અનેક વાકયુદ્ધ, આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર બાદ લોકસભાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોનું ભાવિ EVM કેદ થઈ ગયું. હવે, આવતીકાલે એટલે કે 23 મે 2019ના ઇવીએમના પટારામાંથી શું બહાર આવે છે એની બેચેની તમામ ઉમેદવારોની સાથે દેશવાસીઓને પણ છે. વાચકોને થશે કે મનોરંજન જગતમાંથી ફિલ્મી ઍક્શને અચાનક રાજકારણમાં કેમ એન્ટ્રી કરી? સાહેબ, પોલિટિક્સની વાત કરવાનું કારણ પણ બૉલિવુડના સિતારા જ છે. આ વખતની ચૂંટણીમાં અનેક કલાકારો કે એમના પરિવારજનોએ પણ જંપલાવ્યું છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બાજુ પર રાખીએ તો બૉલિવુડની 11 હસ્તી ભાજપ, કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ચાલો ચૂંટણીના પરિણામો કાલે જાહેર થાય એ અગાઉ બૉલિવુડની કઈ સેલિબ્રિટીઝે ચૂંટણીના જંગમાં જંપલાવ્યું હતું એના પર એક નજર કરીએ.
આ વખતે ભારતીય જનતા પક્ષે બૉલિવુડને સૌથી વધુ પ્રતિનિધિત્વ આપ્યું હતું. ભાજપે બૉલિવુડના છ કલાકારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે બીજા નંબરે કોંગ્રેસે ચાર સેલિબ્રિટીને મેદાનમાં ઉતારી હતી. તો સમાજવાદી પક્ષે એક ફિલ્મી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો.
ભાજપ વતિ બીજીવાર મથુરા લોકસભા સીટ પર ચૂંટણી લડી રહેલી બૉલિવુડની ડ્રીમગર્લ હેમા માલિની 2004માં જ ભાજપની સભ્ય બની અને લોકસભાની ઉમેદવાર બની હતી. ગઈ ચૂંટણીમાં હેમાએ જયંત ચૌધરીને 3.30 લાખની સરસાઈથી હરાવ્યા હતા. લોકસભાના સભ્ય તરીકે મથુરામાં હેમાએ કરેલા કામોને ધ્યાનમાં રાખી આ વખતે ફરી ટિકિટ આપી હતી.
હેમા માલિની ઉપરાંત ભાજપે એક સમયની બૉલિવુડની ટોચની હીરોઇન જયા પ્રદાને પણ ઉત્તર પ્રદેશની મહત્ત્વની કહેવાય એવી રામપુર સીટ પરથી મેદાનમાં ઉતારી છે. સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલી જયા પ્રદાનો મુકાબલો સપાના ફાયર બ્રાન્ડ નેતા આઝમ ખાન સાથે છે. રાજકારણની બીજી ઇનિંગ રમી રહેલી જયા પ્રદા આઝમ ખાનને જબ્બર ટક્કર આપી રહી હોવાનું પ્રચાર દરમ્યાન જણાયું હતું.
મજાની વાત એ છે કે ઢાઈ કિલો કા હાથ સાથે બૉલિવુડમાં ધમાલ મચાવનાર ઍક્શન સ્ટાર સની દેઓલે પણ પિતાના પગલે રાજકારણના અખાડામાં જંપલાવ્યું છે. પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડી રહેલા સનીના પ્રચારમાં એનો નાનો બાઈ બૉબી અને ધર્મેન્દ્ર પણ જોડાયા હતા. ધર્મેન્દ્રએ રેલી કરવાની સાથે ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા દ્વારા પણ સનીનો પ્રચાર કરતા રહ્યા. સની દેઓલનો મુકાબલો પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને ગુરદાસપુરના સાંસદ સુનીલ જાખડ સાથે છે.
2009માં સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડેલા મનોજ તિવારી ભાજપમાં જોડાયા અને 2014માં ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટીના પ્રોફેસર આનંદ કુમારને સવા લાખથી વધુ મતોથી હરાવ્યા. હાલ દિલ્હી ભાજપના પ્રમુખ એવા મનોજ તિવારી ફરી આજ બેઠક પર નસીબ અજમાવી રહ્યા છે.
ભોજપુરી ફિલ્મોના જ બીજા સ્ટાર અને ભાજપના ઉમેદવાર દિનેશલાલ નિરહુઆએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુકેલા અને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવને પડકાર ફેંક્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે એક ધરખમ નેતા પર ધુંઆધાર ફિલ્મ અભિનેતા કેટલો ભારે પડી શકે છે.
છેલ્લા ત્રણ દાયકાથી જેના પર ભાજપનો કબજો હતો એ ગોરખપુરની સીટ મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથે રાજીનામુ આપતા ખાલી પડી હતી. લોકસભા બાદ ઉત્તર પ્રદેશમાં પણ જંગી જીત મેળવનાર ભાજપે પેટા ચૂંટણીમાં આ સીટ ગુમાવી. હવે ભાજપ માટે પ્રતિષ્ઠિત આ સીટ પર બૉલિવુડ અને ભોજપુરીના સ્ટાર રવિ કિશન મેદાનમાં છે. એક પીઢ અભિનેતા અને રીઢા રાજકારણી વચ્ચેની ટક્કર એક સસ્પેન્સ થ્રિલર કરતા પણ વધુ રોચક હશે એવું અત્યારે લાગી રહ્યું છે.
બૉલિવુડની ખૂબસૂરત ગર્લ ઊર્મિલા માતોંડકરે રાજકારણમાં આવવાની સાથે ઉત્તર મુંબઈની બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ જંપલાવ્યું. અહીં એનો મુકાબલો વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સાથે છે. બૉલિવુડની રંગીલા ગર્લ ગોપાળ શેટ્ટીના કેટલા મત પોતાના ખાતામાં લાવી શકે છે એના પર એના વિજયનો આધાર છે.
મુંબઈની જ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્ત ચૂંટણી લડી રહી છે. પ્રિયાએ એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું પણ એના માતા-પિતા સુનીલ દત્ત અને નરગિસ રાજકારણમાં સક્રિય હતાં. અગાઉ સાંસદ રહી ચુકેલી પ્રિયા 2014માં ચૂંટણી હારી ગઈ હતી. આ વખતે એનો મુકાબલો વર્તમાન સાંસદ પૂનમ મહાજન સાથે છે.
પાંચ રૂપિયામાં ભર પેટ જમવાનું મળતું હોવાનો દાવો કરી વિવાદમાં ફસાયેલા કોંગ્રેસના નેતા અને બૉલિવુડ અભિનેતા રાજ બબ્બર આ વખતે ફરી ફતેહપુર સિકરી લોકસભા મતદાર ક્ષેત્રથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 2009માં ઘણા ઓછા માર્જિનથી રાજ બબ્બર આ બેઠક પરથી હાર્યા હતા. 2019માં તેમનો મુકાબલો ભાજપના રાજકુમાર ચાહર સાથે છે.
આ વખતે શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિંહાએ પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લખનઉથી ચૂંટણી લડી રહ્યાં છે. મજાની વાત એ છે કે પૂનમનો પ્રચાર કરવા એમના પતિ અને કોંગ્રેસના પટના સાહેબના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા પણ પુત્રી સોનાક્ષી સિંહા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકારણમાં વરસોથી ખામોશની ત્રાડ લોકો સાંભળતા આવ્યા છે. પણ આ વખતે બૉલિવુડના સ્ટાર શત્રુઘ્ન સિંહા ભાજપ વતિ નહીં પણ કોંગ્રેસ માટે મત માંગી રહ્યા છે. શત્રુઘ્ન સિંહાની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિયપ્રધાન રવિશંકર પ્રસાદ સાથે થઈ રહી છે. હવે જોવાનું એ છે કે સતત ગરજતા રહેતા અભિનેતા કમ નેતાની ઝોળીમાં મતદારો મતનો કેટલો વરસાદ વરસાવે છે.
બૉલિવુડના આ કલાકાર ઉપરાંત ગાયક બાબુલ સુપ્રિયો, હંસ રાજ હંસ ઉપરાંત કિરણ ખેર, મૂન મૂન સેન અને પ્રકાશ રાજ પણ પોતાના નસીબ અજમાવી રહ્યા છે.