ટાઇટેનિકથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર લિયોનાર્ડો દ કેપ્રિયોમશહૂર નોવેલિસ્ટ એચ.જી. વેલ્સની અજરામર કૃતિ ટાઇમ મશીન પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મથી લિયોનાર્ડો ફિલ્મ નિર્માણક્ષેત્રે જંપલાવી રહ્યો છે.ફિલ્મનું દિગ્દર્શન મશહૂર દિગ્દર્શક એન્ડી મશેતી કરશે. આ ફિલ્મ કેટલી મોટી હશે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે એને હોલિવુડના બે મોટા સ્ટુડિયો વાર્નર બ્રધર્સ અને પેરામાઉન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ટાઇમ મશીન અને હોલિવુડ
ટાઇમ ટ્રાવેલ ફિલ્મો બનવાની શરૂઆત થઈ એ અગાઉ વિક્ટોરિયન યુગમાં લખાયેલી નવલકથા ટાઇમ મશીને વણજોયા ભવિષ્ય અંગે જે કુતુહલ જગાવ્યું હતું એ ફિલ્મનો વિષય ન બને એ શક્ય જ નહોતું. ટાઇમ ટ્રાવેલ પર જ્યોર્જ પાલ દ્વારા નિર્મિત પહેલી ફિલ્મ ટાઇમ મશીન ૧૯૬૦માં બનાવાઈ હતી.
આ ફિલ્મ એચ.જી. વેલ્સની નવલકથાનો હૂબહૂ સિનેમેટિક અવતાર હતી. ટ્રિક ફોટોગ્રાફી અને સ્ટુડિયો દ્વારા નિર્મિટ ભવ્ય સેટ્સ ઉપરાંત આ ફિલ્મની એક ખાસ વિશેષતા હતી. આ ફિલ્મમાં એલ. જી. વેલ્સના પૌત્રએ ટાઇમ ટ્રાવેલ પર જઈ રહેલા વૈજ્ઞાનિકના મિત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બાદ જેટલી પણ ફિલ્મો અને ટીવી સિરિયલ આ વિષય પર બની એમાં વેલ્સને ક્રેડિટ તો અપાઈ પણ નિર્માતાઓએ પોતાની કલ્પનાશીલતાનો ભરપુર ઉપયોગ કર્યો. ૨૦૧૦માં એબીસી ચૅનલ પર પ્રસારિત લોકપ્રિય સિરિયલ લોસ્ટની છઠ્ઠી અને છેલ્લી સીઝન ટાઇમ ટ્રાવેલ પર જ આધારિત હતી
ટાઇમ ટ્રાવેલ પર ફિલ્મો બનતી રહી
૨૦૦૨માં અમેરિકન અને બ્રિ્ટિશ સહયોગમાં બનેલી અને ગાય પિયર્સ અભિનીત ટાઇમ મશીન ફિલ્મે બોક્સઑફિસ પર પ્રોડક્શન કોસ્ટ કરતા પંદરગણી વધુ કમાણી કરી. જોકે કામ્પ્યુટર ગ્રાફિક્સ અને લવ એન્ગલને કારણે ફિલ્મ સમીક્ષકોને પ્રભાવિત કરી શકી નહોતી. એક દુર્ઘટનાવશ આઠ લાખ વરસ અગાઉની દુનિયાનાકબિલાઈ યુગમાં હીરો પહાંચે છે. અહીં એના માથે સભ્યતા શીખવવાની સાથે માનવભક્ષી પ્રાણીઓથી માનવજાતને બચાવવાની જવાબદારી નિભાવવી પડે છે.આને કારણે એનું ટાઇમ મશીન નાશ પામે છે અને હીરો પાછો એની અસલ દુનિયામાં આવી શકતો નથી.
ટાઇમ ટ્રાવેલ પરથી રોબર્ટ જેમિક્સ દિગ્દર્શિત હલકીફુલકી કૉમેડી બેક ટુ ધ ફ્યુચર ઉલ્લેખનીય ફિલ્મ છે. ૧૯૮૫માં નિર્મિત આ ફિલ્મનો હાઇસ્કૂલનો વિદ્યાર્થી હીરો એના પ્રૌઢ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મિત્રની કારમાં બેસી ત્રીસ વરસ પાછળ ૧૯૫૫માં જતો રહે છે.જ્યાં એની મુલાકાત હાઇસ્કૂલમાં ભણતા એના માતા-પિતા સાથે થાય છે. ફિલ્મમાં ૧૯૫૫નો માહોલ બનાવવા નાની નાની વાતોને ધ્યાનમાં લેવાઈ હતી. બેક ટુ ધ ફ્યુચર લો બજેટમાં બનેલી અમેરિકાની સર્વાધિક કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મની છપ્પર ફાડ કમાણીને પગલે બેક ટુ ફ્યુચર-૨ અને બેક ટુ ફ્યુચર-૩ બનાવવાનો રસ્તો આસાન બની ગયો. બાકીના બંને ભાગ પણ સફળ રહ્યા.
બૉલિવુડમાં પણ ટાઇમ ટ્રાવેલ પર ફિલ્મો બની છે પણ જોઇએ તેવી સફળતા મળી નહીં. ટાઇમ ટ્રાવેલ પર પહેલી હિન્દી ફિલ્મ બની હોય તો એ છે ૨૦૦૩માં આવેલી ફન્ટુશઃ ડુડ્સ ઇનટેન્થ સેન્ચુરી. પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, ફરીદા જલાલ, આશિષ વિદ્યાર્થી જેવા કલાકારની સાથે નેરેટરની ભૂમિકા અમિતાભ બચ્ચને ભજવી હોવા છતાં ફિલ્મ ચાલી નહોતી. ત્યાર બાદ હર્મન બાવેજા અને પ્રિયંકા ચોપરાને ચમકાવતી ફિલ્મ લવસ્ટોરી-૨૦૫૦ આવી જેમાં ૨૦૫૦ના મુંબઈને દર્શાવાયું હતું. જાકે ફિલ્મ ઊંધે માથે પછડાઈ હતી. તો ૨૦૧૦માં વિપુલ શાહે અક્ષયકુમાર અને ઐશ્વર્યા રાયને લઈ ઍક્શન રિપ્લે બનાવી પણ બોક્સઑફિસ પર પીટાઈ ગઈ. એ પછી છેક ૨૦૧૬માં આવેલી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કૈફની ફિલ્મ બાર બાર દેખો પણ નિષ્ફળતાને વરી હતી. એની સામે સાઉથમાં બનેલી સાત-આઠ ટાઇમ ટ્રાવેલ ફિલ્મો સુપર હિટ રહી હતી.