મનડાના મીત હારે બાંધી મેં પ્રીત – એક હૃદયસ્પર્શી ફિલ્મ

છેલ્લા થોડા વરસમાં ગુજરાતી ફિલ્મોમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલા નવા સર્જકોએ આજની પેઢીને અનુરૂપ ફિલ્મો બનાવી માત્ર મધ્યમ વર્ગને જ નહીં, શહેરી વિસ્તારના ઉચ્ચભ્રુ સમાજના લોકોને પણ ગુજરાતી ફિલ્મ જોતા કરી દીધા. માત્ર ગુજરાત જ નહીં, મુંબઈ સહિત દેશના અન્ય શહેરોની સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ઢોલિવુડની ફિલ્મો જોવા લાગ્યા છે.

બૉલિવુડમાં આ વરસે રિલીઝ થયેલી અને સો કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવનાર ફિલ્મોની યાદી જોશો તો એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે મોટાભાગની હિટ ફિલ્મો ઓછા બજેટની હતી. આ કહેવાનું કારણ એટલું કે ગુજરાતમાં પણ ઓછા બજેટમાં સારી ફિલ્મો બને પણ છે અને લોકો માણતા પણ હોય છે. આવી જ એક લો બજેટની પણ માણવા લાયક ફિલ્મ મનડાના મીત હારે બાંધી મેં પ્રીત આવી રહી છે.

આણંદ અને એની આસપાસના રમણીય લોકેશન પર શૂટ થયેલી ફિલ્મના નિર્માતા છે હેતલ હિંડોચા. ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે આ તેમની પહેલી ફિલ્મ છે. મુંબઈમાં કેટરિંગનો બિઝનેસ કરતા હેતલ હિંડોચાને ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો પૂછતા જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે અજાણી નહોતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા-દિગ્દર્શક નિલેશ મહેતા સાથે અંગત સંબંધો છે અને તેમના કારણે જ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ સાથે ઓળખાણ થઈ. મિત્રતાના નાતે તેમણે મને એક કન્સેપ્ટ સંભળાવ્યો, વાર્તા મને એટલી પસંદ પડી કે મેં જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. નિલેશ મહેતાને આશ્ચર્ય થયું પણ મારો દૃઢ નિર્ણય જોઈ ફિલ્મ નિર્માણની તૈયારી કરી. હાલ ફિલ્મની રિલીઝની તૈયારી ચાલી રહી છે.

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગના નિર્માતાની ફરિયાદ હોય છે કે બજેટ ધારવા કરતા અનેકગણું વધી ગયું, તમારો અનુભવ શું કહે છે?

જુઓ, નિલેશ મહેતાની ઓછા બજેટની ફિલ્મો બનાવવાની માસ્ટરી છે. અને તેમણે જે બજેટ આપ્યું હતું એનાથી એક રૂપિયો મારે વધારે ખર્ચવો પડ્યો નથી. અને એવું પણ નથી કે બજેટ ઓછું હોય તો ફિલ્મ સારી બની ન શકે. તમે મનડાના મીત હારે બાંધી મેં પ્રીત જોશો તો એક લેવિશ ફિલ્મ જોતા હો એવો અનુભવ થશે.

ફિલ્મ ક્યા જાનરની છે?

મનડાના મીત હારે બાંધી મેં પ્રીત ટાઇટલ પરથી જ ખ્યાલ આવી શકે છે કે આ એક લવસ્ટોરી છે. ફિલ્મની હીરોઇન દિવ્યાંગ છે, બોલી શકતી નથી. એ લોકપ્રિય ગાયકના પ્રેમમાં પડે છે. પરંતુ તેમની આડે આવે છે હીરોનો જ મસિયાઈ ભાઈ.

નિલેશ મહેતા દિગ્દર્શિત ફિલ્મના કલાકારો છે રાજદીપ બારોટ, ગ્રીવા કંસારા, કેયુરી શાહ, દર્શન માવાણી, પરેશ ભટ્ટ, રશ્મિકા ઉપાધ્યાય, વીણા ટાંક, નૈષધ રાવલ, પ્રકાશ મંડોરા અને દેવેન્દ્ર પંડિત. ફિલ્મનું સંગીત મનોજ વિમલનું છે.

Exit mobile version