પબ્લિક ઇશ્યુ ટાણે કંપની શેર લેવાથી થનારા લાભોની સાથે સંભવિત જાખમી પરિબળો અંગે પણ રોકાણકારોને જાણ કરતી હોય છે, એ જ રીતે ભવિષ્યમાં સ્માર્ટ ફોન ખરીદનારને પણ ફોનના અવનવા ફીચર્સની સાથે એની આડઅસર અંગેની જાણકારી આપતું સચિત્ર બ્રોશર પણ અપાવું જાઇએ. આ વાત કદાચ અતિશયોક્તિભરી લાગે પણ જે રીતે યુવાપેઢી સ્માર્ટ ફોનની વ્યસની બની રહી છે એ જોતા મા-બાપના મગજમાં આવો વિચાર આવે એ સ્વાભાવિક છે.
સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં રમમાણ રહેતી આજની યુવા પેઢીને જાઈ ફિલ્મ સર્જક મનોજ પટેલને પણ કંઇક આવો જ વિચાર આવ્યો અને તેમણે ફેકબુક ધમાલ નામની ગુજરાતી ફિલ્મ બનાવી જેમાં દુનિયાનો છેડો સ્માર્ટ ફોનમાં માનતી આજની યંગ જનરેશનને મનોરંજક શૈલીમાં જોખમી પરિબળો વિશેની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉ મેડિકલ ફિલ્ડમાં ચાલતી ગોબાચારી પર પ્રકાશ પાડતી ફિલ્મ કમિટમેન્ટ બનાવ્યા બાદ આજના સળગતા પ્રશ્નને કેન્દ્રમાં રાખી ફેકબુક ધમાલ નામની કામેડી થ્રિલર ફિલ્મ બનાવનાર મનોજ પટેલ કહે છે કે, સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં ગળાડૂબ રહેતા આજના યુવાનોની ઘણી વાતો એવી છે જે વડીલ વર્ગને ખટકતી હોય છે. જેમકે સવાર ઊઠીને પહેલાં ફોન હાથમાં લેશે પછી ભગવાનને પ્રાર્થના કરશે. પ્રાતઃક્રિયા સમયે પણ ફોન હાથમાંથી નહીં છૂટે. રસ્તે ચાલતા પણ નજર ફોન પરથી નહીં હટે. સ્કૂલ-કૉલેજમાંમાં પણ લેક્ચર કરતા ફોનમાં ધ્યાન વધુ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેં ફેકબુક ધમાલની વાર્તા લખી. ફિલ્મના કેન્દ્રમાં છે એટીકેટી એન્જિનિયરિંગ કાલેજના પ્રિન્સિપલ-પ્રોફેસરથી લઈ વિદ્યાર્થી અને પ્યૂન સુદ્ધાંસ્માર્ટ ફોનના વ્યસની છે. સારાસારનું ભાન ભૂલેલા કૉલેજના વિદ્યાર્થી સ્કૅમ, અનીતિના અડ્ડા જેવા મસાજ પાર્લર વગેરેના ચક્કરમાં ફસાય છે. અને એમાંથી બહાર નીકળવા તેઓ કેવા ધમપછાડા કરે છે એ સમગ્ર વાતને નિર્માતા-દિગ્દર્શક-લેખક મનોજ પટેલે રમૂજી શૈલીથી ફેકબુક ધમાલમાં વણી લીધી છે.
ગુજરાતીમાં પણ હવે વૈવિધ્યસભર વિષય ધરાવતી ફિલ્મ બની રહી છે ત્યારે મનોજ પટેલે એક વર્જિન સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. એટલું જ નહીં, આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં નિશિત બ્રહ્મભટ્ટ, બિમલ ત્રિવેદી, નંદિની મહેતા, કાર્તિક રાષ્ટ્રપાલ, મનોજ પટેલ, સોહમ શાહ, કૈલાશ શહદાદપુરી, જેની સોની, ૠત્વા પટેલ, વિશાલ વૈદ્ય, વિવેકા પટેલ, જૈવિક ત્રિવેદી, શ્રુતિ બારોટ, નીલમ સુથાર, ભૂમિકા પટેલ, દીપા ત્રિવેદી, રાજેશ ઠક્કર, ધ્રુવ ગોસ્વામી અને હિતેશ નાઇક જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મના સંગીતકાર છે મનોજ વિમલ. મનોજ પટેલના જણાવ્યા મુજબ ફિલ્મને ટૂંક સમયમાં રિલીઝ કરવાની યોજના છે.