તાપસી પન્નુ

તાપસી પન્નુઃ મને ખબર છે કે મારે શું જોઇએ છે અને શું નહીં

૨૦૧૦માં દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનાર તાપસી પન્નુએ બે વરસના ગાળા બાદ બૉલિવુડમાં એન્ટ્રી કરી. પણ એની પહેલી ફિલ્મ ચશ્મેબદ્દૂરને ખાસ રિસ્પોન્સ ન મળતા ફરી સાઉથ તરફ વળી ગઈ. પછી અચાનક હિન્દી ફિલ્મ બેબીમાં એક નાનકડા પાત્રમાં આવ્યા બાદ એણે પાછું વળીને જાયું નથી. એ પિંક, નામ શબાના અને મુલ્ક જેવી ફિલ્મોના દમદાર પાત્રોમાં જાવા મળી.

બૉલિવુડમાં સ્ટાર બની ગયેલી તાપસી આજકાલ આનંદ એલ. રાય દ્વારા નિર્મિત અને અનુરાગ કશ્યપ દિગ્દર્શિત લવ ટ્રાએન્ગલ ફિલ્મ મનમર્જિયાને કારણે ચર્ચામાં છે. ઉપરાંત પિંક બાદ એ અમિતાભ બચ્ચન સાથે બદલામાં ફરી જોવા મળશે.

કરિયરથી કેટલા ખુશ છો?

ઘણી. મેં મારી કરિયર અંગે જે રીતે વિચાર્યું હતું એ રીતે આગળ વધી રહી છે. પિંકની રિલીઝ બાદ બધાને લાગ્યું કે તાપસી સારી એક્ટિંગ કરી શકે છે. પિંક મારી કરિયરનો ટર્નિંગ પોઇન્ટ છે. પરંતુ મારા માટે ૨૦૧૮નું વરસ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું. મુલ્ક બાદ દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. તેમને હવે એવું લાગે છે કે તાપસી દરેક પાત્રને કંઇક અલગ અંદાજમાં ભજવી શકે છે.

મુલ્ક વિશે ઘણો વિવાદ થયોપણ દર્શકોનો પ્રતિભાવ કેવો રહ્યો?

આજે પણ ચાહકો મને મળે ત્યારે મુલ્ક વિશે વાત કરતા થાકતા નથી. થોડા દિવસ અગાઉ હું મારી બિલ્ડિંગમાં નીચે ઉતરી રહી હતી ત્યારે મને અટકાવી અને મુલ્ક માટે થેન્ક યુ કહેવાની સાથે દસ મિનિટ સુધી વાતો કરતી રહી. અગાઉ પિંક માટે આ પ્રકારની કોમેન્ટ મળી હતી હવે પાછી મળી રહી છે. એક એક્ટર તરીકે મારા માટે આ મોટી વાત છે.

મનમર્જિયાના દિગ્દર્શક અનુરાગ કશ્યપની ગણતરી ડાર્ક ફિલ્મ બનાવનારમાં થાય છે. તેમની સાથે કામ કરવામાં કોઈ ખચકાટ થયો હતો ખરો?

ના રે, ખચકાટ કેવો? વાત વિશ્વાસની છે. અનુરાગ કશ્યપ ડાર્ક ફિલ્મ બનાવનાર અને ફિલ્મના નિર્માતા આનંદ એલ. રાય રોમાંટિક ફિલ્મ બનાવવામાં પરફેક્ટ મનાય છે. આ બંનેનું કોમ્બિનેશન ઘણું રોચક બની શકે છે એવું વિચારી મેં આ ફિલ્મ સ્વિકારી. બીજી વાત, મેં જ્યારે વાર્તા સાંભળી ત્યારે જ મને સમજાયું કે આ ફિલ્મ કેમ ઑફર કરાઈ. આમ પણ અનુરાગ કશ્યપ કહે છે કે મનમર્જિયાની રુમી હું જ છું.

શું તમે રિયલ લાઇફમાં પણ રુમિ જેવા જ છો?

જી નહીં. રુમીનું પાત્ર મારાથી ઘણું અલગ છે. રુમી કંઇક વધુ પડતી કન્ફ્યુઝ છે. જ્યારે હું મારી લાઇફથી જરાય કન્ફ્યુઝ નથી. મને ખબર છે કે મારે શું જોઇએ છે અને શું નહીં? મારે રુમિ જેવો વાત કરવાનો લહેજો પણ નથી જોઇતો.

અભિષેક અને વિકી કૌશલ સાથે પહેલીવાર કામ કરી રહ્યા છો. બંને કલાકાર અંગે શું કહેવું છે?

બંને ઘણા અલગ પ્રકારના છે. અભિષેક બચ્ચન સિનિયર છે અને એની એક્ટિંગની સ્ટાઇલ ઘણી અલગ છે. ફિલ્મનું પાત્ર એમની રિયલ લાઇફ સાથે ઘણું મળતું આવે છે. જ્યારે વિકી અને મેં લગભગ સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે. વિકી સાથે મારે સારૂં બને છે. એ એક્ટિંગ પણ સારી કરે

હિન્દીમાં બીજી કઈ ફિલ્મ છે?

એક ફિલ્મ છે તડકા. અને બીજી ફિલ્મ બદલા પૂરી થઈ છે. અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મનું માત્ર પાંચ દિવસનું કામ બાકી છે. આ ફિલ્મ ૮ માર્ચ ૨૦૧૯ના રિલીઝ થશે. ઉપરાંત એક ફિલ્મ ભૂમિ પેડણેકર સાથે સાઇન કરી છે જેનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.

બદલામાં તમે ફરી અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યાં છો. કેટલો ફરક લાગે છે?

કોઈ ફરક નથી લાગ્યો. પિંકમાં તેઓ મારા વકીલ બન્યા હતા અને બદલામાં પણ તેઓ મારા વકીલનું પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ મારૂં પાત્ર ઘણું અલગ છે. પિંકમાં મેં જાતીય શોષણનો ભોગ બનેલી છોકરીનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે બદલામાં તેજ-તર્રાર બિઝનેસ વિમેન બની છું.

શું હજું પણ સાઉથની ફિલ્મો કરો છો?

જી. મેં નક્કી કર્યું છે કે વરસે એક ફિલ્મ સાઉથની કરવી. થોડા દિવસ પહેલાં જ મારી તેલુગુ ફિલ્મ નીવવેરી રિલીઝ થઈ હતી. મનમર્જિયાનું પ્રમોશન પૂરૂં થયા બાદ એક તેલુગુ અને તમિલ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.

Exit mobile version