9 જુલાઈ એટલે બૉલિવુડમાં હરિભાઈના નામે જાણીતા હરિહર જેઠાલાલ જરીવાલા ઉર્ફે સંજીવ કુમારનો જન્મદિવસ. સંજીવ કુમારે અનેક શાનદાર ફિલ્મો કરી દર્શકોના દિલો પર અમિટ છાપ છોડી છે. ફિલ્મી કરિયર દરમિયાન સંજીવ કુમારે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી પણ 1975માં આવેલી શોલે ફિલ્મમાં ઠાકુરનું પાત્ર સિનેમાના ઇતિહાસમાં નોંધાઈ ગયું છે.

સંજીવ કુમારનો જન્મ 9 જુલાઈ 1938ના સુરતમાં થયો હતો. જોકે સંજીવનો પરિવાર થોડા વરસો બાદ મુંબઈમાં આવીને વસી ગયો. સંજીવ કુમાર ખાધેપીધે સુખી કુટુંબના હતા પણ તેમના અભિનય પ્રત્યેના લગાવને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા. સંજીવ કુમારે કરિયરની શરૂઆત ઇપ્ટા અને ઇન્ડિયન નેશનલ થિયેટર (આઇએનટી)ના નાટકોથી કરી હતી. ત્યાર બાદ 1960માં તેમને ફિલ્માલયના બેનર હેઠળ બનેલી હમ હિન્દુસ્તાની ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી.

હમ હિન્દુસ્તાનીમાં સંજીવ કુમારે એક પોલીસ ઑફિસરની ભૂમિકા ભજવી હતી. તેમની ભૂમિકા માત્ર બે મિનિટ જ હોવા છતાં આ પાત્ર દ્વારા બિગ સ્ક્રીન પર એક અલગ છાપ છોડી હતી.  ત્યાર બાદ સંજીવ કુમારે કદી પાછળ વળીને જોયું નહોતું. સંજીવ કુમારનો સંઘર્ષ ફિલ્મમાં દિલીપ કુમાર સાથેનો સીન પણ ઘણો વખણાયો હતો. એવું કહેવાય છે કે સંજીવનો અભિનય જોઈ ખુદ દિલીપ કુમાર ચકિત થઈ ગયા હતા. 1970માં આવેલી ખિલૌનાને જબરજસ્ત સફળતા મળી હતી. ત્યાર બાદ સંજીવે અભિનેતા તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી. એટલું જ નહીં, કરિયરના શરૂઆતના વરસોમાં જ દસ્તક (1970) અને કોશિશ (1972) ફિલ્મ માટે નેશનલ અવૉર્ડ જીતી ચુક્યા હતા.

ઉપરાંત સંજીવ કુમારને ફિલ્મ ફેર અવૉર્ડની સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા જેવી વિવિધ કેટેગરીના 14 અવૉર્ડથી પણ સન્માનિત કરાયા હતા. સંજીવ કુમાર બૉલિવુડના એવા કલાકારોમાંથી એક હતા જેઓ તેમની ઉંમર કરતા મોટી વયના પાત્ર ભજવવામાં પણ ખચકાટ અનુભવતા નહોતા. તેમણે ફિલ્મમાં હીરો ઉપરાંત પિતાની ભૂમિકા પણ બખૂબી ભજવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે સંજીવ કુમાર અને જયા બચ્ચનની જોડી ઘણી હિટ થઈ હતી. એવા સમયે સંજીવ કુમારે જયા બચ્ચનના પતિથી લઈ સસરા સુધીની ભૂમિકાઓ ભજવી હતી. સંજીવ કુમારે જયા સાથે કોશિશમાં પતિ, અનામિકામાં પ્રેમી, શોલેમાં સસરા અને સિલસિલામાં ભાઈની ભૂમિકા ભજવી હતી.

ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતીય સિનેમાની 100 વર્ષની ઉજવણી સમયે જાહેર કરેલી શ્રેષ્ઠ 25 પર્ફોર્મન્સની યાદીમાં સંજીવ કુમારની અંગૂરની ભૂમિકાનો સમાવેશ કર્યો હતો. આના પરથી અંદાજ આવી શકે છે કે એક કલાકાર તરીકે સંજીવ કુમાર કેટલા મહાન હતા.

47 વર્ષની ઉંમરે 6 નવેમ્બર, 1984માં હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના અભૂતપૂર્વ અભિનયને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી.

ગુજરાત સરકારે સંજીવ કુમારના અવસાન બાદ તેમના મૂળ વતન સુરતમાં 108 કરોડ રૂપિયાના ખર્ચે ઑડિટોરિયમ બનાવ્યું હતું જેનું ઉદઘાટન 14 ફેબ્રુઆરી, 2014એ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. સંજીવ કુમાર ભારતના એક માત્ર એવા કલાકાર છે જેમના નામનું ઑડિટોરિયમ બનાવવામાં આવ્યું હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here