આ છે નિર્માત્રી દીપિકા પદુકોણની પહેલી ફિલ્મ છપાકનો ફર્સ્ટ લૂક

ઍસિડ ઍટેક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવનમાં બનેલી ઘટના પર આધારિત છપાકનો ફર્સ્ટ લૂક દીપિકા પદુકોણે એના ઇન્સ્ટાગ્રામ કાઉન્ટ પર શેર કર્યો છે. રાઝી ફૅમ દિગ્દર્શિકા મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મથી દીપિકા પદુકોણ નિર્માત્રી તરીકેની ઇનિંગ શરૂ કરી રહી છે. ઇન્સ્ટા પર શેર કરેલા ફોટોગ્રાફમાં દીપિકા પ્રોસ્થેટિક મેકઅપમાં છે જેમાં એના ચહેરા પર દાઝ્યાના ડાઘ સ્પષ્ટપણે દેખાય છે. ફિલ્મના ફર્સ્ટ લૂકની સાથે દીપિકાએ જાહેર કર્યું હતું કે આજથી ફિલ્મનું શૂટિંગ આજથી દિલ્હી ખાતે શરૂ થઈ રહ્યું છે. છપાક 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.

અગાઉ મેઘનાએ જણાવ્યું હતું કે ચાહકોને એક નવી દીપિકા જોવા મળશે. ફિલ્મમાં દીપિકાનો વિરૂપ થયેલો ચહેરો જોવા મળશે. ઍસિડ ઍટેક સર્વાઇવર લક્ષ્મી અગરવાલ અને દીપિકા વચ્ચે એક ગૂઢ સામ્યતા જોવા મળે છે.

છપાકમાં દીપિકા માલતી નામની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. અનેક અવરોધ-મુસીબતોનો સમાનો કરવાના મનુષ્યના દૃઢ મનોબળની વાત ફિલ્મમાં જોવા મળશે. છપાક દીપિકા પદુકોણના પ્રોડક્શન હાઉસ કે. એ. એન્ટરટેઇન્મેન્ટ હેઠળ બની રહેલી પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ ઉપરાંત વિક્રાંત મેસી પણ જોવા મળશે.

10 જાન્યુઆરી 2020ના રિલીઝ થનારી ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટુડિયો, કે. એ. એન્ટરટેઇન્મેન્ટ અને મેઘના ગુલઝારની મૃગા ફિલ્મ્સ કરી રહ્યા છે.

Exit mobile version