલી ઓછી છે. કોરોનાનો ચેપ લાગવાનું જોખમ હોવા છતાં લોકોની સેવા કરી રહ્યા હોવા છતાં અમુક સમાજકંટકો તેમના પર પથ્થરમારો કરવાની ધૃષ્ટતા કરતા હોય છે. તો દેશની સરહદ પર દેશના દુશ્મનોને જ નહીં, આતંકવાદીઓને પણ જડબાતોડ જવાબ આપતા સેનાના જવાનોની દેશદાઝ જોઈ દરેક ભારતીયોની છાતી ગજ ગજ ફૂલે છે.
આજે જ્યારે ચારેબાજુ પોલીસોની ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે એવા પોલીસ અને સેનામાં ફરજ બજાવી ચુકેલા જવાનોની વાત કરવી છે જેમણે પોલીસ કે મિલિટરીનો યુનિફોર્મ ઉતારી બૉલિવુડમાં પણ નામના મેળવી હોય.
રાજકુમાર
રાજકુમારની જબરજસ્ત ડાયલોગ ડિલિવરીના ઘણા ચાહકો આજે પણ મળી આવશે. તેમણે 1940ની આસપાસ મુંબઈ પોલીસમાં સબ-ઇન્સપેક્ટર તરીકે કામ કર્યું હતું. પોલીસની નોકરી છોડી તેઓ ફિલ્મો તરફ વળ્યા અને 1952માં આવેલી રંગીલીથી બૉલિવુડમાં એન્ટ્રી કરી. મધર ઇન્ડિયાની સફળતા બાદ તેમના નામના સિક્કા પડવા લાગ્યા.
રાજકુમારની ગણના એક સ્ટાર તરીકે થવા લાગી. કારકિર્દી દરમ્યાન 70થી વધુ ફિલ્મો કરનાર રાજકુમારની નોંધપાત્ર ફિલ્મોમાં હીર રાંઝા, કુદરત, વક્ત, મર્યાદા, તિરંગા, સૌદાગરનો સમાવેશ થાય છે.
આનંદ બક્ષી

અનેક લોકપ્રિય રોમાન્ટિક ગીતોના સર્જક આનંદ બક્ષી ઇન્ડિયન આર્મી ઉપરાંત ઇન્ડિયન નેવીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. હકીકતમાં આનંદ બક્ષીને ગાયક બનવું હતું પરંતુ નિયતિએ તેમને એક સફળ ગીતકાર બનાવી દીધા.
ગીતકાર તરીકે તેમણે સાડા ત્રણ હજાર કરતા વધુ ગીતો લખ્યાં અને મોટા ભાગના સુપરહિટ સાબિત થયા. જબ જબ ફૂલ ખિલે, હિમાલય કી ગોદ મેં, આરાધના, બૉબી, જૂલી, મેરા ગાંવ મેરા દેશ જેવી અનેક ફિલ્મોનાં ગીતો આજની પેઢીના જુવાનિયાઓના પણ પ્રિય છે.
મદન મોહન

આજે પણ ઘણા કૉલેજિયનોની કોલર ટ્યુનમાં મદન મોહન રચિત ગીત લગ જા ગલે સે ફિર યે રાત હો ના હો સાંભળવા મળે છે. એટલું જ નહીં, આ ગીત અનેક વિદેશી ગાયકોએ પણ ગાયું છે. મદન મોહનના આવા યાદગાર ગીતોની તો લાંબી યાદી છે.
જોકે ઘણા ઓછાને જાણ હશે કે સંગીતકાર અને ગાયક મદન મોહન બૉલિવુડમાં આવ્યા એ અગાઉ ઇન્ડિયન આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સેવા આપી ચુક્યા છે. બીજું વિશ્વ યુદ્ધ પત્યું ત્યાં સુધી તેમણે સૈન્યમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ આર્મીમાંથી રાજીનામુ આપી તેમણે મનોરંજનની દુનિયામાં કદમ મુક્યા.
બૉલિવુડમાં તેમણે અનેક લોકપ્રિય ગીતો આપ્યા છે. તેમના હકીકત, દસ્તક, હીર રાંઝા, મૌસમ, વોહ કૌન થી, અનપઢ, મેરા સાયા અને વીર ઝારાનાં ગીતો આજે પણ લોકજીભે છે.
રવિ ચોપરા

વીતેલા જમાનાના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક બી. આર. ચોપરાના દીકરા રવિ ચોપરાએ કમિશન્ડ ઑફિસર તરીકે આર્મી જોઇન્ટ કર્યું હતું. જોકે કેપ્ટન પદે પહોંચ્યા બાદ તેમણે આર્મી છોડવાનો નિર્ણય લીધો અને તેમના પિતાના સહાયક બન્યા. રવિ ચોપરાએ ઇન્ડિયન આર્મીમાંથી સમય પૂર્વે જ નિવૃત્તિ લઈ લીધી. તેમણે ઘણી ફિલ્મોમાં બી. આર. ચોપરાના સહાયક તરીકે કામ કર્યા બાદ સ્વતંત્ર દિગ્દર્શકની જવાબદારી સંભાળી. તેમની પહેલી ફિલ્મ હતી ઝમીર (1975). ત્યાર બાદ ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું જેમાં ધ બર્નિંગ ટ્રેન, આજ કી આવાઝ, બાબુલ, બાગબાન વગેરેનો સમાવેશ થાય છે. તેમણે દૂરદર્શન પર પ્રસારિત થયેલી અને હાલ લૉકડાઉન દરમ્યાન ફરી દર્શાવાયેલી સિરિયલ મહાભારતનું પણ દિગ્દર્શન કર્યું હતું.
અચ્યુત પોતદાર

ઘણી હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કરનાર અચ્યુત પોતદારે કરિયરની શરૂઆત 44મા વર્ષે કરી હતી. આમ તો તેઓ મધ્ય પ્રદેશના રેવામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમણે ઇન્ડિયન આર્મીમાં અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી.
1967માં તેઓ જ્યારે કેપ્ટનની રેન્ક પર હતા ત્યારે નિવૃત્ત થયા. ત્યાર બાદ તેમણે ઇન્ડિન ઑઇલમાં પણ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કર્યું છે જેમાં તેજાબ, લગે રહો મુન્નાભાઈ, ઇશ્ક અને 3 ઇડિયટ્સનો સમાવેશ થાય છે.
કર્નલ રાજ કપૂર

કર્નલ કપૂર તરીકે વિખ્યાત કર્નલ રાજ કપૂરે અભિનયની કરિયર શરૂ કર્યા અગાઉ વીસ વરસ સુધી ઇન્ડિયન આર્મીમાં કર્નલ તરીકે ફરજ બજાવી હતી.
કર્નલ કપૂરે દોસ્તાના, લાખોં કી બાત, અંગૂર જેવી અનેક ફિલ્મોમાં નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી. ઉપરાંત તેમણે 1988માં આવેલી દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ફૌજીનું દિગ્દર્શન પણ કર્યું હતું.
શાહરૂખ ખાનને ફૌજીમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવાની સાથે બૉલિવુડને સુપરસ્ટાર આપવાનું શ્રેય કર્નલ કપૂરને જાય છે.
ખલી

WWFને કારણે લાઇમલાઇટમાં આવેલા ખલીએ પંજાબ પોલીસમાં સબ-ઇન્સપેક્ટર તરીકે પણ કામ કર્યું છે. પાછળથી ખલીએ ફિલ્મો અને સિરિયલ કરવાનું નક્કી કર્યું અને કલર્સ ચૅનલ પર પ્રસારિત થતા રિયાલિટી શો બિગ બૉસમાં એન્ટ્રી કરી.
ત્યાર બાદ ખલીએ રાજપાલ યાદવ સાથે કૉમેડી ફિલ્મ કુસ્તી કરી. ઉપરાંત રામા ધ વૉરિયર ફિલ્મમાં પણ એ દેખાયો હતો. જોકે દર્શકોને જો સૌથી વધુ પસંદ પડી હોય તો એની મૌસી જી ને કહા જાહેરખબર
વિજેન્દર સિંઘ

2008માં બીજિંગ ઓલિમ્પિકમાં કાસ્ય પદક મેળવીને ખ્યાતિ મેળવનાર બૉક્સર વિજેન્દર સિંઘ હરિયાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે ફરજ બજાવી છે.
વિજેન્દર બૉક્સર હોવા છતાં એના પ્રભાવશાળી લૂકને કારણે સતત બૉલિવુડની ઑફર આવતી રહે છે. આખરે એણે F*ugly ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની હતી અને વિજેન્દરે ગૌરવનું પાત્ર ભજવ્યું હતું.