દિવાળીના દિવસોની ઉજવણી પૂરા ભારતવર્ષમાં થતી હોય છે. દરેક તહેવારની જેમ બૉલિવુડ પણ ધામધૂમથી ઉજવણી કરે છે. તો અમુક મોટા સ્ટાર તેમની ફિલ્મને દિવાળીના શુભ અવસરે રિલીઝ કરી ચાહકોને દિવાળીને ભેટ આપે છે. આ વરસે પણ અમિતાભ-આમિરની ઠગ્સ ઑફ હિન્દોસ્તાં રિલીઝ થઈ.
મહત્ત્વની વાત એ છે કે સ્ટાર્સ તેમના ચાહકોને દિવાળીની ગિફ્ટ તો આપે છે પણ ક્યારેક આ ભેટ ફેન્સને પસંદ પડતી નથી. જી હા, આવું અનેકવાર બન્યું છે કે બિગ બજેટની અને મોટા કલાકાર ધરાવતી ફિલ્મ હોવા છતાં બોક્સઑફિસ પર પીટાઈ ગઈ હોય. જોઇએ બાલિવુડની એવી ફિલ્મો જે દિવાળી પર રિલીઝ થઈ હોય અને એણે દેવાળુ ફૂંક્યું હોય.
મિશન કાશ્મીર
વિધુ વિનોદ ચોપરા જેવા દિગ્દર્શક, સંજય દત્ત, રિતિક રોશન, પ્રીતિ ઝિન્ટા અને જેકી શ્રોફ જેવા બૉલિવુડના મોટા ગજાના કલાકાર હોવા છતાં ૨૦૦૦માં રિલીઝ થયેલી આ બિગ બજેટ ફિલ્મ બોક્સઑફિસ પર એની કમાલ દાખવવામાં નિષ્ફળ નીવડી હતી.
જાન-એ-મન
૨૦૦૬માં રિલીઝ થયેલી સલમાન ખાન, અક્ષયકુમાર અને પ્રીતિ ઝિન્ટા જેવા દબંગ-ખિલાડી સ્ટાર હોવા છતાં દર્શકોના દિલ જીતવામાં કામિયાબ રહી નહોતી. લવ ટ્રાયેંગલ પર આધારિત બિગ બજેટ ફિલ્મનું દિગ્દર્શન કોરિયોગ્રાફર ફારાહ ખાનના પતિ શિરીષ કુંદરે કર્યું હતું.
સાંવરિયા
રણબીર કપૂર અને સોનમ કપૂરની આ ડેબ્યુ ફિલ્મ હતી. ૨૦૦૭માં દિવાળીના અવસરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સઑફિસ પર પહેલા જ દિવસે ઊંધા માથે પછડાઈ હતી. સંજય લીલા ભણશાળીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો.
બ્લુ
અક્ષયકુમાર, સંજય દત્ત અને કેટરિના કૈફની આ ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી. એન્થની ડિસોઝા દિગ્દર્શિત ફિલ્મ ૨૦૦૯ની બિગ બજેટમાંની એક હતી. અંડર વૉટર એડવેન્ચર થ્રિલર હોવા છતાં દર્શકોએ સર્જકોની આશા પર પાણી ફેરવી દીધું હતું.
મૈં ઔર મિસિસ ખન્ના
આ ફિલ્મ પણ ૨૦૦૯માં આલેવી બિગ બજેટ ફિલ્મ હતી જેમાં સલમાન ખાન, સોહેલ ખાન અને કરીના કપૂર હતાં. પ્રેમ રાજ દિગ્દર્શિત ફિલ્મને પહેલા દિવસે જ ફ્લાપનું લેબલ લાગી ગયું.
ઍક્શન રિપ્લે
અક્ષયકુમાર અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. બિગ બજેટની કૉમેડી ડ્રામા ફિલ્મ પણ બોક્સઑફિસ પર ખાસ કમાલ દાખવી શકી નહોતી. ફિલ્મના દિગ્દર્શક હતા વિપુલ અમૃતલાલ શાહ.
હેપ્પી ન્યૂ યર
શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પદુકોણ જેવા એ-વન સ્ટાર હોવા છતાં ૨૦૧૪માં આવેલી આ ફિલ્મ દર્શકોને પસંદ પડી નહોતી. ચાહકોએ એટલી લાજ રાખી કે ફિલ્મનો મેકિંગનો ખર્ચ કાઢી શકી. ફારાહ ખાન દિગ્દર્શિત ફિલ્મની વાર્તા નબળી હોવાથી લોકોને પસંદ પડી નહોતી.