કોકોનટ થિયેટરની પ્રથમ સફળ સીઝન ચાય વાય એન્ડ રંગમંચ – ૨૦૨૦માં ભારત સહિત વિવિધ દેશોના રંગભૂમિના નિષ્ણાતો દ્વારા પ્રસ્તુત ૧૦૮ સેશન્સનું સફળતા પૂર્વક આયોજન કરીને ઇતિહાસ રચ્યો. ઉપરાંત. ભારતનાં જુદા જુદા રાજ્યોના પ્રતિભાશાળી નામાંકિત પ્રસિદ્ધ લોક કલાકારો અને મહેમાન વક્તા દ્વારા એક પછી એક કડીઓ ઉમેરવાની સાથે ભારતીય લોક થિયેટરના સ્વરૂપોનો રસાસ્વાદ નાટ્યપ્રેમીઓને કરાવ્યો. સીઝનમાં ભાગ લેનાર દિગ્ગજ કલાકાર-કસબીઓએ પણ આ અવસરમાં ઉમંગભેર ભાગ લેવાની સાથે તેમના અનુભવો શેર કર્યા અને એવી વાતો જણાવી જે આવનારી પેઢીને નાટ્યજગતમાં પ્રગતિના સોપાન સર કરવા માટેની અમૂલ્ય શીખ પણ મળી. સીઝન-૧ અને સીઝન-૨ના દરેક સત્ર વિશ્વભરના નાટ્ય શોખીનો કોકોનટ થિયેટર્સની યુટ્યુબ ચૅનલ પર વિનામૂલ્ય જોઈ-માણી શકે છે.
શત્રુઘ્ન સિંહા, સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ અવૉર્ડિ શ્રીમતી શબાના આઝમી, શ્રીમતી સુપ્રિયા પાઠક, પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી અવૉર્ડ વિજેતા શ્રીમતી રીટા ગાંગુલી, એમ.એસ.સથ્યુ, સ્વ.બંસી કૌલ, મનોજ જોશી, શ્રીમતી નીલમ માનસિંહ, વામન કેન્દ્રે, સતિષ આલેકર, શ્રીમતી. ડોલી આહલુવાલિયા, પ્રસન્ના, સુરેશ શર્મા (ડિરેક્ટર – એનએસડી), શ્રીમતી. રોહિણી હટ્ટગડી અને ઘણાંએ ઑન લાઇન સત્રો કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ, લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ, ટેક્નિકલ ડિઝાઇનર, ટેક્નિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે સંકળાયેલા દરેકે દરેક માટે પ્રેરણા સ્રોત બન્યા.
“ચાય-વાય એન્ડ રંગમંચ” ની પહેલી અને બીજી સફળ સીઝન બાદ, કોકોનટ થિયેટર લાવી રહ્યું છે ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -૩’. આજથી એટલે કે ૧૨ એપ્રિલ, ૨૦૨૧થી ticketninja.inના સહયોગથી રોજ સાંજે ૬ : ૦૦ વાગ્યે સેશન શરૂ થશે. જેમાં ગુજરાતી રંગભૂમિના અભિનેતા, લેખકો અને દિગ્દર્શકો અને વિવિધ કસબીઓ કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને તેમની રંગભૂમિ કારકિર્દીની યાદગાર વાતો, એમના અનુભવો શેર કરશે.
સીઝન -૧ અને સીઝન – ૨ના આદરણીય મહેમાનો અને પ્રેક્ષકોનો પ્રતિસાદ અપ્રતિમ હતો જેમણે કોકોનટ થિયેટર ટીમને પ્રાદેશિક થિયેટર પર ઑન લાઈન સત્રનું આયોજન કરવાની પ્રેરણા આપી અને કોકોનટ થિયેટરની કર્મઠ ટીમે ગુજરાતી રંગભૂમિનાં માધ્યમથી પ્રાદેશિક સત્ર શરૂ કરવાનું બીડું ઝડપ્યું. ગુજરાતી રંગભૂમિ હંમેશાં ખૂબ જ સક્રિય રહી છે અને વિશાળ ગુજરાતી પ્રેક્ષક વર્ગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ધિનો અવકાશ રહ્યો છે. એટલે અમારૂં લક્ષ્ય સત્રના આયોજન દ્વારા વિશ્વભરના તમામ ગુજરાતી થિયેટર અને કલા પ્રેમી સુધી પહોંચવાનું છે. અન્ય ભારતીય પ્રાદેશિક થિયેટર ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય થિયેટરનાં કલાકાર કસબીઓ પણ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજને અનુસરી શકે છે. “ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – ૩” ને ઑન લાઇન અને ઑફ લાઇન જોઈ શકાય છે. બધા જ સત્રોનો સંપૂર્ણ સંપૂટ કોકોનટ થિયેટર યુટ્યુબ ચૅનલ પર અપલોડ કરવામાં આવશે, જે વિશ્વના કોઈ પણ ખૂણે વિના મૂલ્યે જોઈ શકાશે.