1951માં આવેલી ફિલ્મ દીદારનું ગીત ‘બચપન કે દિન યું ભૂલા ન દેના, આજ હંસે કલ રૂલા ન દેના…’ આજે પણ લોકો ભૂલ્યા નથી. ઘોડા પર બેસીને આ ગીત બે બાળકો ગાઈ રહ્યા છે. જેમાં પાછળ બેઠેલો બાળ કલાકાર છે બલરાજ સહાનીનો દીકરો અજય સહાની (પરિક્ષીત સહાની) અને આગળ બેઠી છે બેબી તબસ્સુમ. માત્ર ત્રણ વરસની ઉંમરે ફિલ્મી દુનિયામાં ડગ માંડનાર તબસ્સુમનું શુક્રવારે (18 નવેમ્બર) 78 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. જોકે તબસ્સુમના નિધનની જાણ બધાને છેક શનિવારે થઈ હતી.
તબસ્સુમના નિધન અંગે જાણકારી આપતા દીકરા હોશંગે જણાવ્યું કે, શરૂઆતમાં તેમને શરદી અને ઉધરસ થયા બાદ તબિયત કથળતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં. તેમને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનની પણ તકલીફ થઈ. શુક્રવારે રાત્રે લગભગ પોણા નવ વાગ્યે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો જે જીવલેણ નીવડ્યો. જોકે તેમની ઇચ્છા હતી કે ઓછામાં ઓછા બે દિવસ સુધી તેમના નિધનની જાણ કોઈને કરવી નહીં.
પચાસના દાયકામાં આવેલી ‘દારા સિંહ’ ફિલ્મમાં તબસ્સુમના હીરો હતા સલમાન ખાનના પિતા સલિમ ખાન
78 વર્ષનાં તબસ્સુમ ગોવિલ છેલ્લા 75 વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. 1947માં માત્ર ત્રણ વરસની ઉંમરે નરગિસ ફિલ્મથી બેબી તબસ્સુમના નામે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તબસ્સુમ બૉલિવુડની કદાચ એક માત્ર અભિનેત્રી હશે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી લઈ સ્ટેજ, થિયેટર, દૂરદર્શન, યુટ્યુબ ચૅનલ જેવા વિવિધ માધ્યમોમાં કામ કર્યું હોય. તબસ્સુમની તબિયત બગડી એ પહેલાં એક કાર્યક્રમનું શૂટિંગ કરી રહ્યાં હતાં. એના અમુક હિસ્સાનું શૂટિંગ પૂરું થયું હતું અને બાકીના હિસ્સાનું શૂટિંગ આવતા અઠવાડિયે કરવાનું હતું પણ એ અગાઉ જ તેમણે આખરી એક્ઝિટ લીધી.
નવી ટેક્નોલૉજીને સતત અપનાવતા રહેતાં તબસ્સુમે સોશિયલ મીડિયા પણ ગજવ્યું હતું. યુટ્યુબની તેમની ચૅનલ તબસ્સુમ ટૉકીઝના હજારો સબસ્ક્રાઇબર્સ છે. તબસ્સુમ ટૉકીઝમાં તબસ્સુમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ન જાણેલી વાતો દર્શકો સુધી પહોંચાડતાં હતાં.
તબસ્સુમ હંમેશ કહેતાં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સો વરસ થયા અને મને પંચોતેર. એટલે ઇન્ડસ્ટ્રીની અડધી હસ્તીઓના ખોળામાં હું રમી છું તો આજની યુવા પેઢી મારાં ખોળામાં રમીને મોટી થઈ છે.
1947માં આવેલી નરગિસ અને રહેમાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મમાં બેબી તબસ્સુમે નરગિસના બાળપણની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ બૈજુ બાવરામાં મીના કુમારી, દીદારમાં ફરી નરગિસની બાળપણની ભૂમિકા ભજવી બેબી તબસ્સુમ દર્શકોના દિલ જીતી લીધાં. ત્યાર બાદ હીરોઇન તરીકે એન્ટ્રી કરી પણ ધારી સફળતા ન મળતા ચરિત્ર ભૂમિકા સ્વીકારવાનું શરૂ કર્યું. ચરિત્ર અભિનેત્રી તરીકે તલાશ, હીર રાંઝા, ગેમ્બલર, જ્હૉની મેરા નામ, તેરે મેરે સપને, અગ્નિપથ, નાચે મયૂરી જેવી અનેક ફિલ્મો કરી. જોકે મજાની વાત એ છે કે તબસ્સુમ હીરોઇન બનવા છતાં તેમના નામ સાથે બેબી જોડાયેલું રહ્યું.
દૂરદર્શનનો શો ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન એટલો લોકપ્રિય હતો કે દર્શકોના પત્રોનો ઢગલો તબસ્સુમને ત્યાં થતો
ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ ચાલું હતું એ દરમિયાન દૂરદર્શનની શરૂઆત થઈ. તબસ્સુમે દૂરદર્શનના શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનનું સંચાલન શરૂ કર્યું. આ શો એટલો લોકપ્રિય બન્યો કે સતત એકવીસ વરસ (1972-1993) સુધી લોકપ્રિયતાની ટોચે રહ્યો. આ કાર્યક્રમમાં તબસ્સુમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિખ્યાત હસ્તીઓ ઉપરાંત જગત સિંહ જગ્ગા ડાકુ (જેના પર જાણીતા નવલકથાકાર અને ચિત્રલેખાના તંત્રી હરકિસન મહેતાએ ‘જગ્ગા ડાકુના વેરના વળામણાં’ લખી હતી)ની પણ મુલાકાત લીધી હતી.
તબસ્સુમ કાયમ કહેતા કે તેમના ઘરમાં સમગ્ર ભારત વસ્યું છે. રાષ્ટ્રીય એકાત્મકતા મારા ઘરમાં છે. કારણ, તેમના પિતા સ્વતંત્ર સેનાની અને ભગત સિંહના સાથી અયોધ્યાનાથ સચદેવ પંજાબી હિન્દુ, માતા અસગરી બેગમ મુસ્લિમ પઠાણ, પતિ વિજય ગોવિલ (રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલના ભાઈ), પુત્ર હોશંગની પત્ની ગુજરાતી બ્રાહ્મણ છે.