ભારતમાં બૉલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતની કથિત આત્મહત્યાનો કેસ ચર્ચામાં છે. પોલીસ સાથે એક નાના વર્ગનું માનવું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે. તો દેશના મોટાભાગના લોકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. સુશાંતના પરિવાર સહિત બિહાર સરકાર, કંગના રનૌત, સુબ્રહ્મણ્યમ સ્વામી સહિતની હસ્તીઓ ઉપરાંત અભિનેતાના ચાહકો પણ ઇચ્છે છે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ એનો વિરોધ કરી રહી છે. ભારતનો આ હાઇપ્રોફાઇલ કેસ આજે રોજેરોજ પ્રિન્ટ અને ટીવી મીડિયાનો મુખ્ય મુદ્દો બની ગયો છે.

સુશાંત જેવા હાઇપ્રોફાઇલ આત્મહત્યાના ઘણા કેસ હશે જેનું રહસ્ય કદી બહાર આવ્યું ન હોય. જાકે ફિલ્મી મેગેઝિન હોવાથી આપણે એવી જ એક હસ્તીની વાત કરીએ જેના વિશે આજે પણ લોકો એક પર્ફેક્ટ મર્ડર માને છે. હૉલિવુડની અભિનેત્રી અને લાખો-કરોડો દિલોની ધડકન એવી મર્લિન મનરોએ આત્મહત્યા કરી ત્યારે પૂરી દુનિયાને આંચકો લાગ્યો હતો. મર્લિનના કેસનું રહસ્ય બહાર ન આવવા માટે એક રાજકીય પરિવાર જવાબદાર હોવાનું આજે પણ લોકો માની રહ્યા છે. ડીટ્ટો, સુશાંત કેસમાં પણ આવી વાતો જ ચર્ચાઈ રહી છે.

મર્લિનની રહસ્યમય આત્મહત્યાની ફાઇલ અનેકવાર ખોલવામાં આવી અને બંધ પણ થઈ ગઈ. મર્લિનની આત્મહત્યા આજે પણ એક રહસ્ય બનીને રહી ગઈ છે. આજે પણ અનેક લોકોનું માનવું છે કે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ એની હત્યા કરી છે. મર્લિન કેસ અંગે અનેક પુસ્તકો પણ લખાયા છે જેમાં મર્લિનની આત્મહત્યા/હત્યા વિશે વિગતવાર લખવામાં આવ્યું છે.

૫ ઓગસ્ટ ૧૯૬૨ના અમેરિકાના લૉસ એન્જલ્સના સાન્તા મોનિકાના દરિયા કિનારે એક કૉન્સર્ટનું આયોજન કરાયું હતું. એમાં બૉબી ડોરિન, એલ્વિસ પ્રેસ્લી અને ડેન શેનન જેવા વિખ્યાત ગાયકો ભાગ લેવાના હોવાથી ભારે ભીડ ઉમટી હતી. ત્યારે ડિસ્ક જૉકીએ કાર્યક્રમની વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પતું ગીત સંભળાવ્યું. શ્રોતાઓના હૈયા ભારે થઈ ગયા. ગીત પૂરૂં થયા બાદ જૉકીએ જ જણાવ્યું કે લાખો લોકોની માનીતી અભિનેત્રી મર્લિન મનરોએ ૩૬મા વર્ષે આત્મહત્યા કરી છે.

મર્લિન સાથે વાત કરનાર છેલ્લી વ્યક્તિ હતી લાફોર્ડ. એની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એણે કહ્યું કે, એણે મર્લિનને ડિનર માટે બોલાવી હતી. પણ એણે જ્યારે સાંજે ફોન કરીને ડિનર માટે આવવાની વાત કરી ત્યારે એ ઘણી ચીડાયેલી હતી. ડિનર પર પણ આવવાની ના પાડી દીધી. એ વ્યવસ્થિત બોલી પણ શકતી નહોતી.

લાફોર્ડ સાથે મર્લિન મનરો

લાફોર્ડ પણ હૉલિવુડ સાથે જ સંકળાયેલો હતો. એણે વધુમાં જણાવ્યું કે, જ્યારે એણે ફોન કર્યો ત્યારે મર્લિને આવવાની ના પાડી. એ સાથે અચકાતા કહ્યું કે, પ્રેસિડન્ટને ગુડબાય કહેવું છે અને તને પણ ગુડબાય. લાફોર્ડ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ આ એક જ વાત કહેતો હતો. ઘણાને એની વાત ખોટી લાગતી હતી. મર્લિન અમેરિકન પ્રમુખ જ્હાન એફ. કેનેડી અને એના ભાઈ સાથે ઘણીવાર જોવા મળતી. લાફોર્ડ કેનેડીના ભાઈની નજીક હતો.

મર્લિન અંગે પાછળથી કહેવામાં આવતું હતું કે એણે વધુ પડતી ઉંઘની ગોળીઓ લઈ આત્મહત્યા કરી હતી. પણ એ કદી બહાર ન આવ્યું કે આટલી બધી ગોળીઓ એની પાસે આવી ક્યાંથી? એના ઘરમાંથી ગોળીની બોતલ ગાયબ હતી. એવું કહેવાય છે કે, જાસૂસી સંસ્થાના અમુક લોકોએ મર્લિનના ઘરે જઈ પહેલું કામ ફૉક્સ સ્ટુડિયો અને કેનેડી બંધુઓ સંબંધિત દસ્તાવેજા ગાયબ કર્યા. કલાકો બાદ ફૉક્સ સ્ટુડિયોએ અધિકૃતપણે જાણકારી આપી કે, રાત્રે ૩.૩૦ વાગ્યે હાઉસટેકર મિસિસ યુનાઇસ મરેએ મર્લિનના રૂમની લાઇટ ચાલુ હોવાનું જોયું. એણે દરવાજા ખટખટાવ્યો પણ મર્લિને ઉઘાડ્યો નહીં. બારીમાંથી જોતા મર્લિન પલંગ પર બેહોશ પડી હતી. એણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે દરવાજા તોડ્યો તો મર્લિન મૃત અવસ્થામાં પડી હતી. પોલીસે જણાવ્યું કે મર્લિને ઉંઘની ગોળીઓ લઈ આત્મહત્યા કરી હતી. જોકે કેનેડીના ભાઈના દબદબાને કારણે કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું. અંદરખાને ચર્ચા ચાલી રહી હતી. જેવી કેનેડી પરિવારની તાકાત ઘટવા લાગી કે મર્લિનની આત્મહત્યા પર સવાલો ઉપિસ્થત કરતા પુસ્તકો અને લેખો પ્રકાશિત થવા લાગ્યા. (સુશાંત સિંહ રાજપુત કેસની પણ અમુક બાબતો મર્લિન કેસને મળતી આવે છે)

જ્હૉન એફ. કેનેડી અને મર્લિન

મર્લિનના મૃત્યુ બાદ વીસ વરસે ફરી એની ફાઇલ ખોલવામાં આવી. તપાસ પણ થઈ. પરંતુ મોટાભાગના પુરાવાઓનો નાશ કરાયો હતો. એક તો મર્લિન પાસે આટલી ગોળીઓ આવી ક્યાંથી? ગોળીઓની બોતલ ગાયબ થઈ, એવું કહેવામાં આવ્યું કે મર્લિને ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી તો પછી લોહીમાં ડ્રગ્સનું પ્રમાણ વધુ કેવી રીતે આવ્યું? મર્લિનની કિડનીમાં ડ્રગ્સ મળ્યું નહીં. એટલે મર્લિને ગોળીઓ ખાધી નહોતી. તો શું એને ઇન્જેક્શન અપાયું હતું… તમામ વાતો શંકા ઉપજાવે એવી છે. ત્યાર બાદ એવું કહેવાઈ રહ્યું હતું કે, મર્લિન પ્રેસિડન્ટ કેનેડીની નજીક હતી. એટલે તેને અનેક રહસ્યોની જાણ હતી. તો એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે કેનેડી સાથેના સંબંધો બગડ્યા હતા અને એ એક પત્રકાર પરિષદનું આયોજન કરવાની હતી. (સુશાંત પણ પત્રકાર પરિષદ કરવાનો હતો એવું ચર્ચાઈ રહ્યું છે).

એ વાત સાચી કે મર્લિનની હત્યા બાદ કેનેડી પરિવારના પતનની શરૂઆત થઈ હતી. ખાસ કરીને આ કુટુંબના સભ્યો રહસ્યમય મોતે મર્યા હતા. જોકે લોકો આજે પણ મર્લિનની હત્યા થઈ હોવાનું માની રહ્યા છે. મર્લિનની હત્યા હોય કે આત્મહત્યા આજે પણ એ રહસ્યનો કોયડો બનીને રહી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here