રિવ્યુ : ફિલ્મ – 83
રેટિંગ :
લૉકડાઉનને કારણે જેની રિલીઝ લંબાઈ ગઈ હતી અને જે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાવાઈ રહી હતી એ રણવીર સિંહ અભિનીત 1983ના વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83 આખરે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનો ખાસ પ્રેસ શો સોમવારે યોજાયો હતો.
1983માં ભારત પહેલીવાર ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યું એની રોમાંચક વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ભારતની ટીમ વર્લ્ડ રમવા ઇંગ્લેન્ડ જાય છે ત્યારે એને અંડર ડૉગ ટીમ ગણવામાં આવે છે. ભાગ લેનાર દરેક દેશ, મીડિયા ભારતીય ટીમની મજાક ઉડાવવામાં કોઈ કચાસ બાકી રાખતું નથી. પરંતુ પળભરના આનંદ, ગમ, શાનદાર જીત, ભયાનક હાર, ટીમમાં ચાલતી ઉથલપાથલ જે દરેક ખેલાડી અનુભવતો હોય છે, તેમની અંગત વાતોથી લઈ એક ટીમ બનવાની યાત્રા જે શક્તિશાળી ટીમને પણ હરાવવા સક્ષમ બને છે એની વાત કબીર ખાને ફિલ્મમાં આલેખી છે. ફિલ્મની વાર્તા ભારતીય ક્રિકેટ બૉર્ડને વર્લ્ડ કપ રમવા માટે આમંત્રણ મળે છે ત્યાંથી થાય છે અને અને અંત ભારતકીય ટીમના હાથમાં રહેલા વર્લ્ડ કપ સાથે થાય છે, જે દૃશ્ય હજુ પણ કોઈ ભારતીય ભૂલ્યો નથી.
કપિલ દેવની ટીમના મેનેજર માનસિંહની દૃષ્ટીએ ફિલ્મની વાર્તાનું આલેખન થાય છે. વર્લ્ડ કપના પ્રવાસની શરૂઆત તિરસ્કાર, અપમાન, અસહયોગ વગેરેથી થાય છે. પરંતુ ટીમનો આત્મવિશ્વાસ, ટીમને પ્રોત્સાહિત કરતું નેતૃત્ત્વ, અને દરેક ખેલાડીએ હિંમત હાર્યા વગર લક્ષ્ય સાધવા કરેલા પ્રયાસોની વાત છે. કપિલ, જેણે પહેલેથી નક્કી કર્યું હતું કે એ વર્લ્ડ કપ જીતવા જ ઇંગ્લેન્ડ પહોંચ્યો છે.
ફિલ્મનું સૌથી જમા પાસું છે એની સ્ક્રિપ્ટ અને કલાકારોની પસંદગી. એમાંય રણવીર સિંહે તો કમાલ કરી છે. ફિલ્મની એક પણ ફ્રેમમાં એ રણવીર લાગતો જ નથી. કપિલ પાજીએ જાણે રણવીરમાં પરકાયા પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ થાય છે. તો ટીમના અન્ય ખેલાડીઓની ભૂમિકા ભજવનારા કલાકારો જતિન સરના, સાકિબ સલીમ, જીવા, એમી વિર્ક, હાર્ડી સંધુ સહિત તમામે તેમના પાત્રમાં જાન રેડી દીધો છે.
ફિલ્મના તમામ પાસામાં ક્યાંય કોઈ કચાશ દેખાતી નથી અને ફિલ્મની સુપર સક્સેસમાં કબીર ખાનની સાથે એની સમગ્ર ટીમનો ફાળો હશે. અત્યારે ફિલ્મના રેટિંગ માટે સ્ટાર આપવાની જે પદ્ધતિ છે એના હિસાબે જો વાત કરીએ તો 83ને ઓછામાં ઓછા ચાર સ્ટાર તો આપવા જ પડે.
- પી. સી. કાપડિયા