આ તડ ને આ ફડ
ગુજરાતી ફિલ્મના પ્રચારમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો હોય જણાઈ રહ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે ફિલ્મોમાંથી એકના નિર્માતા અને બીજાના દિગ્દર્શકે અગાઉ એક ફિલ્મ બનાવી હતી. એ પણ હકીકત છે કે ફિલ્મ સુપર ફ્લૉપ હતી. પરંતુ એ વાતની ભડાસ તાજેતરમાં રિલીઝ થયેલી નિર્માતાની ફિલ્મના પ્રચારમાં કાઢવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે.
છેલ્લા બે-ત્રણ વરસથી ઢોલિવુડમાં ફિલ્મ નિર્માણમાં તેજી જોવા મળી રહી છે. વરસે સોથી વધુ ફિલ્મો રિલીઝ થાય છે. આમ છતાં અપવાદરૂપ ફિલ્મોને બાદ કરતા બૉક્સ ઑફિસ પરથી મંદીના ઓછાયા દૂર થવાનું નામ લેતા નથી. આવો મંદીનો સમય દૂર થઈ તેજી જોવા મળે એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. આવી પરિસ્થિતિ હોવા છતાં એકાદ-બે દિવસથી ગુજરાતના અખબારો અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા ટચુકડા સમાચારમાં વિચિત્ર વિષય વસ્તુ સાથે આવેલી ફિલ્મથી દૂર રહેવાની દર્શકોને અપીલ કરવામાં આવી છે. પોતાની લીંટી મોટી કરવા બીજાની લાઇન ભૂસવા જેવી આ વાત થઈ. જો ફિલ્મ સારી નહીં હોય તો દર્શકો મફતમાં પણ જોવા જવાના નથી. આ તો પાડા (દિગ્દર્શક)ના વાંકે પખાલી (નવા નિર્માતા)ને ડામ આપવા જેવી વાત થઈ.
બાકી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા દિગ્દર્શક મળી આવશે જેમની અગાઉની ફિલ્મો ફ્લૉપ થઈ હોવા છતાં નવા નિર્માતા સાથે ફિલ્મ બનાવતા હોય છે. જેમને શંકા હોય તેમણે વધારે નહીં પણ છેલ્લા બે-ચાર વરસની રિલીઝ થયેલી ફિલ્મોની યાદી જોઈ લેવી. ફિલ્મનું ફ્લૉપ થવું એનો મતલબ એ પણ નથી થતો કે દિગ્દર્શકમાં આવડત નથી. હા, જેઓ નિર્માતાને મની મેકિંગ મશીન સમજતા હોય તેમને આયનો બતાવવાની જરૂર છે.
જે લેખની વાત થઈ રહી છે એમાં એક અત્યંત કડવી હકીકત પણ જણાવાઈ છે. નવોદિત નિર્માતા જે ફિલ્મ નિર્માણથી સાવ અપરિચિત હોય છે તેમને આંબા પીપળી દાખવી શીશામાં ઉતારવામાં આવે છે. આવા દિગ્દર્શકની ફિલ્મ રિલીઝ થયા બાદ નિર્માતાને સમજાય છે કે જે આંબા પીપળી બતાવ્યા હતાં એ તો ઝાંઝવાના નીર હતાં.