હી-મેન અને દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોના સૌથી સફળ કલાકારોમાંના એક છે. અભિનય પ્રતિભાથી તેઓ દાયકાઓથી દર્શકોના દિલ જીતતા આવ્યા છે. ઍક્શનથી લઈ કૉમેડી જેવા તમામ પ્રકારની ભૂમિકા તેમણે સહજતાથી ભજવી અને ચાહકોએ આવકારી પણ ખરી. ધર્મેન્દ્રએ પોતાની ટેલેન્ટ થકી દરેક પાત્રને જીવંત કર્યું હતું. દરમિયાન ધર્મેન્દ્રનો એક મજેદાર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ફોટો 64 વરસ જૂનો છે.
64 વરસ પહેલાંનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
હકીકતમાં ધર્મેન્દ્રએ 1958માં આયોજિત એક ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો અને વિજેતા પણ બન્યા. આ કોન્ટેસ્ટમાં ધર્મેન્દ્ર ઉપરાંત અભિનેત્રી નિમ્મી, ઈવા અચાઓ, આશા રાની અને સુરેશે પણ ભાગ લીધો હતો. આ તમામ કલાકારો ફિલ્મફેર દ્વારા પ્રાયોજિત ટેલેન્ટ કોન્ટેસ્ટના ફાઇનલિસ્ટ હતા. આ કોન્ટેસ્ટના જજ તરીકે ગુરુ દત્ત અને બિમલ રૉય સેવા આપી હતી.
1958માં ટેલેન્ટ કોન્ટેસ્ટ જીત્યા બાદ ધર્મેન્દ્રને ફિલ્મોની ઑફર મળવા લાગી. 1960માં ફિલ્મ નિર્માતા અર્જુન હિંગોરાનીએ ધર્મેન્દ્રને દિલ ભી તેરા હમ ભી તેરેમાં મોકો આપ્યો. આ ફિલ્મ બાદ ધર્મેન્દ્રએ કદી પાછું વળીને જોયું નથી. દીર્ઘ કારકિર્દી દરમિયાન ધર્મેન્દ્રએ ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.