રજનીકાંત સ્ટારર જેલરનું કાવાલા હોય કે અરનમઈ-4નું અચાચો…તમન્ના ભાટિયાનાં ગીતો ઇન્ચરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. તમન્ના ભાટિયાનું આવું જ એક નવુંનકોર ધમાકેદાર ગીત ધૂમ મચાવવા આવ્યું છે. સ્ત્રી-2નાં ગીત આજ કી રાતમાં અભિનેત્રી અભિનયની સાથે એની ‘ડાન્સિંગ સ્કિલ’ પણ દર્શાવી રહી છે.
2018માં આવેલી સ્ત્રીમાં નોરા ફતેહીને એની કમરિયા મટકાવતી જોવા મળી હતી. હવે સ્ત્રી-2માં તમન્ના ભાટિયા એના હુશ્નનો જલવો દર્શાવવા તૈયાર છે. ગીતની શરૂઆતમાં તમન્ના કહે છે કે આજ તક શમા પર પરવાના મરતા થા, લેકિન અબ પરવાને પર શમા મરને કો તૈયાર હૈ.
ત્યાર બાદ પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી એને મોં ફાડીને જોતાં દેખાય છે. જોકે તમન્ના ભાટિયા એના લટકા-ઝટકા અને કાતિલાના અદાથી બધાના હૈયાને ઘાયલ કરતી જાય છે. ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે.
જેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ સ્ત્રી-2 સ્વતંત્રતા દિવસના રિલીઝ થઈ રહી છે.
સ્ત્રીનું ટ્રેલર થોડા દિવસ પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. સ્ત્રી-2 સાથે શ્રદ્ધા કપૂર ફરી એકવાર એના ભૂતિયા અવતારમાં પાછી આવી રહી છે. તો એની સાથે ભલોભોળો વિકી બનેલો રાજકુમાર રાવ પણ હશે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં આ વખતે હશે સરકટા ભૂત.
અમર કૌશિક દિગ્દર્શિત અને દિનેશ વિજન નિર્મિત સ્ત્રી-2 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ વખતે સ્ત્રીનો સામનો જ્હૉન અબ્રાહમની ફિલ્મ વેદા અને અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં સાથે થશે.