સોશિયલ મીડિયા પર ઍક્ટિવ અક્ષયકુમાર એના સામાજિક કાર્યો, ફિલ્મ કે અન્ય બાબતો ચાહકોમાં શેર કરતો હોય છે. સોમવારે આવો જ વિડિયો અને ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં એના જબરા ફૅન સાથે જોવા મળે છે. હકીકતમાં અક્ષયનો ચાહક છેક દ્વારકાથી મુંબઈ સુધી ચાલીને આવ્યો હતો. આ સફર એણે ૧૮ દિવસમાં પૂરી કરી હતી.
અક્ષયકુમારે શેર કરેલા વિડિયોમાં એના ચાહકની બેગમાં તિરંગો લહેરાતો જાવા મળે છે. આ વિડિયો બનાવતા અક્ષય એના ચાહકને સવાલ કરે છે કે એ ક્યાંથી આવ્યો છે? જવાબમાં પેલો યુવક કહે છે કે હું તમારો મોટો ચાહક છું, મેં હંમેશ જોયું છે કે તમે તમારી જાતને હંમેશ ફિટ રાખો છે. હું પણ યંગ છું એટલે મેં પણ વિચાર્યું કે તમને મળવું છે અને હું ચાલતો તમારી પાસે પહોંચી ગયો.
ચાહકની વાતથી અક્ષય ઘણો પ્રભાવિત થયો હોય એવું લાગે છે. એણે માત્ર વિડિયો જ નહોતો બનાવ્યો પણ સેલ્ફી લઈ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. અક્ષયનો આ ચાહક દ્વારકાથી મુંબઈ સુધીના ૯૦૦ કિલોમીટરનું અંતર ચાલીને ૧૮ દિવસમાં પૂરૂં કર્યું હતું.
જોકે અક્ષયકુમારે શીખામણ આપતા કહ્યું હતું કે, સારી વાત છે તેં જે ધાર્યું એ કરી બતાવ્યું. પરંતુ તમારા જેવા યુવાનો આ રીતે ધ્યાન કેન્દ્રિત કરી ક્રિએટિવ કામો કરે તો ભારતને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં.