બિગ બૉસના ઘરમાં રહેતા લોકોના ઝઘડાઓ, ઘરમાં ટકી રહેવાના પેંતરાની સાથે બંધાતા નવા સંબંધોને કારણે ચર્ચામાં રહેતા આ શોને જેટલા લોકો ધિક્કારે છે એના કરતા અનેકગણા એ જોવાનું પસંદ કરે છે. બિગ બૉસની નવી સીઝનની શરૂઆત ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ. જોકે શોની જાહેરાત થવાની સાથે અનેક કારણોસર એ ચર્ચામાં રહેતો આવ્યો છે. શોમાં કઈ સેલિબ્રિટી હશે થી લઈ એના ફોર્મેટ સુધીની અનેક પ્રકારની અટકળોનો મારો મીડિયામાં ચાલતો રહ્યો. બિગ બૉસ-૧૨ સીઝનમાં અનેક અટકળો બાદ દીપિકા વિજેતા બની.પરંતુ અગિયાર સીઝનમાં વિજેતા બનેલાઓ અત્યારે શું કરી રહ્યા છે એના પર એક નજર કરીએ.
રાહુલ રાય (સીઝન-૧)
રાહુલ રાય આ શોના પહેલવહેલા વિજેતા બન્યા. જોકે પહેલી સીઝન સલમાન ખાને નહીં પણ અરશદ વારસીએ હૉસ્ટ કરી હતી. રાહુલે આશિકી જેવી સુપરહિટ ફિલ્મ થકી લાખો દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. ફિલ્મ નિર્માતા તરીકે કાર્યરત રાહુલ હાલ ઇન્ટરનેશનલ ફિલ્મ નાઈટ એન્ડ ફાગથી ફરી મોટા પરદે વાપસી કરી રહ્યો છે.
આશુતોશ કૌશિક (સીઝન-૨)
આશુતોષ કૌશિકે એમટીવી રોડીઝને કારણે પુષ્કળ પ્રસિદ્ધિ મળી હતી. આ શોના વિજેતા બન્યા બાદ આશુતોષે બિગ બૉસના ઘરમાં પગ મુક્યા. મળતા અહેવાલો મુજબ આશુતોષ હાલ સહરાનપુરમાં પોતાનો ઢાબા ચલાવી રહ્યો છે.
બિન્દુ દારા સિંહ (સીઝન-૩)
બિન્દુ જાણીતા અભિનેતા અને કુસ્તીબાજ દારા સિંહના પુત્ર છે અને બિગ બૉસ દરમ્યાન લોકોએ તેમને પસંદ પણ કર્યા. થોડા વરસ અગાઉ બિન્દુનું નામ આઈપીએલ મેચ દરમ્યાન સ્પોટ ફિક્સિંગ મામલે બહાર આવ્યું હતું. આજકાલ એ અનેક બ્રાન્ડ્સની લૉન્ચિંગ ઇવેન્ટમાં જોવા મળે છે.
શ્વેતા તિવારી (સીઝન-૪)
ચોથી સીઝન ખાસ હતી કારણે પહેલીવાર કોઈ ફીમેલ કન્ટેસ્ટંટને બિગ બૉસનો ખિતાબ મળ્યો હતો અને આ ખિતાબ શ્વેતા તિવારીએ પોતાને નામે કર્યો હતો. બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ બીજા બાળકને જન્મ આપ્યો હતો. હાલ શ્વેતા એના પુત્ર રેયાંશની દેખભાળની સાથે ટીવી પર વાપસી કરી રહી છે.
જૂહી પરમાર (સીઝન-૫)
શ્વેતા બાદ ફરી બિગ બૉસનો ખિતાબ ટીવીની બહૂએ જ પોતાને નામ કર્યો હતો. સંજય દત્ત દ્વારા હોસ્ટ કરાયેલી આ સીઝનનો ખિતાબ જૂહી પરમારને મળ્યો. તાજેતરમાં જ જૂહી એના પતિ સચીન શ્રોફથી અલગ થઈ છે.
ઉર્વશી ધોળકિયા (સીઝન-૬)
કસૌટી જિંદગી કેની કોમાલિકાનું પાત્ર ભજવી દર્શકોના દિલમાં ખાસ જગ્યા મેળવનાર ઉર્વશી ધોળકિયાએ બિગ બૉસની છઠ્ઠી સીઝનનો ખિતાબ મેળવ્યો હતો. તાજેતરમાં એ ચંદ્રકાંતામાં નજરે પડી હતી. હાલ એ એકતા કપૂર સહિત અનેક ટીવી સેલેબ્સ સાથે પાર્ટી મનાવતી જાવા મળી હતી.
ગૌહર ખાન (સીઝન-૭)
ગૌહર ખાને આ સીઝનમાં તહેલકો મચાવ્યો હતો. આ સીઝનમાં કુશલ ટંડન સાથેના સંબંધો ખૂબ ચગ્યા હતા. આજકાલ ગૌહર બૉલિવુડમાં વ્યસ્ત છે. છેલ્લે એ બેગમ જાનમાં દેખાઈ હતી.
ગૌતમ ગુલાટી (સીઝન-૮)
શોમાં વિજેતા બન્યા બાદ ગૌતમ દિયા ઔર બાતી સિરિયલમાં ચમક્યો હતો. ત્યાર બાદ અઝહર અને બહેન હોગી તેરી જેવી ફિલ્મો કરી પણ એની છાપ છોડવામાં નિષ્ફળ નીવડ્યો.
પ્રિન્સ નરૂલા (સીઝન-૯)
પ્રિન્સ નરૂલાએ રોડીઝ અને સ્પ્લિટ્સવિલે દ્વારા ખૂબ નામ કમાયો હતો. બિગ બૉસના વિજેતા બન્યા બાદ એ બડી બધૂમાં નજરે પડ્યો હતો. ત્યાર બાદ એ રોડીઝના જજ તરીકે દેખાયો. હાલ પ્રિન્સ નાગિન-૩માં સપેરા શાનની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ટૂંક સમયમાં એ એની કો-કન્ટેસ્ટંટ યુવિકા ચૌધરી સાથે લગ્ન કરવાનો છે.
મનવીર ગુર્જર (સીઝન-૧૦)
મનવીર બિગ બૉસના ઇતિહાસમાં પહેલો એવો વિજેતા હતો જે સેલિબ્રિટી નહોતો પણ એના જનૂનને કારણે આગળ વધ્યો અને બિગ બૉનો ખિતાબ અંકે કર્યો હતો. ખેર, શો પૂરો થયા બાદ મનવીર ધીરે ધીરે ગાયબ થઈ ગયો.
શિલ્પા શિંદે (સીઝન-૧૧)
શિલ્પા શિંદે અગિયારમી સીઝનની વિજેતા બની અને બિગ બૉસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ કન્ટેસ્ટંટ મિલિયન ટ્વિટ્સને કારણે ટ્વિટર પર ટૉપ-૩ ટ્રેન્ડની યાદીમાં સામેલ થઈ. તાજેતરમાં શિલ્પા શિંદે સુનીલ ગ્રોવર સાથે દન દના દન શોમાં દેખાઈ હતી. ઉપરાંત બિગ બૉસ-૧૨ના પ્રીમિયર એપિસોડમાં પણ જોવા મળી હતી.