પચાસ-સાંઇઠના દાયકાની મશહૂર અભિનેત્રી નિમ્મીનું બુધવારે મુંબઈસ્થિત ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 88 વર્ષનાં હતાં. તેમનાં ભત્રિજીએ નિમ્મીના અવસાનની જાણકારી આપતા કહ્યું હતું કે, તેઓ વૃદ્ધાવસ્થાને કારણે થતી અનેક બિમારીઓથી પીડાતાં હતાં. છેલ્લા થોડા સમયથી તેઓ ચાલી શકતા ન હોવાથી વ્હીલચૅર પર જ હલનચલન કરતાં હતાં. બિમારીને કારણે બુધવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે કરાશે.

નિમ્મીએ તેમની કરિયરની શરૂઆત 1949માં આવેલી રાજ કપૂરની ફિલ્મ બરસાતથી કરી હતી. 50-60નો દાયકો નિમ્મીનો સ્ટારડમનો પિરિયડ હતો. રાજ કપૂરની શોધ નિમ્મીનું અસલી નામ નવાબ બાનો હતું પણ બરસાતમાં કામ આપવાની સાથે રાજ કપૂરે એનું નામ નિમ્મી રાખ્યું હતું.બરસાત બાદ નિમ્મીએ અમર, દાગ, બસંત બહાર, મેરે મહેબૂબ, દીદાર, કુંદન, ઉડન ખટોલા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

નિમ્મીએ રાજ કપૂર ઉપરાંત દેવ આનંદ, દિલીપ કુમાર સાથે પણ સ્ક્રીન શેર કર્યો હતો. નિમ્મીએ લેખ્ક અલી રઝા સાથે લગ્ન કર્યાં હતા જેમનું 2007માં અવસાન થયું હતું.

અભિનેત્રીનાં અવસાન પર બૉલિવુડના અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. રિશી કપૂરે તેમને યાદ કરતા ટ્વીટ કર્યું હતું કે, ભગવાન આત્માને શાંતિ અર્પે. શુક્રિયા નિમ્મી આન્ટી બૉબીના પ્રીમિયરમાં શુભકામના અને પ્યાર આપવા માટે. આપ આર.કે. પરિવારના હિસ્સો બનીને રહ્યા છે. બરસાત આપની પહેલી ફિલ્મ હતી. અલ્લાહ આપને જન્નત નસીબ કરે.

તો મહેશ ભટ્ટે લખ્યું હતું, તમે તમારી ઇચ્છા મુજબ દિલ જીતી શકો છો પણ અંતે મોત ધોખો આપી જાય છે. અલવિદા નિમ્મી.

દિવ્યા દત્તાએ નિમ્મીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું, આપની આત્માને શાંતિ મળે નિમ્મીજી. તમે તમારા સ્મિત અને જાદુઈ નજરોથી પરદા પર આગ લગાડતા હતાં. અમર, ઉડન ખટોલા, આન જેવી તમારી યાદગાર ફિલ્મો સદા યાદ રહેશે.

જાવેદ જાફરીએ નિમ્મી સાથેનો જૂનો ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું, થોડા વરસ અગાઉ મને ચાર ક્લાસિક બૉલિવુડ બ્યૂટિઝ સાથે ફોટો પડાવવાનો મોકો મળ્યો હતો. ડાબી બાજુથી અરજા, નિમ્મી, કુમકુમ, અમીતા. નિમ્મી આન્ટીના નિધન પર એ યાદ આવ્યું.

નિમ્મીની એક ભૂલ કરિયર માટે ભારે પડી

આગ્રામાં નવાબ બાનો નામે જન્મેલી નિમ્મીએ આમ તો અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ એક ભૂલને કારણે તેમની પૂરી કરિયર બરબાદ થઈ ગઈ. આ કિસ્સો 1963માં આવેલી ફિલ્મ મેરે મહેબૂબ સાથે સંકળાયેલો છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ માટે તેમમે લીડ રોલને બદલે સેકન્ડ લીડ ભજવવાનું પસંદ કર્યું. અને આ નિર્ણય તેમની કરિયર માટે અભિશાપ બની ગયો.

શું બન્યું હતું?

મેરે મહેબૂબના દિગ્દર્શક હરમન સિંહ રવૈલ (એચ. એસ. રવૈલ)એ નિમ્મીને ફિલ્મમાં લીડ રોલની ઑફર કરી હતી. પરંતુ નિમ્મીએ ફિલ્મમાં રાજેન્દ્રકુમારની બહેનનું પાત્ર ભજવવાની જીદ કરી. દિગ્દર્શકે સમજાવવાની ઘણી કોશિશ કરી પણ નિમ્મી ટસના મસ ન થયાં. આખરે ફિલ્મની હીરોઇન તરીકે સાધનાને લેવામાં આવી અને નિમ્મીને તેમની પસંદગીનો સેકન્ડ લીડ રોલમાં લેવામાં આવી. ફિલ્મ સુપરહિટ થઈ અને સાધનાની કરિયર પૂરપાટ દોડવા લાગી. તો આ ફિલ્મ બાદ નિમ્મીને લીડ રોલની ઑફર આવતી ઓછી થઈ અને તેમની કરિયર ધીમે ધીમે ખતમ થઈ ગઈ.

આ રીતે નિમ્મીને બરસાત મળી

નિમ્મીને પહેલો બ્રેક રાજ કપૂરે તેમની ફિલ્મ બરસાતમાં આપ્યો હતો. બન્યું એવું કે મહેબૂબ ખાન નમ્મીની માતાના પરિચિત હતા. બંનેએ ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. આ સંબંધને પગલે તેમમે નિમ્મીને અંદાજનું શૂટિંગ જોવા સેન્ટ્રલ સ્ટુડિયોમાં બોલાવી હતી. રાજ કપૂર ફિલ્મના હીરો હતા અને તેમની ફિલ્મ બરસાત માટે કોઈ નવા ચહેરાની શોધમાં હતા. સેટ પર જ્યારે નિમ્મી સાથે તેમની મુલાકાત થઈ તો તેમમે સીધી બરસાત ઑફર કરી. નિમ્મીને પણ ફિલ્મોમાં કરિયર બનાવવાની ઇચ્છા હોવાથી હાથમાં આવેલો સોનેરી અવસર ઝડપી લીધો. નિમ્મીને ફિલ્મમાં સેકન્ડ લીડ તરીકે પ્રેમનાથની અપોઝિટટ કાસ્ટ કરવામાં આવી.

હૉલિવુડની ઑફર નકારી દીધી

1952માં આવેલી આન માત્ર પહેલી ફુલ ટેક્નિકલર ફિલ્મ જ નહોતી પણ વર્લ્ડવાઇડ રિલીઝ થનારી પણ પહેલી ભારતીય ફિલ્મ હતી. લંડનમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયર બાદ હૉલિવુડની ફિલ્મ ઑફર મળી હતી પણ તેમણે નકારી દીધી. એનું કારણ માત્ર એટલું કે તેમને ઇન્ટિમેટ સીન અને કિસના દૃશ્યોનો ઘણો ડર લાગતો હતો.

મહેબૂબ ખાનની વહારે આવ્યાં નિમ્મી

મહેબૂબ ખાનની ફિલ્મ મધર ઇન્ડિયા ભારત દ્વારા ઑસ્કારમાં મોકલાયેલી પહેલી ફિલ્મ હતી. જોકે નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મને ઑસ્કર ન મળ્યો તો મહેબૂબ ખાનને હાર્ટ અટેક આવી ગયો હતો. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ફિલ્મ બનાવતી વખતે મહેબૂબ ખાન ભારે નાણાકીય તંગી અનુભવી રહ્યા હતા. આ વાતની જાણ જ્યારે નિમ્મીને થઈ ત્યારે તેઓ સાડીના પાલવમાં નોટોના બંડલ બાંધી મહેબૂબ ખાનની ઑફિસે પહોંચ્યા અને મેનેજરને રૂપિયા આપતા કહ્યું કે ફિલ્મ બનવી જોઇએ, પણ પ્લીઝ મહેબૂબ સાહેબને જણાવતા નહીં કે પૈસા નિમ્મીએ આપ્યા છે.

ક્યારેય સ્કૂલના પગથિયાં ચડ્યાં નહોતા

મળતા અહેવાલની વાત માનીએ તો નિમ્મી કદી સ્કૂલમાં ગયાં નહોતા. તેમણે ઘરમાં રહી ઉર્દૂ શીખ્યા અને ફિલ્મોમાં કામ કરતા અંગ્રેજી શીખતા ગયા. જોકે તેઓ હંમેશ તેમની માતૃભાષા ઉર્દૂમાં જ વાતચીત કરતાં. ફિલ્મી કામકાજ દરમ્યાન તેમની મુલાકાત લેખક અલી રઝા સાથે થઈ. રઝાએ એક સંવાદના રિહર્સલમાં નિમ્મીની મદદ કરી ત્યારથી બંને મિત્ર બન્યાં. આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી બંનેએ લગ્ન કર્યાં. 2007માં અલી રઝાના મૃત્યુ બાદ નિમ્મી જુહૂસ્થિત અપાર્ટમેન્ટમાં એકલાં રહેતાં હતાં.

છેલ્લી ફિલ્મ લવ એન્ડ ગૉડ

નિમ્મીની છેલ્લી ફિલ્મ લવ એન્ડ ગૉડની સ્ટોરી પણ ઘણા રોચક છે. હકાકતમાં મુગલ-એ-આઝમની રિલીઝ બાદ કે. આસિફે તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લવ એન્ડ ગૉડનું શૂટિંગ 1963માં શરૂ કર્યું હતું. ફિલ્મના કલાકારો હતા ગુરૂદત્ત અને નિમ્મી. જોકે ગુરૂદત્તના અકાળે થયેલા નિધનને પગલે ફિલ્મનું કામ અટકી પડયું. ત્યાર બાદ આસિફે સંજીવકુમારને લઈ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું. જોકે કુદરતને લવ એન્ડ ગૉડ બને એ મંજૂર ન હોય તેમ કે. આસિફ અવસાન પામ્યા. જોકે કે. આસિફનાં પત્ની અખ્તર આસિફે 1986માં આધીઅધૂરી ફિલ્મ રિલીઝ કરી પણ બૉક્સ ઑફિસ પર કરિશ્મા દાખવી શકી નહોતી. નિમ્મીએ થોડા વરસ અગાઉ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો લવ એન્ડ ગૉડ સમયસર બની રિલીઝ થઈ હોત તો જેમ મુગલ-એ-આઝમે મધુબાલાને અમર બનાવી દીધી એમ લવ એન્ડ ગૉડ એમની કરિયરની યાદગાર ફિલ્મ બની હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here