દિગ્દર્શકઃ આદિત્ય ધર
લેખકઃ આદિત્ય ધર
કલાકારો: રણવીર સિંહ (હમઝા અલી મઝારી/જસકીરત સિંહ રંગી), અક્ષય ખન્ના (રહેમાન ડકૈત), સંજય દત્ત (એસ.પી. ચૌધરી અસલમ), અર્જુન રામપાલ (મેજર ઈકબાલ_, માધવન (અજિત સાન્યાલ) સારા અર્જુન (યાલિના જમાલી), રાકેશ બેદી (જમીલ જમાલી), ડેનિશ પંડોર (ઉઝૈર બલોચ), માનવ ગોહિલ (સુશાંત બંસલ), નવીન કૌશિક (દોંગા), આકાશ ખુરાના (દેવવ્રત કપૂર)
નિર્માતા: જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર, લોકેશ ધર, રાહુલ ગાંધી, નાસીર અહેમદ ખાન, આર્ષ વોરા
સંગીતકારઃ શાશ્વત સચદેવ
સિનેમેટોગ્રાફર: વિકાસ નૌલખા, કુમાર સ્વામી
સ્ટાર :
![]()
બોલિવૂડમાં ઘણી ફિલ્મો આવે છે, કેટલીક હિટ થાય છે, કેટલીક ચર્ચામાં રહે છે, અને કેટલીક એવી પણ હોય છે જે રિલીઝ પહેલાંથી જ ચર્ચાની સાથે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ એ હાલ એવો જ જનૂન બની ગઈ છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ફિલ્મને લઈને ઉભો થયેલો ક્રેઝ હવે પેડ પ્રિવ્યૂ સાથે વાસ્તવિક તૂફાનમાં બદલાતો દેખાઈ રહ્યો છે. થિયેટરોમાં ભીડ, સોશિયલ મીડિયા પર પ્રશંસા, અને કમાણીના આંકડાઓએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ ફિલ્મ માત્ર સિક્વલ નથી, પરંતુ 2026ની સૌથી મોટી ફિલ્મી ઘટનાઓમાંની એક બની શકે છે.
ફિલ્મે પેડ પ્રિવ્યૂ શોથી જ અંદાજે રૂ. 42.71 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર આગવી શરૂઆત કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડો માત્ર મોટો નથી, પણ પહેલાની ‘ધુરંધર’ ફિલ્મના આખા ઓપનિંગ ડે કલેક્શનને પણ પાછળ છોડી દેતો દેખાય છે. ઓફિશિયલ રિલીઝ પહેલાં જ દર્શકોનો એવો ઉત્સાહ જોવા મળ્યો કે થિયેટરોમાં હાઉસફુલ જેવા દૃશ્યો સર્જાયા. બુકિંગની ઝડપ અને સોશિયલ મીડિયા પરના ઉત્સાહે ફિલ્મને “મોસ્ટ અવેઇટેડ”માંથી સીધી “મોસ્ટ એક્સપ્લોઝિવ” રિલીઝમાં ફેરવી દીધી છે.
દિગ્દર્શક આદિત્ય ધરે આ વખતે પોતાના વિઝનની જોરદાર છાપ મૂકી છે. પ્રારંભિક રિવ્યૂઝ અને દર્શકોના પ્રતિસાદ મુજબ ફિલ્મમાં માત્ર ધમાકેદાર એક્શન નથી, પરંતુ એક્શન પાછળ મજબૂત કારણ, ભાવનાત્મક ઊંડાણ અને તંગ સ્ક્રીનપ્લે પણ છે. ફિલ્મની સૌથી મોટી તાકાત એ છે કે તે સતત તણાવ અને ઉત્સુકતા જાળવી રાખે છે. ઘણા રિવ્યૂઝમાં તો સ્પષ્ટ લખાયું છે કે ફિલ્મ દરમિયાન “મટકું મારવાનો પણ સમય નથી મળતો.” ખાસ કરીને ફર્સ્ટ હાફ અને ઇન્ટરવલ પોઇન્ટે દર્શકોને સીટની ધાર પર બેસાડી દીધા છે.
ફિલ્મનો સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે ‘બડે સાહબ’ની એન્ટ્રી. પહેલા ભાગથી જ આ પાત્રને લઈને રહસ્ય ઊભું કરવામાં આવ્યું હતું, અને હવે બીજા ભાગમાં તેની અસરકારક હાજરીએ દર્શકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર આ એન્ટ્રીને “સીટી-માર”, “અણધારી” અને “પાવરફુલ” તરીકે વખાણવામાં આવી રહી છે. આ ભૂમિકા દાનિશ ઇકબાલે એવી અસરકારક રીતે ભજવી છે કે તેમની ક્લિપ્સ અને દૃશ્યો અલગથી ચર્ચાનો વિષય બની ગયો છે.
અભિનયની વાત કરીએ તો રણવીર સિંહ ફરી એકવાર ફિલ્મનો ધુરંધર પુરવાર થયો છે. તેમના પરફોર્મન્સને અનેક લોકોએ એના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. રણવીર ફિલ્મમાં માત્ર એક્શન હીરો તરીકે જ નહીં, પણ આંતરિક સંઘર્ષ, ક્રોધ અને ભાવનાત્મક તીવ્રતા ધરાવતા પાત્ર તરીકે પણ જોરદાર છાપ મૂકે છે. ફિલ્મનો પૂરો ભાર તેમના ખભા પર હોવા છતાં એક પળ પણ કમજોર નથી પડતો.
રણવીરની સાથે સંજય દત્ત પોતાના ભારેખમ ડાયલોગ અને સ્ક્રીન પ્રેઝન્સથી દૃશ્યોને જીવંત બનાવી દે છે. અર્જુન રામપાલ ખતરનાક વિલન તરીકે ફિલ્મમાં જબરું ટેન્શન ખડું કરે છે, જ્યારે આર. માધવનનું કામ પણ નોંધપાત્ર છે. આ બધાની વચ્ચે ખાસ વખાણ મેળવનાર નામ છે રાકેશ બેદી. જમીલ જમાલીના પાત્રમાં તેમણે ફરી એકવાર સાબિત કર્યું છે કે અનુભવી કલાકાર પડદા પર આવે તો દૃશ્યનો જ ટેમ્પો બદલાઈ જાય. ઘણા દર્શકો તો તેમને ફિલ્મનો “હિડન એસેટ” અને “અસલી કિંગ” કહી રહ્યા છે.
ફિલ્મમાં યામી ગૌતમના કેમિયોને લઈને પણ પહેલાથી ચર્ચા હતી. ઘણા ફેન્સે તેમના પાત્રને લઈને જુદી જુદી અટકળો લગાવી હતી, પરંતુ પડદા પર તેમનું પ્રસ્તુતિકરણ ભલે નાનું હોય, અસરકારક જરૂર કહેવાય છે. ઓછા સમયમાં પણ યાદ રહી જાય તેવી ઉપસ્થિતિ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે.
ફિલ્મની કથા-પટકથા સુપર્બ છે તો કલાકારોએ પણ તેમની ભૂમિકામાં જાન રેડ્યો છે. તો અન્ય ટેક્નિકલ પાસાંઓએ પણ ફિલ્મને અદભુત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ફિલ્મનું સંગીત ખાસ કરીને પાર્શ્વસંગીત. દૃશ્ય-શ્રાવ્યનો અદભુત સંગમ ફિલ્મને એક ઊંચાઈએ લઈ જાય છે. તો જૂનાં ગીતોના મિક્સનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો છે. ધુરંધરનું બીજું સબળ પાસું છે એની એક્શન કૉરિયોગ્રાફી. કોઈને વધુ પડતી હિંસા લાગશે કોઈને જુગુપ્સાપ્રેરક. પરંતુ જે પ્રકારનો વિષય છે એને અનુરૂપ એક્શનના દૃશ્યો ફિલ્માવાયા છે.
હા, ‘ધુરંધર 2’ની ચર્ચા માત્ર વખાણ માટે જ નથી – તેની તીવ્રતા પણ એટલી જ ચર્ચામાં છે. ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળ્યું છે અને તેમાં ભરપૂર હિંસા તથા પ્રૌઢ તત્વો હોવાથી 18 વર્ષથી ઉપરના દર્શકો માટે જ યોગ્ય ગણાવવામાં આવી છે. કહેવાય છે કે થિયેટરોમાં આ મુદ્દે કડક ચકાસણી પણ કરવામાં આવશે. એટલે આ ફિલ્મ સંપૂર્ણ મસાલેદાર એન્ટરટેઇનર હોવા છતાં તેનો સ્વર ઘણો ડાર્ક, હાર્ડ-હિટિંગ અને ઇન્ટેન્સ છે.
પેડ પ્રિવ્યૂ શોથી જ ફિલ્મે અંદાજે રૂ. 42.71 કરોડની કમાણી કરી હોવાના અહેવાલો સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ખાસ વાત એ છે કે આ આંકડો પહેલા ભાગના આખા ઓપનિંગ ડેને પાછળ મૂકી દેતો દેખાય છે. રિલીઝના એક દિવસ પહેલાં જ થિયેટરો હાઉસફુલ થવા લાગ્યાં, અને ફિલ્મ માટે દર્શકોની દીવાનગી એ હદે પહોંચી ગઈ કે બુકિંગ પ્લેટફોર્મ પર કલાકે હજારો ટિકિટ બુક થવાની ચર્ચા ગરમાઈ ગઈ. સ્પષ્ટ છે કે ‘ધુરંધર 2’ હવે માત્ર ફિલ્મ નથી, પણ એક ફુલ-સ્કેલ થિયેટ્રિકલ ઇવેન્ટ બની ગઈ છે.
એકંદરે કહીએ તો ‘ધુરંધર 2: The Revenge’ એ રિલીઝની શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર સારી કમાણી માટે નથી આવી, આ તો રેકોર્ડ તોડવા, ચર્ચા જમાવવા અને દર્શકોના દિલ-દિમાગ પર કબજો જમાવવા આવી છે. એક્શનની ભરમાર, ઇમોશન, સસ્પેન્સનો ઝટકો અને કલાકારોની જબરદસ્ત હાજરી, આ બધું મળી ‘ધુરંધર 2’ને એક એવી ફિલ્મ બનાવે છે જેના વિશે હાલ દરેક જગ્યાએ માત્ર એક જ વાત થઈ રહી છે: આ ફિલ્મ જોવી એટલે મોટા પડદા પર ધમાકો અનુભવવો!







