૧૩મી માર્ચ ૨૦૨૦, મહારાષ્ટ્ર સરકારે “કોરોના” મહામારીને કારણે સાવધાનીના ભાગ રૂપે એક ફરમાન જાહેર કર્યું અને એ પ્રમાણે સિનેમા હૉલ અને નાટ્યગૃહોને તાળા મારવામાં આવ્યા અને શરૂમાં એવું લાગ્યું કે આ માત્ર ૧૭ દિવસની કવાયત રહેશે.

ઘણા નાટ્યપ્રયોગો રદ્દ થયા અને જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા એક દહેશત એવી ફેલાઈ કે ” આ કદાચ લાબું ચાલશે તો..?? ”

અમુક નાટ્ય નિર્માતાઓએ સાવચેતી રૂપ પોતાના નેપથ્યના કલાકારોને થોડીક આર્થિક મદદ પણ કરી કારણ એમના સૌનું ગુજરાન રંગભૂમિ પર જ નિર્ભર હતું.  જે નાટકને દર્શકો વધાવી લેતા હોય છે એના ન માત્ર રવિવારે પણ આડા દિવસે (સોમથી શનિ) પણ પ્રાયોજિત પ્રયોગો થતાં હોય છે અને ઘણાંના તો બપોર કે સવારના પણ મહિલા મંડળો દ્વારા પ્રાયોજિત પ્રયોગો રહેતા હોય છે, જેને કારણે એ કલાકારો-કસબીઓ અન્ય કામ નથી કરી શકતા અને આવક માટે પૂર્ણતઃ રંગભૂમિ પર જ નભતા હોય છે.

અચાનક ૧૭ દિવસના પ્રયોગો (પછી એ મુંબઈ હોય કે મુંબઈની બહાર) રદ્દ થતાં એક અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું અને એક અંદાજ પ્રમાણે સરેરાશ ૧૫ થી ૧૮ નાટકોના જાહેર તેમ જ પ્રાયોજિત પ્રયોગો પર સીધી અસર થઇ. દરેક નાટકમાં ૨૫ થી ૩૦ માણસોની ટીમ સમજી લઈએ તો ૪૫૦ થી ૫૦૦ કલાકારો-કસબીઓ રાતો રાત ૧૭ દિવસ માટે ઘરભેગા થઇ ગયા અને સાથોસાથ એમના કુટુંબીઓ પણ. હવે દરેક ઘરમાં ૪ માણસો ગણીએ તો લગભગ ૨૦૦૦ જેટલી વ્યક્તિઓને આ ૧૭ દિવસનું લૉકડાઉન ભારે પડે એમ હતું.

પણ જેમ આગળ જણાવ્યું એ મુજબ અમુક નિર્માતાઓએ પોતાના કસબીઓને આર્થિક મુશ્કેલી ન પડે એ માટે અમુક શોઝના મહેનતાણા એડવાન્સ પેટે આપ્યા.

અને છેવટે જેનો ડર હતો એ જ થયું.

સરકારે ૧૪ એપ્રિલ સુધીનું લૉકડાઉન જાહેર કર્યું અને ગુજરાતી રંગભૂમિ ખળભળી ઊઠી. ખાસ કરીને નેપથ્યના નાના કસબીઓ જેવા કે નાટકની નાની મોટી પ્રોપર્ટી સંભાળનાર, મેક અપમેન, લાઈટ અને સંગીત ઓપરેટર, બુકિંગ ક્લાર્ક જેઓ પૂર્ણપણે નાટકના પ્રયોગો પર આધાર રાખતા હોય છે.

ગુજરાતી નાટકોના નવયુવાન લેખક કે જેમણે હજી સુધી જીવનમાં પોતે વન પ્રવેશ કર્યો નથી, પણ અત્યાર સુધીમાં, ૧૬ – ૧૭ વર્ષમાં ૫૭ નાટકો લખ્યા છે એવા વિનોદ સરવૈયા (જે સ્વભાવે ખુબ જ ધૂની અને આખાબોલો છે)ને ચાનક ચઢી – બીડું ઉઠાવ્યું અને વૉટ્સઍપ ગ્રુપ શરૂં કર્યું. રંગભૂમિના માંધાંતાઓ એમાં જોડાયા. સંજય ગોરડિયા, કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, સિદ્ધાર્થ રાંદેરિયા, ભરત નારાયણદાસ ઠક્કર, કમલેશ મોતા… અને આ વિનોદી માણસે સૌને ગંભીરતાપૂર્વક જાગૃત કર્યા કે આ નાના નાના કસબીઓનું શું ?

બધા વિનોદ સરવૈયાની વાત સાથે સહમત થયા કે અત્યારે તો અમુક નિર્માતાઓએ પોતાના કસબીઓને તત્પુર્તી આર્થિક સહાય કરી છે પણ હવે જો લાંબુ ચાલવાનું હોય તો નિર્માતા પોતે કેટલું ખમી શકશે?

અને નક્કી થયું કે કોરોના રાહત ફંડ ભેગું કરવામાં આવે અને આ નાના કસબીઓને સહાય કરવી જોઈએ. એ પણ જાણ હતી કે ઘણા કસબીઓ સામે ચાલીને હાથ નહીં ફેલાવે (અને સરકારના નિયમ પ્રમાણે કોઈ પોતાના ઘરની બહાર પણ નહીં જઈ શકે) તો બેન્કની વિગત લઇ ચૂપચાપ એમના કાઉન્ટમાં એક રકમ જમા કરવી જોઈએ.

સૌએ સહમતિ આપી અને આ શુભ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

પહેલા ચરણમાં ફંડ ભેગું કરવાની, બીજા ચરણમાં દરેક નિર્માતાઓ પાસેથી એમના નેપથ્યના કલાકારોની વિગત ભેગી કરવી, ત્રીજા ચરણમાં જરૂરતમંદો પાસેથી એમની બેન્કની વિગતો અને ચોથા અને છેલ્લા ચરણમાં રકમની બરાબર વહેંચણી.

સાથોસાથ વિનોદે શરુ કરેલા વૉટ્સઍપ ગ્રુપમાં ધીરે ધીરે બીજા નિર્માતાઓ, નિમેષ શાહ, વિપુલ મહેતા, આશિષ ત્રિવેદી, આસિફ પટેલ, ચેતન ગાંધી, કિરણ ભટ્ટ, જતન ભટ્ટ પણ જોડવામાં આવ્યા. ત્યાર બાદ કિરણ માલવણકર, ચિત્રક શાહ, અમી ત્રિવેદી, સંગીતા જોશી, તેજસ ગોહિલ, ઉમેશ શુક્લ, નિમેષ દિલીપરાઈ, વિશાલ ગોરડિયા, ધર્મેશ મહેતા, મયંક મહેતા સૌ એક પછી એક આ ચળવળમાં જોડાતા ગયા. 

નવો અકાઉન્ટ ખોલવો, કાગળિયા તૈયાર કરવા જેવી કાયદાકીય પ્રક્રિયા માટે સમય નહોતો અને શક્ય પણ નહોતું. એટલે ભરત નારાયણદાસ ઠક્કરે પોતાના અંગત બેન્ક અકાઉન્ટમાં પૈસા જમા કરાવવાની તૈયારી દેખાડી અને વહેંચણીની જવાબદારી પણ સામેથી સ્વીકારી લીધી.

તારીખ ૨૮મી માર્ચે વૉટ્સઍપ પર ફંડ ઉઘરાવતો સંદેશ સમગ્ર ગુજરાતી રંગકર્મીઓ વચ્ચે બાબુલ ભાવસાર દ્વારા વહેતો  કરવામાં આવ્યો અને એનો પ્રતિસાદ પણ તરત જ મળવા લાગ્યો. ગુજરાતી રંગભૂમિ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા દરેકે યથાશક્તિ યોગદાન આપ્યું.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા (ફેસબુક) પણ ઘણા પ્રેક્ષકોને આ ફંડ વિશે જાણ થઇ અને સૌએ ખુલ્લા હૃદયે સહકાર આપ્યો. આનંદની વાત તો એ હતી કે નાનામાં નાના કલાકારથી લઈને નામાંકિત કલાકારો હોંશે હોંશે પોતાનું યોગદાન આપી રહ્યા હતા. નાટકના પ્રયોગના પ્રાયોજિત શો કરનાર મંડળ પણ સામે ચાલીને આમાં સહભાગી થવા લાગ્યા. એ સાથે નિર્માતા પાસેથી તેમના કસબીઓના નામો અને એમની બેન્કની વિગતો ભેગી કરવામાં આવી.

એક વાતની ખાસ નોંધ લેવા જેવી છે અને તે એ કે અમુક કસબીઓ જે આર્થિક રીતે પગભર હતા એમણે આભાર માનતા સામેથી સહાય લેવાની ના પાડી અને કહ્યું કે જરૂરિયાતમંદોને વહેંચી દેજો. આવા કસબીઓ પ્રત્યે ખરેખર માન થઇ આવ્યું.

લગભગ ૧૫૦  જણાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. એપ્રિલના બીજા સપ્તાહની શરૂઆતમાં ભરત નારાયણદાસ ઠક્કરે વહેંચણીની શરૂઆત પણ કરી દીધી અને સૌ પ્રથમ શરૂઆત કરી નાટકના જાહેર પ્રયોગની ટિકિટબારી પર બેસતા બુકિંગ ક્લર્કથી. ત્યાર બાદ વારો આવ્યો એ કલાકારો જે પ્રયોગ પહેલા, પ્રયોગ દરમ્યાન અને પ્રયોગ પૂરો થયા બાદ પણ કામ કરતા હોય છે એવા નેપથ્યના મદદગારો.

બેન્કના નીતિ નિયમો કે દિવસના ૮ – ૧૦ જણાને જ નેટ ટ્રાન્સફર કરી શકાય એટલે ગતિ થોડી ધીમી જરૂર રહી, પણ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી અને હજી પણ ચાલુ જ છે. આ પ્રક્રિયામાં, બધાના નામો ભેગા કરી, એક અલગ લિસ્ટ બનાવવું, એ પણ અલગ અલગ વર્ગ પ્રમાણે એ કાર્યમાં બાબુલ ભાવસાર અને ત્યાર બાદ ભરતને સથવારો મળ્યો વિશાલ ગોરડિયાનો.

૧૧મી એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું કે મુંબઈમાં લૉકડાઉન ૩૦ એપ્રિલ સુધી રહેશે અને ત્યાર બાદ કેન્દ્ર સરકારે પણ ૧૪મી એપ્રિલે જાહેર કર્યું કે ૩જી મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવશે. જોકે ૨૦ એપ્રિલથી થોડીક રાહત જરૂર મળશે. પણ આ લેખ લખાય છે ત્યારે એવા અણસાર મળી રહ્યા છે કે લૉકડાઉન લંબાઈને 17 મે પણ થાય કે પૂરો મે મહિનો પણ ખેંચી કાઢે.

ખેર, હાલની પરિસ્થિતિ જોતાં ગુજરાતી રંગભૂમિના દ્વાર કદાચ જૂન જુલાઈ મહિનામાં વરસાદના આગમન બાદ જ ઉઘડશે.

નાટ્ય ગૃહની ત્રીજી ઘંટડી સાંભળવા, કદરદાન પ્રેક્ષકોની વાહ વાહ અને તાળીઓનો ગડગડાટ, વન્સ મોરના પોકાર સાંભળવા, નાટકની સમાપ્તિ પર કર્ટન કૉલ વખતે પ્રેક્ષકો દ્વારા સન્માનિત થવા સૌ કલાકારો આતુર છે.

પણ…!!

સૌને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે સરકાર દ્વાર તો ઉઘાડી આપશે, કલાકારો થનગનતા તખ્તા પર પહોંચી પણ જશે..!

પરંતુ,

શું પ્રેક્ષકો થિયેટરના દ્વાર સુધી આવશે..?

જરૂર આવશે. કારણ, જેમ કલાકારો થનગની રહ્યા છે એમ જ કલારસિક દર્શકો પણ જીવંત મનોરંજનનો લાભ લેવા, પોતાની પસંદગીના નાટકો માણવા, ખડખડાટ હસવા એટલા જ આતુર છે, કલાકારોને વધાવવા તલપાપડ છે. તેઓ રાહ જોઈ રહ્યા છે યોગ્ય સમયનો, અને એ સમય જલ્દીથી આવશે અને સૌના કાનોને ત્રીજી ઘંટડી જરૂર સંભળાશે.

બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here