…જેવી તમામ તકલીફોનો એક જ ઇલાજ ફાટી ને?
તમને જો લાગતું હોય કે તમે નકારાત્મકતા… ટેન્શન… ઉદાસીનતા… વિરહ… જેવી નકારાત્મકતાના ભોગ બન્યા છો તો ચિંતા કરવા જેવું નથી. અને ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નથી. આ બધાનો છૂટકારો માત્ર પોણા ત્રણ કલાકમાં થઈ જશે. ફાટી ને? ભઈ, તમને ડરાવવા માટે નહીં પણ હકીકતમાં શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ફાટી ને? જોશો તો તમારી ઉપરોક્ત બધી તકલીફો એક જ સીટિંગમાં દૂર થઈ જશે.
એનું કારણ ફાટી ને?માં છે શુદ્ધ સાત્વિક અને પારિવારિક મનોરંજન. ફિલ્મની વાર્તાને જો એકાદ-બે લાઇનમાં કહેવી હોય તો કહી શકાય કે, સંતાનના વિરહમાં ઝૂરતો પિતા આસું તો મહાવી નથી શકતો પણ એને મળવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પછી ભૂતનો સામનો કેમ કરવાનો ન હોય. ફિલ્મનો હીરો પરમ લાલ (હિતુ કનોડિયા) અને એનો બાળપણનો ગોઠિયો પદમ લાલ (સ્મિત પંડ્યા) દીકરીને પાછી મેળવવા અને નોકરી બચાવવા ભૂત બંગલામાં રાત વીતાવવા તૈયાર થઈ જાય છે.
રાતના આવનજાવન થતી વીજળી, અંધારિયો વિશાળ મહેલ જેવું મેન્શન અને એમાં વાસ કરતો પ્રેતાત્મા. પરં, પદમ અને પ્રેતાત્માની ત્રિપૂટીની સાથે આવતા અન્ય પાત્રો સમગ્ર ફિલ્મ દરમિયાન મનોરંજનનું ખળખળ કરતું ઝરણું વહાવતા રહે છે.
ફિલ્મનું સૌથી સબળ પાસું હોય તો તમામ કલાકારોનો અપ્રતિમ અભિનય. એમાંય હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની જોડીએ તો કમાલ કરી છે. તો આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌશામ્બી ભટ્ટ, હેમિન ત્રિવેદી જેવા કલાકારો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના માર્ક રોબર્ટ વૉલ્ટર્સ, કેઇરા ઓ’કોનોર, જેનિન મેકગ્રા, કાર્લોટા મિગ્લોલો, ડેનિયલ હિલમેન અને માઇકલ ઇગ્વે પણ દર્શકોનું ધ્યાન ખેંચે છે.