કોરોના વાઇરસે દુનિયાભરના લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. માત્ર જનજીવન જ નહીં, ઉદ્યોગધંધાની સાથે મનોરંજન જગત પણ ઠપ થઈ જતા બધી ચૅનલો જૂની સિરિયલ ફરી દર્શાવી રહ્યા છે. જોકે આમાં સૌથી વધુ ફાયદો દૂરદર્શનને થયો છે. આજકાલ દૂરદર્શનની ટીઆરપી સૌથી વધુ જોવા મળે છે. દૂરદર્શન પર રામાયણ અને મહાભારત બાદ પ્રસારિત થઈ રહેલી ઉત્તર રામાયણ, કૃષ્ણ સિરિયલને પણ દર્શકોનો જબ્બર આવકાર મળ્યો છે. મજાની વાત એ છે કે મરાઠી ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રીના ચોકલેટ બૉય તરીકે જાણીતા સ્વપ્નિલ જોશી આ બંને સિરિયલમાં જોવા મળે છે. તાજેતરમાં સમાંતર નામની વેબ સિરીઝથી સ્વપ્નિલે ડિજિટલ માધ્યમમાં પણ એન્ટ્રી કરી છે.

ધાર્મિક સિરિયલના પુન:પ્રસારણ અંગે સ્વપ્નિલે જણાવ્યું કે હાલ લૉકડાઉનને કારણે લોકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. પરંતુ બધાએ શાંતિ જાળવવાની જરૂર છે. અને આ શાંતિ મેળવવા રામાયણ, મહાભારત અને શ્રી કૃષ્ણ જેવી સિરિયલો જોવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. ત્રણ લોકપ્રિય સિરિયલમાંથી બેમાં સ્વપ્નિલે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉત્તર રામાયણમાં સ્વપ્નિલે કુશની ભૂમિકા ભજવી છે તો શ્રી કૃષ્ણમાં બાળ કૃષ્ણની.

સ્વપ્નિલનું કહેવું છે કે આ એક સિરિયલ નથી પણ અનેક લોકોના બાળપણ અને સંસ્કૃતિનો હિસ્સો છે. એટલું જ નહીં, સ્વપ્નિલનું માનવું છે કે રામાયણ અને મહાભારત એવી સિરિયલો છે જે તમામ ભારતીયો નાત-જાતના ભેદભાવ વગર જોઈ રહ્યા છે. એ સાથે એણે ઉમેર્યું કે, તમામ માટે એના બાળપણને ફરી યાદ કરી જીવવાનો મજેદાર અવસર છે. અને એમાં હું પણ સામેલ છું. આ સિરિયલો બની ત્યારે હું 9-10 વર્ષનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here