મર્દાની પાછી આવી રહી છે… શૂટિંગ શરૂ

મર્દાની ફિલ્મમાં પોલીસ અધિકારીની યાદગાર ભૂમિકા ભજવનાર રાની મુખર્જીએ હવે એની સિક્વલ મર્દાની-2નું શૂટિંગ શરૂ કર્યું છે. પહેલી ફિલ્મની જેમ જ રાની સફેદ શર્ટની સાથે જીન્સમાં જોવા મળશે. સૂત્રના જણાવ્યા મુજબ રાની 21 વર્ષીય દયાહીન ખલનાયકનો મુકાબલો કરશે. ઉંદર-બિલાડી જેવી રમતમાં વિલન એની ચાલથી રાનીને ફસાવવાની કોશિશ કરશે.

રાનીએ ડિસેમ્બરમાં ફિલ્મની જાહેરાત કરી ત્યારે જણાવ્યું હતું કે, મર્દાની હંમેશ મારા દિલમાં વસેલી છે. ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી બધા મને પૂછતા હતા કે મર્દાની-2 ક્યારે કરશે, અને મને ખાત્રી છે કે આ જાહેરાતથી તેઓ આશ્ચર્યચકિત થઈ જશે. ગોપીએ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ક્રિપ્ટ લખી છે.

મર્દાનીમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો વિષય સાંકળી લેવાયો હતો. જોકે એની સિક્વલ ક્યા મુદ્દા પર આધારિત છે એ કહેવા કોઈ તૈયાર નહોતું. પણ રાનીએ સોમવારથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

મર્દાની ફિલ્મની લેખિકા ગોપી પુતરન મર્દાની-2થી ડિરેક્ટોરિયલ ડેબ્યુ કરી રહી છે. 23 માર્ચે ગોપીએ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લેપર બોર્ડનો ફોટો મુકી કેપ્શનમાં લખ્યું હતું કે, ન્યૂ બિગિનિંગ #મર્દાની-2.

મર્દાનીમાં નેગેટિવ રોલ કરનાર તાહિર રાજ ભસિને જબરજસ્ત પર્ફોર્મ કર્યું હતું. નવી ફિલ્મના ખલનાયક અંગે રાની કહે છે કે, શિવાનીએ એક એવા વિલનનો મુકાબલો કરવાનો છે જેનામાં દયાનો છાંટો પણ નથી અને ભગવાનનો પણ ડર નથી. આ કેરેક્ટર એટલુ સરસ લખાયું છે કે એ કોણ ભજવશે એ જાણવાની ઉત્સુક્તા છે. જોકે મળતા અહેવાલ મુજબ ચંકી પાંડેનો ભત્રિજો અહાન પાંડે આ પાત્ર ભજવે એવી શક્યતા છે.

આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત મર્દાની-2 રાનીની હિટ ફિલ્મ હિચકી બાદ બીજી રિલીઝ હશે.

Exit mobile version