ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ, જાજરમાન, નરબંકા, આંજી નાખે એવા કલાકાર, દિગ્દર્શક પ્રતાપભાઇ ઓઝાની આજે 100મી જન્મજયંતિ છે .

20મી જુલાઇ 1920 અમદાવાદમાં જન્મેલા પ્રતાપભાઇનો પહાડી, બુલંદ અવાજ એવો કે વગર માઈકે છેલ્લી હારોળ સુધી સહેલાઈથી પહોંચી શકે.

રોમન ચહેરો, ગોરો વાન, મધ્યમ ઊંચાઈ, અભિનયમાં ગજબનો  ‘ગ્રેસ’ – સ્ટેજ પર ખલનાયકના વેશમાં પ્રવેશતા, ત્રાડ સાંભળતા જ પ્રેક્ષકગૃહમાં સોપો પડી જતો.

કૉલેજકાળમાં 17 વર્ષની આયુમાં જ પોતાની નાટ્ય કારકિર્દી શરૂ કરનાર પ્રતાપભાઈનું ગુજરાતીની સાથે હિન્દી અને ઉર્દૂ ભાષા પર પણ એટલું પ્રભુત્વ હતું કે હિન્દી ફિલ્મોના દિગ્ગજ કલાકાર પૃથ્વીરાજ કપૂર બોલી ઉઠયા હતા કે તુમ ઇતની અચ્છી ગુજરાતી કૈસે બોલ લેતે હો…!!

જાણીતા નવલકથાકાર વર્ષા અડાલજા (‘અલ્લાબેલી’ નાટકમાં એમનાં સાથી કલાકાર) એમણે એમના વિશે કહ્યું કે તેઓ એક બેનમૂન કલાકાર હતા અને જગતના શ્રેષ્ઠ નટોને ટક્કર આપે એવી એમની પ્રતિભા છે.

વિતેલા જમાનાની અભિનેત્રી અને નૃત્યાંગના આશા પારેખ પોતાની નૃત્ય નાટિકાઓમાં હર હંમેશ પ્રતાપભાઇના અવાજનો જ આગ્રહ રાખતા.

અલ્લાબેલી, નરબંકા, ઇડરિયો ગઢ જીત્યા રે, શાહજહાં, ઝાંઝવાના જળ, અધૂરી શોધ, જેસલ તોરલ, મૃછ કટિકા, પરિવર્તન, તરસ્યો સંગમ, અભિષેક, વેવિશાળ… અનેક નાટકોમાં અભિનય આપ્યો છે અને ઐતિહાસિક અને એમાંય ખલનાયકના પાત્રમાં તેઓ વિશેષ ખીલી ઉઠતા .

ભાઉ સાહેબ ગિરેશ દેસાઈએ કહ્યું હતું કે આ એક જ એવો કલાકાર છે જેના હાથમાં તલવાર શોભે છે.

રેડિયો અને દૂરદર્શન પર પણ અસંખ્ય નાટકો કર્યા અને ગુજરાતી હિન્દી ફિલ્મો (શરારત, લગે રહો મુન્નાભાઈ) માં પણ અભિનય કર્યો છે.

અનેક પારિતોષિક અને સન્માન વિજેતા પ્રતાપભાઇએ નૃત્યનાટિકાઓ પણ  દિગ્દર્શિત કરી હતી.

એમના સંઘર્ષ, યોગદાન, પ્રવૃત્તિઓ વિશે લખવા બેસો તો કદાચ પુસ્તક નહી, ગ્રંથ લખાય.

નવી રંગભૂમિના સ્તંભ સમા મુરબ્બી પ્રતાપભાઇ ઓઝાને એમની 100 મી જન્મશતાબ્દી નિમિતે શત શત પ્રણામ અને વંદન…!!

પ્રતાપભાઇના આ 5 મિનિટના વિડીયોમાં જાણો એમની કારકિર્દીમાં એમનું મનપસંદ પાત્ર કયું છે અને શા માટે ?

https://youtu.be/LzCSBFWN-jU

પ્રતાપભાઇ ઓઝા વિશે લખાયેલા સ્મરણો જૂના અખબારના અહેવાલમાંથી વણી લેવામાં આવ્યા છે – Thank you Darshanbhai Jariwala for providing the newspaper cutting.

સંકલન : બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here